કચ્છનું સફેદ રણ કાળું કેમ થયું ? તપાસ માટે કચ્છ કલેક્ટરે કમિટી બનાવી, રણોત્સવ માટેની ટેન્ટ સિટીના કોન્ટ્રાક્ટર પણ બદલાયા

કચ્છના ધોરડો ખાતે સફેદ રણના વિસ્તારમાં પાણીના અભાવે વ્હાઇટ રણને બદલે જમીન ઉપર કાળી માટીનું આવરણ જોવા મળતા પ્રવાસન વિભાગ ટેન્શનમાં...

કચ્છનું સફેદ રણ કાળું કેમ થયું ? તપાસ માટે કચ્છ કલેક્ટરે કમિટી બનાવી, રણોત્સવ માટેની ટેન્ટ સિટીના કોન્ટ્રાક્ટર પણ બદલાયા

WND Network.Dhordo-Bhuj (Kutch) : કચ્છના ધોરડો ખાતે આવેલા સફેદ રણ (White Rann Of Kutch)માં કાળી માટીનું આવરણ જોવા મળતા જિલ્લાનું વહીવટી તંત્ર અને રાજ્યનો પ્રવાસન વિભાગ હરકતમાં આવ્યો છે. ભુજ તાલુકાના ધોરડો ખાતે આવેલા સફેદ રણમાં કાળી માટીનું આવરણ પથરાઈ જવાને પગલે 'આવું કેમ થયું' તેના માટેની તપાસનો હુકમ કર્યો છે. ભુજ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર સહીત પાંચ ઓફિસરની ટીમ હવે ધોરડો ખાતે જઈને તપાસ કરશે કે, સફેદના બદલે રણ કાળું કેમ થઇ ગયું છે. દરમિયાન લાંબા સમયથી ધોરડોની ટેન્ટ સિટીનો ઈજારો સાંભળનારા રાજસ્થાનના કોન્ટ્રાન્કરની જગ્યાએ હવે અમદાવાદની એક ટુરિસ્ટ કંપનીને ટેન્ટ સિટીનો કોન્ટ્રાકટ મળ્યો છે. દર વર્ષે યોજાતા કચ્છના ફેમસ રણોત્સવ (Kutch Rann Utsav) માં સફેદ રણને માણવા માટે દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં ટુરિસ્ટ કચ્છ આવતા હોય છે. આવી સ્થિતિમાં સફેદ રણ કાળું પડીથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે મોટો ફટકો પડી જાય તેમ છે. 

સામાન્ય રીતે દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના સુધીમાં ધોરડો ખાતે આવેલી રણોત્સવની સાઈટમાં વરસાદી તેમજ સમુદ્રી પાણી આવવાને પગલે રણ સરોવરનું નિર્માણ થઇ જતું હોય છે. ત્યારબાદ આ પાણી સુકાઈ જવાને પગલે અહીં મીંઠાંનું આવરણ બની જવાને કારણે સફેદ રણનું નિર્માણ થાય છે. પરંતુ આ વખતે આનાથી ઉલટું થયું છે અને હજુ સુધી અહીં સફેદ લેયર જોવા મળ્યું નથી. જેને પગલે કચ્છનું વહીવટી તંત્ર અને રાજ્યનો ટુરિઝમ વિભાગ હરકતમાં આવ્યો છે. 

કચ્છ કલેક્ટર અમિત અરોરા (IAS Amit Arora) એ ધોરડોમાં કાળી માટેનું નિર્માણ કેવા સંજોગોમાં થયું તેની તપાસ માટેની એક કમિટી બનાવી છે. જેમાં SDM ભુજ ઉપરાંત ક્ષાર અંકુશ વિભાગના ઈજનેર, સિંચાઈ વિભાગના ઈજનેર DILR કચેરીના અધિકારી ઉપરાંત હાઇડ્રોલોજી અને જિયોલોજી વિષયના કચ્છ યુનિવર્સીટીના નિષ્ણાંતને ઘટના સ્થળે જઈને સંયુક્ત તપાસ કરવાનો ઓર્ડર કર્યો છે. 

કોન્ટ્રાક્ટર બદલાયા, લલ્લુજી ને બદલે હવે 'પ્રવેગ' : દોઢેક દાયકાથી કચ્છના ધોરડો ખાતે ઉભી કરવામાં આવેલી ટેન્ટ સિટીનું સંચાલન કરનારા રાજસ્થાનના ટેકેદાર લલ્લુજી ને બદલે આ વખતે અમદાવાદની પ્રવેગ (Praveg) નામની કંપનીને ટેન્ટ સિટીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કોન્ટ્રાકટ ન મળવાને કારણે થોડા દિવસો પહેલા લલ્લુજીના માણસોએ ટેન્ટ સિટીની કાયમી દીવાલ તોડવાનું શરુ કરી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કલેક્ટર તેમજ ટુરિઝમ વિભાગના ઓફિસર દ્વારા મામલામાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. 

કાવતરું પણ હોય શકે, ભૂતકાળમાં પાકિસ્તાને પાણી છોડ્યું હતું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં કચ્છના રણોત્સવનું આગવું મહત્વ છે. તેમના ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં શરદોત્સવ તરીકે શરુ થયેલો આ ઉત્સવ કચ્છ રણોત્સવ તરીકે દુનિયાભરમાં જાણીતો છે. ભૂતકાળમાં પાકિસ્તાન દ્વારા કચ્છના રણોત્સવને ડિસ્ટર્બ કરવા માટે જાણી જોઈને સિંધના વોટર રીઝર્વમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેને લીધે ધોરડોની ટેન્ટસિટી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. દર વર્ષે આ સાઈટમાં કોઈ મુસીબત આવતી હોય છે. ઘણી વખત પાણી ન સુકાવાને પગલે સફેદ રણ બનતું ન હતું. અને આ કાળી માટીની મુસીબત આવી છે. જે રીતે કલેક્ટરે તપાસ માટે નિષ્ણાંત લોકોની ટિમ બનાવીને સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે, સફેદ રણને કાળું કરવામાં કોઈએ કારીગરી કરી હોવાનું બહાર આવે તો પણ નવાઈ નહીં.

(સફેદ રણમાં જમીની હકીકતને બદલે માત્ર ગુગલ મેપ ઉપર ચાલતો ગુજરાત સરકારનો 'ખેલ', ક્રીકના પાણી કોણે રોક્યા ?, ટૂંક સમયમાં 'વેબ ન્યૂઝ દુનિયા' આપશે એક્સક્લુઝિવ ન્યૂઝ રિપોર્ટ)