Breaking : પશ્ચિમ કચ્છની માંડવી પોલીસ સામે કથિત બુટલેગરે કર્યો મારવાનો આક્ષેપ,પોલીસનું ભેદી મૌન, જાણો શું છે સમગ્ર ઘટના...

કથિત બુટલેગરની પત્ની પાસે માંડવી પોલીસે રૂપિયા પણ માંગ્યા હોવાનો આક્ષેપ

Breaking : પશ્ચિમ કચ્છની માંડવી પોલીસ સામે કથિત બુટલેગરે કર્યો મારવાનો આક્ષેપ,પોલીસનું ભેદી મૌન, જાણો શું છે સમગ્ર ઘટના...

WND Network.Bhuj (Kutch) : મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ કેસમાં બદનામ થયેલી પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર ફરી એક વખત આરોપીને માર મારવાનો આક્ષેપ થયો છે. આ વખતે માંડવી પોલીસનું નામ આવ્યું છે. માંડવીના એક કથિત બુટલેગરને પકડ્યા પછી પોલીસે તેને મારવાને પગલે સમગ્ર મામલો બહાર આવ્યો છે. કચ્છનાં જિલ્લા મથક ભુજ ખાતે આવેલી જી.કે.જનરલ હોસ્પિટલમાં માંડવીના એક વ્યક્તિએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. હોસ્પિટલ ચોકીમાં થયેલી નોંધ પ્રમાણે, માંડવીના રાકેશ પલણ નામના વ્યક્તિએ ત્રીજી જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનમાં છ પોલીસ કર્મચારીઓએ માર મારવાનો આક્ષેપ કર્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ, તે વ્યક્તિની પત્ની પાસે પોલીસે રૂપિયા માંગ્યા હોવાનો પણ આક્ષેપ તેણે કર્યો છે. પોલીસે પણ આખી ઘટનામાં ભેદી મૌન સેવી લેતા કોણ ખોટું બોલી રહ્યું છે તે અંગે સવાલો થઈ રહ્યા છે.  

ભુજ ખાતે આવેલી જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસની ચોકીમાં થયેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટના ત્રીજી જાન્યુઆરીના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બની હતી. જેમાં માંડવીના સાંજી પડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશ પ્રવિણભાઇ પલણ નામના વ્યક્તિએ એવી ફરિયાદ કરી છે કે, માંડવી પોલીસના કર્મચારી ભાર્ગવભાઇ, લીલાભાઇ અને ભગીરથસિંહ નામના કર્મચારી સાથે ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારીએ તેને સવારે બોલાવી માર્યો હતો. જેને પગલે તે પહેલા માંડવીના ડોક્ટર ગોગરી પાસે સારવાર માટે ગયો હતો. પરંતુ ડાબા કાનમાં વધુ ઇજા હોવાને પગલે તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. 

'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા જયારે રાકેશ પલણે જણાવ્યું હતું કે, તેને સાથે કેટલાક લોકોને માંડવી પોલીસે દારૂની બોટલ સાથે તેમને પકડ્યા હતા. જેમાં તેમની ધરપકડ કર્યા પછી જામીન પણ મળી ગયા હતા. તેમ છતાં પોલીસ તેમને પોલીસ સ્ટેશન બોલાવતી હતી. તેઓ જયારે ત્રીજી જાન્યુઆરીના રોજ સવારે 10.30 અરસામાં પોલીસ મથકે ગયા ત્યારે માંડવી પોલીસના કર્મચારી ભાર્ગવભાઇ, લીલાભાઇ અને ભગીરથસિંહ નામના કર્મચારી સાથે ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારીએ તેમને ઢોર માર માર્યો હતો. જેને કારણે તેમને ડાબા કાનમાં ઈજાઓ પહોંચી હતી. રાકેશ પલણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેમની પત્ની પાસે દારૂના કેસ અંગે રૂપિયાની પણ માંગણી કરી હતી. 

માંડવી પોલીસની વર્તણુંક શંકાસ્પદ  :- જે વ્યક્તિ દ્વારા પોલીસ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે દારૂની બોટલ સાથે પકડાવા ઉપરાંત ભૂતકાળમાં પણ દારૂ વેંચતા ઝડપાઇ ચુકેલો છે. આથી ખરેખર કોણ સાચું છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા માંડવી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો તો પોલીસનું વર્તન અને વાણી શંકાસ્પદ લાગી હતી. માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણને જયારે પહેલી વખત ફોન કરવામાં આવ્યો તો તેમણે કોલ રિસીવ કરીને તેઓ મિટિંગમાં હોવાનું જણાવી કોલ કાપી નાખ્યો હતો. સૂત્રોનું માનીએ તો હકીકતમાં પીઆઇ ચૌહાણ તે વખતે કોઈ મિટિંગ કે માંડવીમાં નહીં પરંતુ ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં રાકેશ પલણ સાથે જોવા મળ્યા હતા. આ વાતની ખરાઈ ખુદ રાકેશે કરીને જણાવ્યું કે, પીઆઇ ચૌહાણ તેમનું નિવેદન લેવા આવ્યા હતા. પરંતુ અડધું નિવેદન લઈને બાકીનું માંડવી પોલીસ સ્ટેશને આવી નોંધાવી જવાનું કહ્યું હતું. આ વાત સાચી છે કે તે જાણવા માટે  'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સતત કોલ કરવા છતાં પીઆઇ એ.જે.ચૌહાણ દ્વારા આ લખવામાં આવ્યું રહ્યું છે ત્યાં સુધી કોલ લેવામાં આવ્યા ન હતા.