કચ્છના તંત્રથી થાય એ કરી લે, ભુજના વર્ષો જુના લોટસ કોલોનીનાં સાર્વજનિક પ્લોટની સાથે હવે ફૂટપાથ ઉપર કબજો કરી બાંધકામની તૈયારીઓ

રહેણાક કોલોનીમાં કોમર્શિયલ બાંધકામથી હેતુફેર છતાં મહેસુલથી માંડીને BHADA સહિતની ઓથોરિટીનાં આંખે પાટા

કચ્છના તંત્રથી થાય એ કરી લે, ભુજના વર્ષો જુના લોટસ કોલોનીનાં સાર્વજનિક પ્લોટની સાથે હવે ફૂટપાથ ઉપર કબજો કરી બાંધકામની તૈયારીઓ

WND Network.Bhuj (Kutch) : ભુજની લોટસ કોલોનીમાં જનરલ હોસ્પિટલની સામે આવેલા ખાનગી માલિકીના પ્લોટની સાથે વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટને પણ વેચી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે કચ્છના તંત્રથી માંડીને ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી(BHADA ) સુધીની સરકારી મશીનરી ભેદી રીતે મૌન છે. તેવામાં સાર્વજનિક પ્લોટની સાથે સાથે જી.કે.જનરલ હોસ્પિટલની સામે આવેલી ફૂટપાથ ઉપર દબાણ કરીને બાંધકામ શરુ કરી દેવામાં આવ્યું છે. છતાં જાણે કે, તમામ ઓથોરિટીના આંખે પાટા હોય તે રીતે કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાને પગલે તંત્ર દબાણમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જી.કે.જનરલ હોસ્પિટલની સામે આવેલી ફૂટપાથ ઉપરથી થોડા દિવસ પહેલા જ રેકડીઓ હટાવનારી ભુજ નગર પાલિકા પણ જાહેરમાં દેખાઈ રહેલા દબાણ અંગે આંખ આડા કાન કરી રહી હોવાને પગલે આખી 'સરકારી સિસ્ટમ' બિલ્ડર પાસે વેચાઈ ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.   

જાહેરમાં ચાલી રહેલા આ ગેરકાયદે બાંધકામ અંગે કલેક્ટરથી માંડીને તમામ સંબંધિત ઓથોરિટી સુધી ફરિયાદ-રજૂઆત કરવામાં આવી ચુકી છે. માધ્યમ થકી પણ તેમને ભુજની લોટસ કોલોનીમાં જનરલ હોસ્પિટલની સામે આવેલા ખાનગી માલિકીના પ્લોટની સાથે સાથે એક વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટ ઉપર બાંધકામ શરુ કરવાની હકીકત ખબર હોવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થવાને કારણે લોકો સરકારી અધિકારીઓ અંગે જાત જાતની ગળે ન ઉતરે તેવી વાતો કરી રહ્યા છે. 

જેમણે આ જમીન ખરીદી છે તેવા ભુજના જાણીતા કતીરા કન્સ્ટ્રક્શન વાળા RJK LLPના  જિમી કતીરા અગાઉ દાવો કરી ચુક્યા છે કે, તેમણે કઈંજ ખોટું કર્યું નથી. અને તેમની પાસે તમામ પ્રકારની મંજૂરીઓ છે. પરંતુ લોટસ કોલોનીના રહેવાસીઓનું માનીએ તો, હેતુફેર કર્યા વિના રહેણાંક કોલોનીમાં કોમર્સીયલ બાંધકામ કરી શકાય નહીં. છતાં શેરી નંબર ચારના જાહેર માર્ગ ઉપર બાંધકામ શરુ કરવામાં આવેલું છે. માત્ર એટલું જ નહીં પરંતુ, જી.કે.જનરલ હોસ્પિટલ સામે આવેલી ફૂટપાથને તોડી નાખવામાં આવી છે. અને તેની ઉપર મોટા પથ્થરો ઠાલવીને અહીં દબાણ કરી દેવામાં આવ્યું છે. 

કલેક્ટર ધારે તો સુઓમોટો કાર્યવાહી કરી શકે :- જાહેર માર્ગ ઉપર થઈ રહેલા દબાણ તેમજ હેતુફેરની ફરિયાદ સહીત મીડિયા દ્વારા ધ્યાન દોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જાણકારો એવું કહી રહ્યા છે કે, કલેક્ટર ધારે તો સાર્વજનિક પ્લોટથી માંડીને ફૂટપાથ ઉપર થઈ રહેલા દબાણ-બાંધકામ અંગે કોઈએ ફરિયાદ કરી હોય કે ન કરી હોય, તેમ છતાં કચ્છના વહીવટી તંત્રના વડા તરીકે કલેક્ટર તેમજ ભાડા (BHADA)ના CEO તરીકે ભુજના પ્રાંત અધિકારી ધારે તો સુઓમોટો એટલે કે સ્વયંભૂ સમગ્ર મામલને ધ્યાનમાં લઈને એક્શન લઈ શકે છે.  જી.કે. હોસ્પિટલ સામે રેકડીઓ હટાવનારી ભુજની નગર પાલિકા પણ ઈચ્છે તો ફુટપાથનું દબાણ દૂર કરવાની તો કાર્યવાહી કરી શકે છે. પરંતુ તેવું હજુ સુધી થયું નથી. જેને પગલે લોકોમાં તેમની ખરાબ છાપ પડી રહી છે. 

સીટી સર્વેની ઓફિસના દસ્તાવેજમાં પ્લોટ હજુ સાર્વજનિક હોવાનો દાવો :- લોટસ કોલોનીના લોકોનું માનીએ તો, સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા દિવગંત તબીબ શાંતુબેનના ભાઈએ ભુજના જાણીતા કતીરા કન્સ્ટ્રક્શનવાળા જિમી કતીરાને જે પ્લોટ વેચ્યા છે, તેમાં એક પ્લોટ સાર્વજનિક છે. જેમાં ડૉ.શાંતુબેન પટેલ રેડક્રોસના નેજા હેઠળ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. આમ જોવા જઈએ તો સેવાકીય પ્રવૃત્તિ થતી હોય કે ગમે તે, કોઈપણ પબ્લિક પ્લોટ ઉપર પેશકદમીને દબાણ જ માનવામાં આવે છે. છતાં લોકોએ જે તે સમયે ડૉ.શાંતુબેન પટેલની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને સાર્વજનિક પ્લોટ ઉપર દબાણની વાતે ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હવે જયારે તેને વેચીને કોમર્શિયલ પ્રવૃત્તિ કરી કરોડો રૂપિયા અંકે કરી લેવાની જે વૃત્તિ છે તેની સામે લોટસ કોલોનીના લોકો રોષે ભરાયા છે. હવે જોવાનું એ રહ્યું કે, આટલો વિરોધ અને ગેરકાયદે કૃત્ય હોવા છતાં બિલ્ડર તેનું બાંધકામ ચાલુ રાખે છે કે, પછી તંત્ર તેની સામે કોઈ એક્શન લે છે.