કોરોના 4.0 : અમદાવાદમાં રેલવે સ્ટેશન-STએ ટેસ્ટિંગ કરાશે; 97 દિવસ પછી શહેરમાં 44 કેસ
કોરોનાના ટેસ્ટિંગ માટેના ડોમ ફરી શરૂ કરવામાં આવશે.
WND Network.Ahmedabad : અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી માથું ઊંચકી રહ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 217 કેસ નોંધાયા છે, શહેરમાં હાલ 207 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી 157 એક્ટિવ કેસ પશ્ચિમ અમદાવાદના 5 વોર્ડમાં છે. પરિસ્થિતિને જોતાં મ્યુનિ.એ આ વિસ્તારમાં વધુ તકેદારી રાખવા સૂચના આપી છે. કોરોનાનું સંક્રમણ રોકવા બુધવારથી કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી સ્ટેન્ડે કોરોનાના ટેસ્ટિંગ માટેના ડોમ ફરી શરૂ કરવામાં આવશે.
શહેરમાં 97 દિવસ પછી રોજિંદા કેસનો આંકડો 44 થયો છે. 32 દર્દી સાજા થતાં તેમને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે પણ એક પણ દર્દીનું અવસાન થયું નથી. ઉલ્લેખનીય છેકે, શહેરમાં અગાઉ 2 માર્ચે 47 કેસ નોંધાયા હતા. જે બાદ 97 દિવસ પછી શહેરમાં કોરોનાના 44 કેસ સામે આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા છે.
એક અઠવાડિયામાં 1600થી 2100 ટેસ્ટ થયા
કોરોનાના કેસ વધતાં મ્યુનિ.એ ટેસ્ટિંગ પણ વધાર્યું છે. 1 જૂને 1769, 2 જૂને 2112, 3 જૂને 1723, 4 જૂને 1801 અને 5 જૂને 1579 આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ થયા હતા. જેમાં પોઝિટિવ આવવાનો રેશિયો 1.19 થી વધીને 2.66 સુધી પહોંચ્યો છે. એટલે શહેરમાં ટેસ્ટિંગની સામે પોઝિટિવિટીનો રેશિયો પણ વધ્યો છે.
Web News Duniya