નિર્ણાયક સરકાર આવી હોય ? એફીડેવીટ ન આપે તેવા પોલીસ કર્મચારીઓને રજા ન આપવાનો ઓર્ડર કેન્સલ...
વિવાદની આશંકાએ માત્ર 70 મિનિટમાં જ એસઆરપીના સેનાપતિએ ફેરવી તોળ્યું
WND Network.Gandhinagar :- ગ્રેડ પે ને બદલે 'જાહેર સુરક્ષા પ્રોત્સાહન'ના નામે જાહેર કરેલી સ્કીમમાં પોલીસ કર્મચારીઓ પાસેથી એફીડેવીટ ન આપનાર ને રજા ઉપર ન છોડવાના હુકમમાં હવે સરકારે યુ ટર્ન લીધો છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા SRPનાં સેનાપતિએ પોતાનો કરેલો હુકમ માત્ર 70 મિનિટમાં બદલી નાખીને રદ્દ બાતલ જાહેર કર્યો છે. વિવાદિત કંટ્રોલ મેસેજને પગલે કર્મચારીઓમાં રોષ જોવા મળતા તાબડતોડ આ ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાબરકાંઠાના મુટેડીમાં આવેલા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 6નાં કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા સેનાપતિને નામે આ પ્રકારનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં આવેલા એસઆરપીનાં સેનાપતિ દ્વારા ગઈકાલે સોમવારે સાંજે 17:55 વાગે એવો આદેશ કરવામાં આવ્યો હતો કે, જે કર્મચારીઓ બાંહેધરી ન આપે તેમને રજા ન આપવી. માત્ર એટલું જ નહીં આ આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તેમને સીક મેમો પણ આપવામાં ન આવે. જેવો આ આદેશ કરવામાં આવ્યો કે તે સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને પોલીસ કર્મચારીઓમાં અજંપાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતો. ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ વાત આવતા તરત જ માત્ર 70 મિનિટમાં જ સાંજે 19:05 વાગે વર્ધીને (પોલીસની ભાષામાં આવા કંટ્રોલ મેસેજ ને વર્ધી કહેવામાં આવે છે) કેન્સલ કરી દેવામાં આવી હતી.
એફીડેવીટ ન આપવામાં ગાંધીનગર જિલ્લો પ્રથમ ? :- બાંહેધરી આપવાના મુદ્દે પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેઓ આ નારાજગી સોસીયલ મીડિયા થકી વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે, જયાંથી સમગ્ર ગુજરાતનો વહીવટ થાય છે તેવા પાટનગર ગાંધીનગરમાં બહુ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીએ એફીડેવીટ આપ્યું નથી. કચ્છમાં આવા કર્મચારીઓની સંખ્યા નેવું ટકાથી વધુ છે. અને ગાંધીનગરમાં તો આનાથી પણ વધુ છે.
Web News Duniya