નિર્ણાયક સરકાર આવી હોય ? બબ્બે વખત પાસપોર્ટ ઓફિસ ચાલુ રાખવાનો નિર્ણય ફેરવાયો, દૂર દૂરથી આવેલા પાંચ હજાર અરજદારો અટવાયા...
'અનિર્ણાયક' સરકારના બેજવાબદાર વર્તનથી વેકેશનમાં વિદેશ ફરવા જવા માંગતા ગુજરાતી પરિવારોને લાખો રૂપિયાનું નુકશાન

WND Network.Ahemedabad : વેકેશન દરમિયાન વિદેશ પ્રવાસનું આયોજન કરી બેઠેલા હજારો ગુજરાતી પરિવારોનું સપનું કેન્દ્રના વિદેશ મંત્રાલય હેઠળ આવતી પાસપોર્ટ ઓફિસની બેદરકારીને કારણે રોળાઈ ગયું છે. 14મી એપ્રિલના દિવસે જાહેર રજા હોવા છતાં પાંચ હજાર લોકોને પાસપોર્ટ માટેની અરજી લેવા એપોઇન્ટમેન્ટ આપી બેઠેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા બબ્બે વખત ઓફિસ ચાલુ - બંધ રાખવાની 'રમત'ને લીધે અનેક પરિવારને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.
સરકારી બાબુઓના બ્લન્ડરની શરૂઆત કઈંક આવી રીતે થઈ હતી. સૌ પ્રથમ આંબેડર જયંતીના દિવસે એપોઇન્ટમેન્ટ આપી બેઠેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને અચાનક બ્રહ્મજ્ઞાન થયું કે, 14મી એપ્રિલના દિવસે તો આંબેડર જયંતીની જાહેર રજા છે. એટલે તે દિવસની જેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તેમને અચાનક મેસેજ મોકલીને એપોઇન્ટમેન્ટ કેન્સલ થવાનો મેસેજ મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાનમાં આવેલા અધિકારીઓને લાગ્યું કે, 14મી એપ્રિલના દિવસે રદ્દ થયેલો બેકલોગ પૂરો કરી શકાશે નહીં. એટલે સોમવારે મિટિંગ કરીને નિર્ણય લેવાયો કે, 14મી એપ્રિલની એપોઇન્ટમેન્ટ યથાવત રાખવી અને તે દિવસે બોલાવેલા લોકોને ફરીથી SMS મોકલીને આમંત્રણ આપવામાં આવ્યું. આ દરમિયાન વેકેશનમાં વિદેશ ફરવાનું પ્લાનિંગ કરીને લાખો રૂપિયાની બુકીંગ એમાઉન્ટ ભરી ચૂકેલા લોકો પણ રાજી થઈ ગયા કે તેમને હવે નુકશાન નહીં થાય. પરંતુ તેમની આ ખુશી લાંબો સમય ટકી નહીં.
ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં 14મી એપ્રિલે એપોઇન્ટમેન્ટ માટે આવવા માટે નીકળી ચૂકેલા અનેક લોકોને મધરાતે રસ્તામાં હતા ત્યારે ફરી SMS આવ્યો કે, તેમની શુક્રવારની એપોઇન્ટમેન્ટ 14મી એપ્રિલનો કારણે રદ્દ કરવામાં આવી છે. જેને પગલે જાહેર રજા હોવા છતાં શુક્રવારે સવારથી જ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે લોકો ભેગા થઈ ગયા હતા.
બબ્બે વખત એપોઇન્ટમેન્ટ ચાલુ-બંધના આ 'સરકારી નાટક'થી અને લાખો રૂપિયાનું નુકશાન જવાને પગલે લોકોમાં ગુસ્સો હોય તે સ્વાભાવિક છે. એટલે સલામતીના ભાગરૂપે લોકોને કાબુમાં રાખવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
એક મહિનો વધી ગયો, રાતે ઓફિસ ચાલુ રાખીને બેકલોગ ક્લિયર કરી શકાય :- સરકાર ધારે તો અનેક પરિવારોને થઈ રહેલા નુકશાનને બચાવી શકે છે. જે પાંચ હાજર લોકોને 14મીની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તેમને એક મહિના પછીની તારીખ આપવાને બદલે રાતે ઓફિસ ચાલુ રાખીને બેકલોગ ક્લિયર કરી શકે છે. સરકારી તંત્ર ધારે અને કહેવાતા ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ઈચ્છે તો ગુજરાતના આ અનેક ફેમેલીને થઈ રહેલું નુકશાન અટકાવી શકે છે. જો ઇચ્છાશક્તિ હોય તો.