કચ્છ : RTOમાંથી 147 ટ્રેલરના કાગળો ગાયબ ? ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસની ટીમ દ્વારા ભુજ-અંજારમાં તપાસ, જાણો શું છે મામલો

ટેક્સ બચાવવાના 'ખેલ'માં એજન્ટ અને આરટીઓ કચેરીની ટેબલ નીચેની 'ગોઠવણ'

કચ્છ : RTOમાંથી 147 ટ્રેલરના કાગળો ગાયબ ? ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસની ટીમ દ્વારા ભુજ-અંજારમાં તપાસ, જાણો શું છે મામલો

WND Network.Bhuj (Kutch) : છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં રહેલી ભુજની RTO કચેરીનું વધુ એક કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે. આ વખતે 147 ટ્રેલરના ડોક્યુમેન્ટ ગાયબ કરી દેવાનો મામલો બહાર આવ્યો છે. જેને પગલે ગાંધીનગરથી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (CoT)માંથી નાયબ સચિવ લેવલના અધિકારીની એક ટીમ કચ્છમાં ભુજ અને અંજાર કચેરી ખાતે શુક્રવારે તપાસ માટે આવી હતી. ભુજની કચેરીમાંથી જે ટ્રેલરને તપાસ દરમિયાન રિજેક્ટ કરવામાં આવ્યા હતા તે વાહનોને અંજારની કચેરીમાંથી પાસ કરાવી દેવાનો મામલો બહાર આવવાને પગલે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ વાહનના ડોક્યુમેન્ટ માંગવા છતાં ન આપવામાં આવતા ગાંધીનગરની ટીમને કચ્છ સુધી લાંબા થવું પડ્યું હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, દોઢેક મહિના પહેલા ભુજની RTO કચેરીમાં 147 ટ્રેલરને પાસિંગ માટે લાવવામાં આવ્યા હતા. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અને એસેસરી ન હોવાને પગલે આ વાહનોને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રિજેક્ટ થયેલા ટ્રેલરને ભેદી રીતે અંજારની RTO ઓફિસ દ્વારા ફિટ જાહેર કરવામાં આવીને તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. અને જયારે આ વાત ગાંધીનગર વાહનવ્યવહાર કમિશનરની કચેરીમાં ખબર પડી ત્યારે તમામ ટ્રેલરના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. પોતાની વડી કચેરી દ્વારા હુકમ કરવા છતાં ડોક્યુમેન્ટ ન મળવાને પગલે આર.વી.બ્રહ્મભટ્ટ નામના નાયબ સચિવને ટીમ સાથે કચ્છ મોકલવામાં આવ્યા હતા. અને આ ટીમ દ્વારા શુક્રવારે પહેલા ભુજ અને ત્યારબાદ અંજારની કચેરીમાં ડોક્યુમેન્ટ પ્રાપ્ત કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  

આ અંગે કચ્છ RTO કચેરીના ઇન્ચાર્જ એવા મોરબીના ARTO રોહિત પ્રજાપતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે સૌ પ્રથમ તો ગાંધીનગરથી કોઈ ટીમ તપાસ માટે આવી હોવાની વાતનો સાફ ઇન્કાર કર્યો હતો. અને ત્યારબાદ ઉમેર્યું હતું કે, ઇન્સ્પેક્ટર લેવલની એક ટીમ આવી છે જે, ઈ-રજીસ્ટ્રેશન મામલે કામ કરી રહી છે. બીજી તરફ અંજાર RTO કચેરીના ઇન્ચાર્જ એવા ઇન્સ્પેક્ટર વી.એસ.ચૌહાણે આ અંગે જણાવ્યું કે, એક ટીમ આવી છે અને કચેરીમાં જયાં વાહનોની OC (ઓફિસ કોપી) રાખવામાં આવેલી છે તે દસ્તાવેજો તપાસી ચેક કરી રહ્યા છે. 

જાણો, આવી રીતે કરવામાં આવ્યું છે સમગ્ર કૌભાંડ :- વાહનની બોડી લીધા બાદ ટ્રાન્સપોર્ટરને તેની પાછળનું ટ્રેલર તૈયાર કરવામાં માટે ગુજરાત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી બે કંપની પાસે કામ કરાવવાનું હોય છે. જો આ બંને કંપની ટ્રેલર તૈયાર કરી આપે તો વાહનની બોડીની કિંમત 14થી પંદર લાખ જેટલી થાય અને તે પ્રમાણે 6 ટકા ટેક્સ પણ ભરવો પડે. આ નક્કી કરેલા માપદંડવાળી એક્સસેલ એટલે કે ટ્રેલર પાછળ ફુગ્ગો લગાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટરને માલ ઓછો લોડ કરવાનો વારો આવે. એટલે ટ્રાન્સપોર્ટર માન્યતા પ્રાપ્ત કંપનીઓને બદલે અન્ય કંપનીઓ પાસે ટ્રેલર બનાવે છે. જેમાં ટ્રેલર ટિયર કરવાની કિંમત પાંચથી સાત લાખ જેટલી ઘટી જાય છે. અને એટલે ટેક્સ પણ ઓછો ભરવો પડે, સાથે સાથે નિયત માપદંડવાળી એક્સસેલ એટલે કે ફુગ્ગો ન હોવાને પગલે માલ પણ વધુ લોડ કરી શકાય તેમ હોય છે. અને એટલે ટ્રાન્સપોર્ટર આવી ગરબડ કરતા હોય છે. અને તેમાં આરટીઓ કચેરીના અધિકારી-કર્મચારીઓ ભળીને કૌભાંડને અંજામ આપે છે. ભુજમાં પણ કઈંક આવું જ બન્યું છે. જેમાં ઓક્ટોબર-2022 દરમિયાન 147 ટ્રેલર વાહનને મંજૂરી માટે લાવવામા આવ્યા હતા. પરંતુ નિયત કંપની અને એક્સસેલ ન હોવાને પગલે ટ્રેલરને મંજૂરી આપવામાં આવી ન હતી. આ વાહનને પાછળથી અંજારમાં મંજૂરી આપી દેવામાં હતી. અને તેથી જ ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસ સુધી સમગ્ર મામલો પહોંચ્યો હતો અને શુક્રવારે ટીમને કચ્છ સુધી લાંબા થવું પડ્યું હતું.