Breaking: ભુજના SPએ બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની સસ્પેન્ડ કર્યા, જાણો શા માટે
ખાવડા પોલીસનાં ASI નરેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધ ખાતાકીય તપાસનો હુકમ પણ થયો
WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ દળમાં અત્યારે સસ્પેન્શન અને ટ્રાન્સફરનો દોર ચાલી રહ્યો છે ત્યારે પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગ દ્વારા બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રમાણિક અધિકારીની ઈમેજ ધરાવતા એસપી સૌરભસિંગ કડક કાર્યવાહી માટે પણ એટલા જ કટિબદ્ધ છે. તેવામાં દારુના એક કવોલિટી કેસમાં ASI પેથાભાઈ સોધમ અને નંબર પ્લેટ વિનાની કાર સાથે ચાલુ ડ્યુટીમાં ભુજ આવેલા ASI નરેન્દ્રસિંહ જાડેજાને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.
પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગઢસિશા પોલીસ મથકમાં આવતી બાયઠ ઓપી વિસ્તારમાં દારૂનો કવોલિટી કેસ કરવામાં આવ્યો હતો. આ ચોકીમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા ASI પેથાભાઈ કરમણભાઈ સોધમની બેદરકારી ધ્યાનમાં આવતા તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અન્ય એક કેસમાં ખાવડા પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા ખાનગી ડ્રેસમાં નંબર વગરની સ્કોર્પિયો કારમાં ભુજમાં આવ્યા ત્યારે એસપી સૌરભસિંગ તેમને જોઈ ગયા હતા. કારમાં બ્લેક પટ્ટી પણ ધ્યાનમાં આવતા એસપી દ્વારા તેમને ચેમ્બરમાં બોલાવી પૂછવામાં આવ્યું હતું. ASI જાડેજાના જવાબથી નારાજ એસપી સૌરભ સિંગે તેમને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગે એસપી સૌરભસિંગનો સંપર્ક કરવામાં આવતા તેમણે બંનેના સસ્પેન્શનને સમર્થન આપ્યું હતું.
જાડેજા સામે તો ખાતાકીય તપાસનો પણ હુકમ : અગાઉ એલસીબી સહિત પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ બ્રાન્ચના ફરજ બજાવી ચૂકેલા નરેન્દ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. તેમની સંપત્તિ તેમજ અન્ય બાબતો અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોંપવામાં આવી હોવાનુ એસપી સૌરભસિંગે ઉમેર્યું હતું.