Aravalli Jitpur Village Boycott Election : મંત્રી પરિવારના વર્ચસ્વવાળું અરવલ્લી જિલ્લાનું જીતપુર ગામ શા માટે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યું છે ?

ગુજરાત સરકારમાં મંત્રી એવા પરિવારનો ગામમાં દબદબો, દસ વર્ષથી મંત્રીના પુત્ર અને પુત્રવધુ સરપંચ છતાં લોકોને સુવિધા ન મળતા છેવટે ગ્રામજનોને ચૂંટણીનો બહિષ્કાર કરવાની નોબત આવી

WND Network.Modasa (Aravalli) : જે ગામમાં ધારાસભ્યમાંથી મંત્રી બનેલા વ્યક્તિના પરિવારનો દબદબો હોય, તેમનો પુત્ર અને તેની પત્ની દસ-દસ વર્ષ સુધી સરપંચ રહી ચુક્યા હોય અને છતાં ગામ પાયાની વંચિત રહે તેવું બને ખરું ? જી, હા આવું જ કઈંક ગુજરાતના અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યું છે. જેમાં એક ગામના લોકો તેમને મેળવી જોઈતી સુવિધાઓ અને વિધાનસભા ચૂંટણી ટાણે આપવામાં આવેલા ખોટા ચૂંટણી વચનોને લઈને લોકસભા માટેની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જીદ્દ લઈને બેઠું છે. એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ એન્જીનવાળી સરકાર હોવા છતાં ગામમાં કોઈ કામ ન થવાને પગલે અરવલ્લી જિલ્લામાં આવેલા જીતપુર ગામના લોકોએ સાતમી તારીખે યોજાનારી ચૂંટણીમાં મત નહીં આપવાનું મન મનાવી લીધું છે. ગામ લોકોના આ એલાનને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ હવે દોડતું થઈ ગયું છે. આ ગામમાં કદાચ કોઈ VIP કહી શકાય તેવી કે જાણીતી વ્યક્તિ ન રહેતી હોત તો કદાચ આ વાત તમારા સુધી પહોંચતી પણ નહીં. પરંતુ આ ગામનો સંબંધ રાજ્યની સરકારમાં મંત્રી એવા ભીખુસિંહ પરમાર સાથે છે. 

ગુજરાતમાં ગતિશીલ અને વિકસિત રાજ્યના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુ પણ જાણે કે વિકાસની પા પા પગલી માંડી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતન ચારણવાડા નજીક આવેલા જીતપુર ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જીતપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને પુત્રવધુ સરપંચ પદ પર હોવા છતાં ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતો લોકોમાં વધુ રોષ ફેલાયો જોવા મળી રહ્યો છે. 

( જીતપુરના ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા સરકારી તંત્રે ગામમાં લોકોને બેઠકો સમજાવવવા બેઠકો કરી હતી )

મોડાસા તાલુકાના જીતપુર ગામમાં રોડ,રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા મંત્રી ભીખુસીંહ પરમાર અને સરપંચ પદ પર રહેલા તેમના પુત્ર અને પુત્રવધૂએ ચારણવાડાના વિકાસને વેગ આપી જીતપુર ગામ સાથે વિકાસમાં ભેદભાવ રાખવામાં આવ્યો હોય તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ગામના ચોકમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ગામ લોકોના આવા આકરા તેવરની વાત જિલ્લા મથક મોડાસા સુધી પહોંચતા સરકારી બાબાઓની ફોજ ગામમાં આવી ચઢી હતી. ગ્રામજનો સાથે મીટીંગનો દોર ચલાવીને હાલ તો સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જીતપુર ગામનો મામલો શું છે અને તંત્ર તેમાં શું કરી રહ્યું છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા અરવલ્લીના જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારીકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા. 

જીતપુર ગામમાં મંત્રી પરિવારનું વર્ચસ્વ છતાં આવું કેમ ? :  જીતપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને તેમના પત્ની સરપંચ પદ પર હોવાથી ગામના વિકાસમાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખુદ ગામના લોકો જાહેરમાં કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ જે તે સમયે મંત્રી ભીખુસિંહ પરમારે જીતપુર ગ્રામ પંચયાતનું વિભાજન કરવાનો વાયદો કર્યો હતો તેને પણ પૂરો ન કરવાને લીધે પણ ગામના લોકો ગુસ્સામાં છે. ગ્રામ પંચયાત વિભાજન અંગે લેખિત બાંહેધરી માંગવામાં આવતા લોકોને સમજવા આવેલા સરકારી તંત્રના બાબાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.  એક તરફ જયાં અરવલ્લી જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તી પારીક લોકશાહીના પર્વમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે સતત જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે. તેવામાં રાજ્યકક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ જીતપુર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા શનિવારે જીતપુર ગામમાં તાલુકા વિકાસ અધિકારી તેમની ટીમ સાથે પહોંચી ગયા હતા અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.