'બધા ચોરની અટક મોદી કેમ હોય છે ?’ રાહુલ ગાંધીના આ વાક્યમાં ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાને ચોર શા માટે સમજી લીધા ?
કોંગ્રેસના રાહુલ ગાંધીના સુરત કોર્ટના ચુકાદા અંગે નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણીની ફેસબુક પોસ્ટ ચર્ચાનો વિષય બની
WND Network.Bhuj (Kucth) : ગઈકાલે ગુરુવારે સુરતની એક કોર્ટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં તકસીરવાર ઠેરવીને બે વર્ષની સજા કરવામાં આવી છે. આ ચુકાદા પછી સમગ્ર મામલો માત્ર સુરત કે ગુજરાત સુધી સીમિત રહ્યો નથી. સમગ્ર દેશમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે. અને કોર્ટના ચુકાદાને પગલે અપેક્ષા પ્રમાણે આજે શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા સ્પીકરની અનુમતીને પગલે રાહુલ ગાંધીને લોકસભાનના સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને લોકોએ કેરળની વાયનાડ બેઠક ઉપરથી ચૂંટીને લોકસભામાં મોકલ્યા હતા. સુરત કોર્ટના ચુકાદાને પડકારવા માટે રાહુલને ત્રીસ દિવસનો સમય પણ આપવામાં આવેલો છે. ગાંધીને સેસન્સ કોર્ટમાંથી જામીન પણ ગઈકાલે જ મળી ગયા હતા. પરંતુ ચોવીસ કલાકની અંદર જ સુરત કોર્ટનો ચુકાદો દિલ્હીમાં લોકસભા સચિવાલયમાં પહોંચી જાય છે. અને સ્પીકરની મંજૂરી મળ્યા બાદ લોકસભાના સેક્રેટરી જનરલે તેમને લોકસભાના સભ્યપદેથી દૂર કરી દીધા છે. ખુબ જ ટૂંક સમયમાં બનેલા આ ઘટનાક્રમમાં સુરતનો એ કેસ તેમજ ચુકાદા અંગે ગુજરાતના એક જાણીતા નિવૃત્ત આઇપીએસ અધિકારી રમેશ સવાણીની સોસીયલ મીડિયા ઉપર ફરતી થયેલી પોસ્ટ ચર્ચાનો વિષય બની છે, જે કઈંક આ પ્રમાણે છે.
કવિ કરસનદાસ માણેકની કાવ્ય રચનાની કેટલીક પંક્તિને ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !’ ટાંકીને સુરતની કોર્ટના ચુકાદા અંગે આવું કહ્યું છે.
સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને IPC કલમ-499/ 500 હેઠળ બદનક્ષી સબબ 2 વર્ષની સાદી કેદની સજા કરી છે. આ ચુકાદો 168 પેજનો છે. ચુકાદામાં ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષની લાંબી લાંબી દલીલો ટાંકવામાં આવી છે. પેજ-54 ઉપર કોર્ટ મુદ્દો ઉપસ્થિત કરે છે કે, “શું ફરિયાદપક્ષ એ હકીકત નિ:શંકપણે પુરવાર કરે છે કે, આ કામના આરોપીએ પોતાના 13 એપ્રિલ 2019ના પોતાની ચૂંટણી સભામાં ભારતના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ચોરનું ઉપનામ આપી તેમજ તેની સરખામણી આર્થિક ગુનેગારો જેવા કે નિરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી તથા વિજય માલ્યા સાથે કરી ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછ્યું હતું કે ‘બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવી ટીપ્પણી કરેલ હતી તથા ફરિયાદી તેમજ સમસ્ત મોદી સમાજની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે તેમજ હાનિ પહોંચશે તેવી જાણકારી અને એવું માનવાના કારણ સાથે ઉપર્યુક્ત ગુનો કરી ફરિયાદીને સામાજિક અને શારીરિક તેમજ માનસિક નુકશાન પહોંચાડેલ છે અને ફરિયાદીની બદનક્ષી થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી IPC કલમ-499/ 500 મુજબનો સજાને પાત્ર ગુનો કરેલ છે?” આ મુદ્દાનો નિર્ણય અદાલતે હકારમાં આપેલ છે.
પેજ-166 પર કોર્ટે, આરોપી રાહુલ ગાંધીની રજૂઆત નોંધી છે : ‘મેં જે કાંઈ ભાષણ આપેલું તે પ્રજાના હિતમાં, મારી ફરજના ભાગરુપે આપેલ. મારે કોઈપણ પ્રજા સાથે કોઈ ભેદભાવ નથી. તેમજ હું મારા દેશની તમામ પ્રજાને ખૂબ પ્રેમ કરું છું.’ આરોપીના વકીલ કહે છે : ‘આરોપીનો કોઈપણ જ્ઞાતિનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો; તેમજ ફરિયાદીને કોઈપણ પ્રકારની વ્યથા/નુકશાન થયેલ નથી.’
IPC કલમ-499માં 10 અપવાદ છે; તેમાં પ્રથમ 3 અપવાદ જોઈએ. પ્રથમ અપવાદ : કોઈ એવી બાબતની બદનક્ષી કરે જે કોઈ વ્યક્તિના સંબંધમાં સત્ય હોય તો તે માનહાનિ નથી. લોક કલ્યાણ માટે સત્ય કહી શકાય. બીજો અપવાદ : લોક સેવકના આચરણ અંગે સદભાવનાપૂર્વકની આલોચના માનહાનિ નથી. ત્રીજો અપવાદ : કોઈ જાહેર પ્રશ્નના સંબંધમાં કોઈ વ્યક્તિના આચરણ બાબતે, તેના શીલ બાબતે, સદભાવનાપૂર્વક કંઈ કહે તો માનહાનિ નથી. આ ત્રણ અપવાદ આ કેસમાં શામાટે લાગુ પડતા નથી; તેની ચર્ચા કોર્ટે પોતાના લાંબા ચુકાદામાં કરી નથી.
પેજ-165 પર કોર્ટ નોંધે છે : “માત્રને માત્ર મોદી સમાજ કે જ્ઞાતિના લોકોની બદનામી થયેલ હોવાના કારણથી હાલની ફરિયાદ કરવામાં આવેલ નથી પરંતુ ફરિયાદીને પોતાને થયેલ વ્યથાના કારણે પણ હાલની ફરિયાદ કરવામાં આવેલ છે. વધુમાં આરોપી દ્વારા ભાષણમાં શ્રી નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપીને તેમજ તેમની સરખામણી આર્થિક ગુનેગારો સાથે જેવા કે નિરવ મોદી/ લલિત મોદી/ મેહુલ ચોક્સી/ વિજય માલ્યા સાથે કરી ત્યાં તેઓનું ભાષણ રોકી શક્યા હોત. તેમજ આ લોકો પૂરતી જ ભાષણમાં ચર્ચા કરી શક્યા હોત. પરંતુ આરોપીએ ઈરાદાપૂર્વક સમગ્ર ‘મોદી’ અટકધારી કે ‘મોદી’ નામથી ઓળખાતી વ્યક્તિઓનું ઈરાદાપૂર્વક અપમાન કરવા માટે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવું ભાષણમાં જણાવેલ.” પેજ-167 પર કોર્ટ લખ્યું છે : “આરોપી સંસદસભ્ય છે. સંસદસભ્ય તરીકે તેમની પ્રજાને સંબોધન કરવાની બાબત ખૂબ ગંભીર છે, કારણ કે જ્યારે સંસદસભ્યની હેસિયતથી કોઈ વ્યક્તિ પ્રજાને સંબોધન કરતો હોય ત્યારે તેની ખૂબ વ્યાપક અસર પ્રજા પર પડતી હોય છે. અને તેના કારણે સદર ગુનાની ગંભીરતા વધુ છે. તેમજ જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ તેનાથી ખોટો મેસેજ જાય તેમ છે. અને બદનક્ષીના જે હેતુ છે તે હેતુ સર થશે નહીં. અને કોઈ વ્યક્તિ સહેલાઈથી કોઈપણ વ્યક્તિની બદનક્ષી કરશે.”
પોતાની ફેસબુક પોસ્ટમાં સૌથી છેલ્લે ગુજરાતના આ નિવૃત્ત પોલીસ અધિકારી આવું કઈંક આવું અવલોકન કરે છે. સૌથી મોટો સવાલ એ છે કે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ એ શબ્દોમાં ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાને ચોર શામાટે સમજી લીધેલ હશે? કોર્ટ પણ આવા તર્ક સાથે કઈ રીતે સહમત થઈ હશે? સાચો ચુકાદો તો કવિ કરસનદાસ માણેકે આપ્યો હતો : ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !’