ગાંધીનગરમાં ફરજ બજાવતા SP રેન્કના IPS ઓફિસર ધર્મેન્દ્ર શર્મા વિરુદ્ધ દુષ્કર્મનો આક્ષેપ, અમદાવાદની મહિલાના પતિએ CM સહીત ગૃહમંત્રીને કરેલી ફરિયાદ
અમદાવાદમાં DCP ઝોન-2માં ફરજ બજાવતી વખતે સંપર્કમાં આવેલી મહિલાને IPS ઓફિસર ધર્મેન્દ્ર શર્માએ પોતે અપરણિત હોવાનું કહીને ફસાવી હોવાનો આક્ષેપ, મહિલાના લગ્ન બાદ પણ પીછો ન છોડતા છેવટે મહિલાએ પતિને વાત કરી અને મામલો રાજ્ય સરકારમાં પહોંચ્યો
WND Network.Ahmedabad : ગુજરાત કેડરના ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ષ 2014ની બેચના એક IPS ઓફિસર વિરુદ્ધ અમદાવાદની એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનોરેટમાં DCP ઝોન 2 માં ફરજ બજાવતી વખતે આઇપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા (IPS Dharmendra Sharma) એ પોતે અપરિણીત હોવાનું કહીને પોલીસમાં એક ફરિયાદ અંગે મળવા આવેલી મહિલાને ફસાવીને તેનું શોષણ કર્યું હોવાના આક્ષેપથી ગુજરાતની IPS લોબી ઉપરાંત સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહિલાના લગ્ન થઈ ગયા બાદ પણ આ IPS ઓફિસરે મહિલાને મેસેજ કરીને સતત મળવા માટે દબાણ કરતા કંટાળેલી મહિલાએ તેના પતિને આ અંગે વાત કરી હતી. આઇપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા સાથે મહિલાના પતિએ વાત કર્યા પછી પણ મામલો થાળે ન પડતા છેવટે આ દંપતીએ ગુજરાત સરકાર સમક્ષ ફરિયાદ - રજૂઆત કરી હતી. તેમણે આ મામલે IPS ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ મામલો ઠંડો પડી જતા વાત મીડિયા સુધી પહોચી હતી.
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને વર્ષ 2014ની બેચના IPS ધર્મેન્દ્ર શર્મા હાલ ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમ વિભાગના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. IPS શર્મા જયારે અમદાવાદમાં ઝોન - 2માં ડીસીપી તરીકે ફરજ ફજાવી રહ્યા હતા ત્યારે મહિલા તેની યુનિવર્સીટીના એક કેસ સંદર્ભે કારંજ પોલીસ ભવનમાં આવી હતી. કેસના કામકાજ દરમિયાન બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મોબાઈલ ફોન ઉપર 'ગુડ મોર્નિંગ' અને 'ગુડ નાઈટ'થી શરુ થયેલી ચેટિંગ ખાસ સંબંધમાં પરિણમી હતી.
મહિલાએ તેની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, IPS ધર્મેન્દ્ર શર્માએ પોતે અપરિણીત હોવાનું કહીને તેને લગ્નની લાલચ આપીને એલિસબ્રિજ છડાવાડ ખાતે આવેલી IPS ક્વાર્ટરમાં બોલાવી હતી. દરમિયાન તેમનો સંબંધ આગળ ચાલતો હતો તે સમયે IPS શર્માની ટ્રાન્સફર છોટા ઉદેપુરમાં SP તરીકે થાય છે. અને આ સમય દરમિયાન જ મહિલાને ખબર પડે છે કે, તેને અપરિણીત હોવાનું કહીને IPS શર્માએ ફસાવી છે. એટલે મહિલા તેના સંબંધનો અંત લાવીને પરણી જાય છે.
થોડા સમય પછી એસપી કક્ષાના આ આઇપીએસ ઓફિસર શર્માની બદલી ગાંધીનગર ખાતે સ્ટેટ સાયબર સેલમાં થાય છે. અને ફરીથી તે મહિલાનો સંપર્ક કરે છે. શરૂઆતમાં જવાબ આપવાનું ટાળીને મહિલા પીછો છોડાવવાનો પ્રયાસ કરે છે. છતાં પોલીસ અધિકારી શર્મા વારંવાર કોલ મેસેજ કરીને મળવા માટે દબાણ વધારતા છેવટે મહિલા તેના પતિને વાત કરે છે. અને ત્યારબાદ મામલો ગાંધીનગરમાં CMO સુધી પહોંચે છે. ગૃહમંત્રીએ પણ મહિલા અને તેના પતિની રજૂઆત સાંભળીને કાર્યવાહીનું આશ્વાશન આપે છે અને કેસ પોલીસ ભવનમાં જાય છે. જયાં લાંબા સમય સુધી કોઈ જ કાર્યવાહી ન થવાને પગલે IPS દ્વારા દુષ્કર્મ કરવાનો મામલો માધ્યમો સુધી પહોંચે છે.
અમદાવાદની મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને આક્ષેપ અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા IPS ધર્મેન્દ્ર શર્માનો પક્ષ જાણવા મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
છોટા ઉદેપુરના SP એ દીકરાનો ફોટો મુક્યો અને પકડાઈ ગયા : અપરિણીત હોવાનું કહીને મહિલાને ફસાવવાનો આક્ષેપ જેમની ઉપર થઈ રહ્યો છે તે IPS ધર્મેન્દ્ર શર્મા જયારે છોટા ઉદેપુર ખાતે SP હતા ત્યારે સોશિયલ મીડિયામાં તેમના દીકરાનો ફોટો શેર કર્યો હતો. બસ, આ ફોટાને લીધે જ અમદાવાદની મહિલાને ખબર પડી ગઈ હતી કે, IPS શર્મા તો મેરિડ છે. એટલે તેણે ત્યારથી જ પોતાના સંબંધ તોડી નાખ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ શર્મા સીધા ન રહેતા છેવટે તેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.