Kutch : સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ CID ક્રાઇમે ફરિયાદીને પોલીસ ઓફિસર્સના નામ ન લખવા માટે દબાણ કર્યું હતું, ETના ભંડારી કરતા પણ કચ્છની પોલીસે વધુ યાતના આપી

CID ક્રાઇમના એડિશનલ DG રાજકુમાર પાંડિયનના હુકમ પછી પણ ભુજની CID ક્રાઇમની કચેરી હરકતમાં નહોતી આવી, ભુજ CID ક્રાઇમના SP વસંત નાઈ ફરિયાદીને મળ્યા પણ નહીં અને તેમનો નંબર બ્લોક કર્યો

Kutch : સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ CID ક્રાઇમે ફરિયાદીને પોલીસ ઓફિસર્સના નામ ન લખવા માટે દબાણ કર્યું હતું, ETના ભંડારી કરતા પણ કચ્છની પોલીસે વધુ યાતના આપી

WND Network.Bhuj (Kutch) : બે IPS સહીત છ પોલીસ ઓફિસરની સાથે કુલ 19 લોકો સામે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી માંડ માંડ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે ભુજ CID ક્રાઇમના અધિકારીઓએ નવ વર્ષથી ન્યાય માટે ઠોકરો ખાતા ફરિયાદી પ્રેમાનંદને માનસિક યાતના આપવામાં પણ કોઈ કસર છોડી તે અંગેની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અને આવો દાવો ખુદ ફરિયાદી પ્રેમાનંદ કરી રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ હુકમ કરે છે તેને એક મહિનો થઇ જાય છે. ખુદ રાજ્યના પોલીસ વડા DGP અને CID ક્રાઇમના વાળા એવા એડિશનલ DG લેખિતમાં તાકીદ કરે છે છતાં ભુજ સીઆઇડી ક્રાઇમની કચેરીના પોલીસ અધિકારીઓ ફરિયાદી પ્રેમાનંદની FIR નોંધવામાં ગલ્લા-તલ્લા કરતા રહ્યા હતા. ત્યાં સુધી કે ભુજ સીઆઇડી ઓફિસના અધિકારી SP વસંત નાઈ એ તો ફરિયાદીને મળવાનું તો દૂર રહ્યું પરંતુ, તેમનો મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. અને તેમની જ કચેરીના સબ ઇન્સ્પેક્ટરને જાડેજાને સૂચના આપીને ફરિયાદી પ્રેમાનંદને પોલીસ અધિકારીઓના નામ FIRમાં ન દાખલ થાય તે માટે સતત દબાણ કરતા રહ્યા હતા. ગુન્હો દાખલ થયાને કલાકો નહીં પરંતુ દિવસો પસાર થઇ ગયા છે અને ઈલેક્ટ્રો થર્મ - ET કંપનીના માલિક શૈલેષ ભંડારી સહિતના આરોપી હજુ પણ પોલીસના પંજાથી દૂર છે. આવા સંજોગોમાં આ ચર્ચાસ્પદ કેસની નિષ્પક્ષ તપાસ થશે કે કેમ તેની આપણે માત્ર કલ્પના કરવાની રહી છે. 

નવ - નવ વર્ષથી ન્યાય માટે ભટકતા પ્રેમાનંદ શિરવાણીએ ભુજ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા ફરિયાદ લેવાને બદલે તેમને કેવા પ્રકારનું દબાણ કરતા હતા તે અંગેની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ભુજની CID ક્રાઇમની ઓફિસના વડા વસંત નાઈ નામના અધિકારીએ તો તેઓ ઓફિસમાં હોવા છતાં તેમને મળવાનું ટાળ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ ગાંધીનગરમાં CID ક્રાઇમના ઉચ્ચ અધિકારી એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયન દ્વારા તેમની ફરિયાદ લેવા લેખિત ઓર્ડર કરવામાં આવ્યો હતો એટલે તેઓ SP વસંત નાઈને ફોન કરતા હતા. ત્યારે SP નાઈએ તેમનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી નાખ્યો હતો. આટલું ઓછું હોય તેમ ભુજ સીઆઇડી ક્રાઇમના એસપી વસંત નાઈ તેમની કચેરીના સબ ઇન્સ્પેક્ટર એસ.આર.જાડેજા દ્વારા તેમની ઉપર અનુચિત દબાણ ઉભું કરીને ફરિયાદમાંથી બે IPS સહીત છ પોલીસ અધિકારીના નામ ન લેવા માટે સતત દબાણ પણ કરતા હતા. બપોરે ભુજની કચેરીએ બોલાવીને તેમને મોડીરાત સુધી બેસાડી રાખવામાં આવતા હતા. 

ફરિયાદી પ્રેમાનંદ દ્વારા સીઆઇડી ક્રાઇમના અધિકારો વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો અંગે વધુ માહિતી - તથ્ય જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ભુજ સીઆઇડી ક્રાઇમના એસપી વસંત નાઈ અને તેમના સબ ઇન્સ્પેક્ટર એસ.આર.જાડેજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ કોલ રિસીવ કર્યો ન હતો. બંને અધિકારીને વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તેમનો મત પ્રદર્શિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

આત્મહત્યા કરવાની ધમકી આપી ત્યારે માંડ CID ક્રાઇમએ FIR કરી : દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યના પોલીસ વડાની સૂચના છતાં ભુજની સીઆઇડી ક્રાઇમની કચેરી ફરિયાદી પ્રેમાનંદની FIR દાખલ કરવા માટે ટસની મસ થઇ ન હતી. છેવટે પ્રેમાનંદે જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો તેઓ સીઆઇડીની ઓફિસમાં જ આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. અને ત્યારબાદ તેમની ફરિયાદ લેવામાં આવી હતી. જેને પગલે આ કેસની તપાસમાં સીઆઇડી ક્રાઇમ કેટલી ગંભીરતાથી ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડાશે કે કેમ તે અંગે પણ શંકા થાય છે. 

સુપ્રીમ - હાઈ કોર્ટના હુકમ પછી પણ ઉપરી અધિકારીની મંજૂરી લેવી પડે ? : સમગ્ર મામલામાં કચ્છ પોલીસના અમુક અધિકારીઓ દ્વારા કેવી રીતે ભારતની ન્યાય વ્યવસ્થાને કોરાણે મૂકીને તેમની મનમાની કરવામાં આવી હતી તે આ કેસમાં જોઈ શકાય છે. હાઇકોર્ટના હુકમને સ્ટે કરાવ્યા બાદ જયારે સુપીમ કોર્ટે મનાઈ હુકમ હટાવીને કેસ દાખલ કરવાની સૂચના આપી ત્યારે પોલીસે તરત જ ગુન્હો દાખલ કરવો જોઈતો હતો. તાત્કાલિક ગુન્હો દાખલ કરવાને માત્ર ફરિયાદેને કલાકો સુધી બેસાડી રાખી FIRનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવતો હતો. અને પછી એમ કહેવામાં આવતું કે, અમારે એપ્રુવલ લેવી પડશે. ત્યારે એ પ્રશ્ન થાય કે, શું ગુજરાત પોલીસ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટથી પણ ઉપર છે ?