ઓફ ધ રેકોર્ડ : નિખિલ ભટ્ટે જે બે Dy.SPની ટ્રાન્સફરની ફાઈલ બનાવેલી તેમને સસ્પેન્ડ કરાયા, લમ્પી કચ્છમાં કોનો ભોગ લેશે, ચૂંટણી સુધી ખનિજ ચોરી કેસ બંધ ?

રાજકારણ અને IAS-IPS સહિતના અધિકારીઓની બહાર ન આવેલી રસપ્રદ વાતો

ઓફ ધ રેકોર્ડ : નિખિલ ભટ્ટે જે બે Dy.SPની ટ્રાન્સફરની ફાઈલ બનાવેલી તેમને સસ્પેન્ડ કરાયા, લમ્પી કચ્છમાં કોનો ભોગ લેશે, ચૂંટણી સુધી ખનિજ ચોરી કેસ બંધ ?

નિખિલ ભટ્ટે દારૂ પ્રકરણમાં સસ્પેન્ડ DySPની ટ્રાન્સફરની ફાઈલ બનાવેલી :- ત્રીજી વખત ઍક્સટેંશન મેળવનારા નિખિલ ભટ્ટ બોટાદ કેમિકલયુક્ત દારૂ પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવેલા બે Dy. SPને ટ્રાન્સફર કરવાની ફાઈલ લઈને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારની ચેમ્બરમાં ગયા હતા. ત્યારે તેમને ખબર પડી કે, તેઓ જેમની ફાઈલ લઈને ACS(હોમ) પાસે આવ્યા છે તેમને તો ઓલરેડી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધોળકાના Dy.SP એન.વી.પટેલ અને બોટાદના એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવાના હુકમમાં ગૃહ વિભાગના નાયબ સચિવ નિકુંજ જાનીની સહી જોઈને પોલીસ અધિકારીઓ સહીત સચિવાલયમાં આ વાત ચર્ચાનો વિષય બની હતી. નિખિલ ભટ્ટ ગુજરાત પોલીસ સેવાના વર્ગ એક કક્ષાના Dy.SPથી માંડીને IPS અધિકારીઓની બઢતી-બદલીના ઓર્ડરમાં સહી કરતા હોય છે. થોડા મહિનાઓ પહેલા જયારે મોટી સંખ્યામાં Dy.SPની ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યારે ATSમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા બી.એચ.ચાવડાની પણ બદલી થઈ હતી. ત્યારબાદ સિંગલ ઓર્ડર કરીને ફરીથી તેમને બદલવામાં આવ્યા હતા. એ વખતે પણ નિખિલ ભટ્ટને ઠપકો મળ્યો હતો. 

લમ્પી રોગ કચ્છમાં કયા અધિકારીનો ભોગ લેશે? :- ગાયોમાં ફાટી નીકળેલા લમ્પી રોગને લઈને ઓચિંતી હરકતમાં આવેલી રાજ્ય સરકાર રોગને રોકવામાં નિષ્ફળ રહેલા તંત્રના અધિકારીઓને સબક શીખવાડવાના મૂડમાં છે. કારણ કે, વિપક્ષના હુમલા સહીત રાજ્યના માલધારી અને ગાયપ્રેમી લોકોમાં સરકારની ઇમેજ ખરડાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા કચ્છમાં મુખ્યમંત્રીની મુલાકાત પછી જિલ્લાના વહીવટી તંત્રમાં ફેરફાર થાય તેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. નીચેના સ્ટાફ દ્વારા રોગને લઈને કરવામાં આવેલી કાર્યવાહીથી DDO ભવ્ય વર્મા ખુબ જ નારાજ છે. આ વાત તેમણે પત્રકારો સમક્ષ પણ કરેલી. અને તેમની આ નારાજગી તંત્રની બેઠકોમાં પણ ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે. કલેક્ટર પ્રવીણા ડી.કે. અને કચ્છ ભાજપના અઘ્યક્ષ કેશુભાઈ પટેલનું ટયુનિંગ સારું છે. પરંતુ રોગચાળો ફાટી નીકળવાની કામગીરીમાં વહીવટી તંત્ર ઉણુ ઉતર્યું હોય તેવું ભાજપ સંગઠન અને સરકારમાં ચર્ચાઈ રહ્યું છે તેવામાં હવે જોવાનું એ રહ્યું કે કોની વિકેટ પડે છે. 

વિધાનસભા ચૂંટણી ટાણે ખનીજ ચોરીના કેસ કેમ ઓછા થઈ ગયા?:- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ગાંધીનગરથી તમામ જિલ્લામાં સૂચના આપી દેવાય છે કે, ખનીજ ચોરીના કેસ ન કરવા. કારણ કે, તેમાં અમુકને બાદ કરતા ભાજપના વગદાર નેતાઓ અને કાર્યકરો કામ કરી રહ્યા છે. તેવામાં ખનીજ ચોરીની કાર્યવાહીથી પક્ષને નુકશાન થઈ શકે છે. અથવા તો કામગીરી પછી બેકફુટમાં આવવું પડે છે. આવો જ એક કિસ્સો કચ્છના કુનરીયા ગામનો છે. જેમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી પછી હજુ સુધી પોલીસની કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં કચ્છના એક મહિલા ધારાસભ્યની ભલામણ કામ કરી ગઈ હોવાનું સંભળાય છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ ખાણ ખનીજના કમિશનર રૂપવંત સિંહ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સહમત થઈ ગયા હતા. અને છેલ્લી ઘડીએ તેમાં બ્રેક લગાવી દેવામાં આવી હતી. 

રાજકોટની જેમ અમદાવાદ અને બોટાદ જિલ્લો ગૃહ વિભાગ માટે માથાનો દુખાવો:- રાજકોટ સિટીના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ટ્રાન્સફર પછી કોને ત્યાં મુકવા તે હોમ ડિપાર્ટમેન્ટ માટે માથાનો દુખાવો સાબિત થયેલું. કઈંક આવું હાલમાં અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ SP માટેની જગ્યાનું પણ છે. કેમિકલયુક્ત દારૂ પ્રકરણમાં અમદાવાદમાંથી વિરેન્દ્ર યાદવ અને બોટાદમાંથી ડૉ.કરણરાજ વાઘેલાની ટ્રાન્સફર પછી આ બંને જગ્યાઓ હાલ ખાલી છે. ઘણા દિવસો પછી પણ રાજ્યનું ગૃહવિભાગ આટલા બધા IPS ઓફિસર્સ હોવા છતાં એ નક્કી નથી કરી શકતું કે કોને ત્યાં મુકવા? . લાંબા સમયથી IPS ઓફિસરની બદલીની ગોસીપ ચાલી રહી છે ત્યારે જાણકારો માને છે કે, મેગા ટ્રાન્સફરનો રાઉન્ડ ટૂંક સમયમાં આવશે અને બંને જિલ્લાને ત્યારે નવા SP મળશે. જોકે કઈંક નવું જ કરવા માટે જાણીતી ગુજરાત સરકાર રાજકોટની જેમ બંને ડીસ્ટ્રીકટ માટે અલગથી પણ ઓર્ડર કરે તો પણ નવાઈ ન પામતા. 

મોબાઈલ પકડાયો મનીષાનો, અને બીપી વધી ગયું કચ્છ ભાજપના નેતાનું :- જયંતિ ભાનુશાલી મર્ડર કેસમાં જેલમાં કેદ મનીષા ગોસ્વામી પાસેથી મોબાઈલ પકડાયો છે. સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મનીષા પાસેથી મોબાઈલ મળી આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ ન્યૂઝથી કચ્છ ભાજપના એક નેતાની ઊંઘ ઉડી ગઈ છે. અમદવાદમાં સર્કિટ હાઉસમાં મનીષા સાથેની તેમની મુલાકાતની વાતો ભાજપમાં જગજાહેર ત્યારે મનીષાની કોલ ડિટેલ્સ કાઢવાની પોલીસની વાતથી કચ્છ ભાજપના દાગ રહીત સફેદ નેતા પરેશાન છે. કારણ કે તેઓ કચ્છની એક બેઠક માટે દાવેદાર પણ છે. એકથી વધારે હોદ્દા માટે તેઓ પક્ષના જ કેટલાક કાર્યકરોનો સામનો કરી રહ્યા છે. તેવામાં મનીષાની મોબાઈલ પ્રકરણથી તેમનું બીપી વધી ગયું છે.