Kutch : ભુજ તાલુકાના ઝુરા ગામે એક ભાઈ ઇન્જેક્શન મારતો હતો, બીજો ભાઈ દવા આપતો હતો, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડીને નકલી તબીબની 'દવા' કરી

અસલી હોસ્પિટલને પણ આંટી મારી દે તે રીતે નકલી સૈયદ ક્લિનિકમાં CCTV કેમેરા ગોઠવીને હાસમશા સૈયદ મુન્નાભાઈની જેમ ગામ લોકોની સારવાર કરતો હતો, 'ખ્યાતિ' પોલીસ સુધી પહોંચી અને ઝડપાઇ ગયો

Kutch : ભુજ તાલુકાના ઝુરા ગામે એક ભાઈ ઇન્જેક્શન મારતો હતો, બીજો ભાઈ દવા આપતો હતો, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડીને નકલી તબીબની 'દવા' કરી

WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં નકલી IASથી લઈને લગભગ બધી જગ્યાએ નકલખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે તેવામાં કચ્છમાં પોલીસે એક નકલી દવાખાનું ઝડપી પાડ્યું હતું. અસલી હોસ્પિટલમાં પણ ભાગ્યે જોવા મળે તેવી CCTV કેમેરાની સગવડ સાથે ગામના લોકોને એક મુન્નાભાઈ બનેલો વ્યક્તિ ઇન્જેક્શન મારતો હતો અને બીજો તેનો પિતરાઈ ભાઈ નકલી મેડિકલ સ્ટોરમાંથી દવા આપતો હતો. બંને ભાઈઓની 'ખ્યાતિ' પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સુધી પહોચી તો તરત જ પોલીસે બંનેને આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને ભુજ તાલુકાના ઝુરા ગામેથી દબોચી લીધા હતા.  

કોઈપણ જાતની ડિગ્રી કે નકલી પ્રમાણપત્રને આધારે લોકીની ઝીંદગીને જોખમમાં મુકવાવાળા અને મુન્નાભાઈ MBBSની જેમ પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરને ઝડપી લેવાની પોલીસને સૂચના હતી. દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસની LCBના ઈન્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેમની ટીમને બાતમી મળી કે, ભુજ તાલુકામાં આવેલા અને માધાપર પોલીસ સ્ટેશનની હુકુમતવાળા ઝુરા ગામમાં આવેલી સૈયદ ક્લિનિકમાં મોટી સંખ્યામાં લોકોની દવા કરવામાં રહી છે. પરંતુ સારવાર કરનારો ઝુરા ગામનો જ હાસમશા સૈયદ તબીબ હોય તેવું લાગતું નથી. પોલીસે બાતમીને પગલે જિલ્લાની આરોગ્ય વિભાગની ટુકડીને સાથે રાખીને સૈયદ ક્લિનિકમાં રેડ કરી તો ખબર પડી કે, હાસમશા સૈયદ પાસે તો કોઈ ડિગ્રી જ નથી. માત્ર એટલું જ નહીં પરંતુ તેનો પિતરાઈ ભાઈ હબીબશા સૈયદ તો કોઈ ભરત રમણલાલ પટેલના નામનું સર્ટિફિકેટ રાખીને મેડિકલ સ્ટોર ચલાવતો હતો. મતલબ કે, એક ભાઈ ઇન્જેક્શન મારતો હતો અને બીજો ભાઈ ગામના લોકોની 'દવા' કરતો હતો. 

પોલીસે હાલ તો બંને ભાઈઓ વિરુદ્ધ માન્ય ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ તેમજ અન્યના પ્રમાણપત્રોનો ખોટો દુરુપયોગ કરવાનો ગુન્હો માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.