Kutch : પશ્ચિમ કચ્છ પોલીસમાં માત્ર 24 કલાકમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર તેમની મનપસંદ જગ્યાએ બદલી કરાવી ગયા, જેમની સામે તપાસ ચાલુ છે તેવા PI પણ ગોઠવાઈ ગયા...
DGP વિકાશ સહાયે જેમની સજામાં બદલી કરી હતી તેવા ચર્ચાસ્પદ પોલીસ ઇન્સ્પેક્ટરની પણ માંડવી પોલીસ સ્ટેશનમાં બદલી
WND Network.Bhuj (Kutch) : ગુજરાત રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાહેરહિતમાં વહીવટી કારણોસર કરવામાં આવતી બદલીઓ આમ તો સામાન્ય હોય છે. પરંતુ આ 'સામાન્ય' કહેવામાં આવતી ટ્રાન્સફરમાં જયારે કોઈ અસામાન્ય કહી શકાય તેવી બદલી થાય ત્યારે મામલો ચર્ચાનો વિષય બને છે. આવું જ કઈંક પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં બન્યું છે. શનિવારે ભુજ એસપી દ્વારા કરવામાં આવેલી પોલિસ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમમાં કેટલાક નામને જોઈને પોલીસ બેડામાં પણ લોકોની આંખો પહોળી થઇ ગઈ છે કે, આમ કેમ બની શકે ?. કારણ કે, જેમને સજામાં કચ્છમાં મુકવામાં આવ્યા છે તેવા અને જેમની સામે સામાન્ય લોકોના ગુસ્સાને કારણે બદલી કરવામાં આવી હતી તેમને સારું કહી શકાય તેવું પોસ્ટિંગ મળ્યું છે. એક કિસ્સામાં તો માત્ર ચોવીસ કલાકમાં પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. ટ્રાન્સફરના આ ઓર્ડરને જોઇને તો પ્રથમ નજરે એવું જ લાગે છે કે, પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમમાં ભુજ એસપીનું ઓછું અને ગાંધીનગર ગૃહ વિભાગનું વધુ વર્ચસ્વ છે.
ભુજના એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા શનિવારે કરવામાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમમાં આમ તો દસ નામ છે. પરંતુ જે નામને જોઈને નવાઈ લાગે તેવા ત્રણ નામ છે. જેમાં પહેલું નામ પ્રાગપર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ.ત્રિવેદીનું છે. કારણ કે, પીઆઇ ત્રિવેદીને શુક્રવારે બપોરે તો ભુજ બી પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો હતો. અને 24 કલાકમાં જ તેમને મુન્દ્રાને અડીને આવેલા પ્રાગપર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવે છે. પીઆઇ ત્રિવેદી લીવ રિઝર્વમાં હતા તે પહેલા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં હતા. સૂત્રોનું માનીએ તો ત્રિવેદીને મુન્દ્રા અથવા તો તેની આસપાસના એરિયામાં જ પોસ્ટિંગ લેવું હતું. એટલે શુક્રવારે જયારે તેમને ભુજ બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા ત્યારે પણ ખાસ્સો એવો વિવાદ થયો હતો. અને એક રાતમાં જ ફરી તેઓ બદલાય જાય છે.
બીજું નામ ડીજીપીના સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે, SMCમાંથી કચ્છમાં સજામાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સિમ્પીનું છે. જેમને ભુજમાં હાજર થયા બાદ નખત્રણાના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર (CPI)ની પોસ્ટ ઉપર મુકવામાં આવ્યા હતા. પરંતુ નખત્રાણામાં ઈંગ્લીશ દારૂના એક ક્વોલિટી કેસમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જે.ઠુમ્મર નામના ઈન્સ્પેક્ટરને લીવ રિઝર્વમાં મુક્યા પછી પોલીસ સ્ટેશનનો ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સિમ્પીને સોંપવામાં આવે છે. સ્ટેટ લેવલની એજન્સીમાં કામ કર્યું હોય એટલે કામનો અનુભવ સ્વાભાવિક રીતે વધુ હોય એટલે ઇન્સ્પેક્ટર ધવલ ડી. સિમ્પી જુગારના નખત્રાણાના એક કેસમાં આકરી કાર્યવાહી કરે છે. જેમાં જુગારમાં પકડાયેલા કેટલાક લોકોને મારવાનો પણ આક્ષેપ તેમની ઉપર થાય છે. જે રીતે પીઆઇ ડી.ડી.સિમ્પી કાર્યવાહી કરે છે તેને જોઈને પોલીસ બેડામાં એવો ગણગણાટ પણ થાય છે કે, પીઆઇ સિમ્પી તેમની બદલી થાય તે માટે આવું કરી રહ્યા છે. અને ત્યારબાદ શનિવારના ટ્રાન્સફર ઓર્ડરમાં તેમને નખત્રણાના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર (CPI)ની પોસ્ટથી બદલીને માંડવી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવે છે.
નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જે.ઠુમ્મરને પણ દારૂના એક ક્વોલિટી કેસ સંદર્ભે લીવ રિઝર્વમાં મુક્યાના ગણતરીના દિવસોમાં જ ભુજ બી ડીવીજન પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પોલીસ ઇન્સ્પેક્ટર ઠુમ્મરની જેમ જેમના વિસ્તારમાં દારૂનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો હતો તેવા માનકુવા પોલિસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.આર.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર સિમ્પી અને ઠુમ્મર જેટલા મજબૂત અને નસીબવાળા ન હોવાને કારણે તેમને જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં સાઈડ પોસ્ટિંગ કહી શકાય તેવી જગ્યાએ મુકવામાં આવે છે.
પશ્ચિમ કચ્છ પોલીસમાં જેમને બદલવામાં આવ્યા છે તેવા પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણને માંડવી પોલીસ સ્ટેશનથી નખત્રણા સીપીઆઇ તરીકે, ડી.એસ.ઈશરાણીને જખૌ મરીનથી નખત્રણા, ડી.એન.વસાવાને ગઢસીસાથી માનકુવા, કે.એસ.ચૌધરીને કોડાયથી ગઢસીસા, એચ.એમ.વાઘેલાને સીપીઆઇ નલિયાથી કોડાય, જે.વી.ધોળાને LIB ભુજથી મુન્દ્રા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.