East Kutch Police Gandhidham : ગાંધીધામમાં મહિલા પોલીસ સાથે ઇશ્ક લડાવતા હેડ કોન્સ્ટેબલને તેની પત્ની અને દીકરાએ રંગે હાથ ઝડપ્યા, જાણો પછી શું થયું
શહેરના મુખ્ય બજારમાં આવેલી બિન હરીફ દુકાન પાસે કારમાં બેઠા હતા ત્યારે પત્ની અને પુત્ર પહોંચી ગયેલા, મારામારીમાં મહિલા પોલીસને કાન અને નાકમાં ગંભીર ઇજા પહોંચતા આદિપુરની ડિવાઇન હોસ્પિટલમાં લઇ ગયા

WND Network.Gandhidham (Kutch) : થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં લગ્નેતર સંબંધના મામલે પોલીસ કર્મચારીની તેની પત્નીએ હત્યા કરીને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. હવે આવો જ એક બનાવ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બન્યો છે. જો કે ગાંધીધામની આ ઘટનામાં વાત હત્યા કે આત્મહત્યા સુધી તો પહોંચી નથી પરંતુ મહિલા પોલીસ કર્મચારીને કાન અને નાકમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસના નેત્રમમાં ફરજ બજાવતી મહિલા પોલીસને હેડ કોન્સ્ટેબલની પત્ની અને દીકરાએ ભર બજારમાં કારમાં ઝડપી લીધા હતા. અને ત્યારબાદ તેમની વચ્ચે ભારે માથાકૂટ અને મારામારી થઈ હતી. સમગ્ર ઘટના અનેક લોકોની હાજરીમાં બની હતી અને CCTV કેમેરામાં પણ ઘટના રેકોર્ડ થઈ ગઈ હોવાથી પૂર્વ કચ્છ પોલીસના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પરમાર ગાંધીધામ મુખ્ય બજારમાં આવેલી બિન હરીફ દાબેલી દુકાન પાસે કારમાં બેઠા હતા. કારમાં તેમની સાથે પૂર્વ કચ્છ પોલીસના નેત્રમમાં ફરજ બજાવતી અંજુ નામની મહિલા પોલીસ કર્મચારી પણ બેઠી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પરમારની પત્ની અને તેમનો દીકરો ત્યાં પહોંચ્યા હતા. કારમાંથી બંને બહાર આવતા ચારેય વચ્ચે ઉગ્ર માથાકૂટ શરુ થઈ ગઈ હતી. મામલો મારામારી પહોંચી જતા મહિલા પોલીસ અંજુને કાન અને નાકમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી.
અનેક લોકોની વચ્ચે બનેલી આ ચર્ચાસ્પદ ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખબર પડતા તેઓ તાબડતોડ ઘટનાસ્થળે આવીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ મહિલા પોલીસ કર્મચારી અંજુને આદિપુર ખાતે આવેલી ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.
સમગ્ર ઘટના અંગે વધુ માહિતી તેમજ સત્યતા ચકાસવા માટે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા ગાંધીધામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. મામલો સંવેદનશીલ હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીને વૉટ્સએપ ઉપર મેસેજ કરીને પણ વિગત લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી પીઆઇ ચૌધરી તરફથી કોઈ જ જવાબ મળ્યો ન હતો.
ડીવાયએસપીનું પણ દિલ આવી ગયું, મામલો રફેદફે કરવા સક્રિય બન્યા : સૂત્રોએ કરેલા દાવા મુજબ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા એક ડીવાયએસપી નું પણ દિલ આવી ગયું હોવાથી સમગ્ર મામલો વધુ ચર્ચામાં ન આવે અને બધુ શાંતિથી ગોઠવાઈ જાય જાય તે માટે આ તિલકધારી અધિકારી પણ સક્રિય થઇ ગયા હતા. ગુજરાત પોલીસમાં નેત્રમની કામગીરીમાં અવ્વલ કામગીરી કરનારા પૂર્વ કચ્છના નેત્રમના કેમેરા પણ બજાર હોવાથી સક્રિય હતા. જેમાં ઘટના રેકોર્ડ થઇ ગઈ છે. હવે પોલીસ એ રેકોર્ડિંગ કાઢવા માટે મથામણ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આઠેક વર્ષથી ચાલતી હરકત ઉપર હેડ કોન્સ્ટેબલના પત્નીની નજર હતી, ઓસ્લો પાસે ફ્લેટ રાખીને મળતા હતા : કોઈપણ પુખ્ત વયની વ્યક્તિઓ એકબીજા સાથે સંબંધ રાખે તો તે કોઈ ગુન્હો નથી પરંતુ પરિણીત વ્યક્તિ આવું કરે તો તે ગુન્હો પણ બને છે અને વાત ચર્ચામાં પણ આવે છે. આઠેક વર્ષથી પૂર્વ કચ્છના આ હેડ કોન્સ્ટેબલને મહિલા પોલીસ સાથે સંબંધ ચાલી રહ્યો છે. ઓસ્લો સર્કલ પાસે એક ફલેટમાં તેમણે રહેવાનું પણ રાખ્યું હતું. એટલે જયારે હેડ કોન્સ્ટેબલની પત્નીને જયારે પાક્કા પાયે બાતમી મળી કે, બંને ભેગા છે ત્યારે તે દીકરા સાથે ત્યાં પહોંચી ગઈ હતી.
પૂર્વ કચ્છના SP એ કેમેરા લગાડવા માટે લોકોને અપીલ કરેલી : સમગ્ર રાજ્યમાં નેત્રમની કામગીરીમાં નંબર વન મેળવીને DGP હાથે પૂર્વ કચ્છ પોલીસને એવોર્ડ પણ મળેલો છે. જેને પગલે ઉત્સાહિત SP એ ગુનાહિત તત્વો ઉપર વધુ ચોકસાઈ પૂર્વક બાજ નજર રાખવા માટે ગાંધીધામ શહેરના લોકોને પણ CCTV કેમેરા લગાડવાની અપીલ કરી હતી. હવે જોવાનું રહ્યું કે, મારામારી સુધી પહોંચેલી મારામારીની આ ઘટના પોલીસના નેત્રમના કેમેરામાંથી નીકળે છે કે લોકોએ લગાડેલા CCTV કેમેરામાંથી.