Kutch : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે ? ઇન્ડિયન આર્મી કરી રહી છે તૈયારીઓ, સધર્ન કમાન્ડના ચીફ લેફટન્ટ જનરલ પણ ક્રીક સહિતના કચ્છના સરહદી વિસ્તારની મુલાકાતે આવ્યા
ભુજમાં આર્મીની એર રેજિમેન્ટ દ્વારા રાતે મિલિટરી સ્ટેશન ઉપર ડ્રોન ઉડાવીને VVIP વિઝીટ ટાણે સંકટ સમયે કેવી રીતે ઓપરેશન હાથ ધરવું તેની કવાયત હાથ ધરવામાં આવી
WND Network.Bhuj (Kutch) : કચ્છની સુરક્ષા માટેની ભુજ આર્મી બ્રિગેડ કમાન્ડ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વોર અને કોવર્ટ ઓપરેશનલને લગતી કવાયત હાથ ધરવામાં આવી છે. આ એક્સરસાઇઝના ભાગ રૂપે આજે શુક્રવારે સમગ્ર ગુજરાત સહીત મહારાષ્ટ્રના અમુક ભાગોને આવરી લેતી ભારતીય સેનાની સધર્ન કમાન્ડના ચીફ એવા લેફટન્ટ જનરલ દ્વારા કચ્છના સરહદી વિસ્તારની વિઝીટ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ત્યારે જો અચાનક તેઓ કચ્છમાં આવે અને બોર્ડર ઉપર જવાની ઈચ્છા વ્યક્ત કરે તો તેની તૈયારીના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી રહી છે. જેને લઈને કચ્છની બોર્ડર ઉપરાંત ભુજના મિલિટરી સ્ટેશનમાં પણ આગોતરું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
કચ્છ સ્થિત બાલ્ડ ઈગલ બ્રિગેડ કમાન્ડ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરવામાં આવી રહેલી ઓપરેશન તૈયારીને લગતું ઇન્સ્પેક્શન કરવા માટે આજે શુક્રવારે ભારતીય સેનાની સધર્ન કમાન્ડના ચીફ લેફટન્ટ જનરલ ધીરજ શેઠ કચ્છ આવ્યા હતા. આર્મીના ખાસ એરક્રાફ્ટમાં ભુજ આવ્યા બાદ કમાન્ડર શેઠ ક્રીક વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા. અહીં તેમણે સંવેદનશીલ ઓપરેશનલ પોઇન્ટ ઉપર સેનાની તૈનાતી તેમજ BSF સાથેના સંકલનની સમીક્ષા કરી હતી. ડિફેન્સના સૂત્રો જણાવી રહ્યા છે કે, વડાપ્રધાન મોદીની સંભવિત કચ્છની મુલાકાતને લઈને આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલબત્ત આર્મી સત્તાવાર આવી કોઈ વાતનો ઉલ્લેખ નથી કરી રહી. આર્મીએ તેના ચીફ કમાન્ડરની મુલાકાતને 'રૂટિન' ગણાવી છે.
લેફટન્ટ જનરલે ક્રીકમાં જાતે બોટ ચલાવી : સામાન્ય રીતે એવું માનવામાં કે ધારી લેવામાં આવતું હોય છે કે, સિનિયર લેવલના ઓફિસરને ગ્રાઉન્ડ ઉપર કેમ કામ કરવું તેની ખબર હોતી નથી. પરંતુ દરેક કિસ્સામાં આવું હોતું નથી. તેનું ઉદાહરણ આજે સધર્ન કમાન્ડના ચીફ એવા લેફટન્ટ જનરલ દીરાજ શેઠની કચ્છ વિઝીટ દરમિયાન જોવા મળ્યું હતું. જનરલ શેઠ ક્રીકમાં ગયા અને ત્યાં સેનાના અધિકારીઓ તેમજ જવાનોને મળ્યા હતા. ત્યારબાદ તેઓ ક્રીકમાં બોટમાં ગયા ત્યારે જાતે બોટને ચલાવી હતી. સંભવ છે કે, તેમણે પોતાના સેનાનાં કાર્યકાળ દરમિયાન આવી કોઈ ટ્રેનિંગ લીધી પણ હોય.
મધરાતે ભુજના મિલિટરી સ્ટેશન ઉપર ડ્રોન ઉડયા : ભુજ સહીત કચ્છના વ્યૂહાત્મક સ્થળોએ આર્મી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા ભુજના બ્રિગેડ કમાન્ડ એરિયા ઉપર એટલે કે, ભુજના મિલિટરી સ્ટેશન ઉપર ડ્રોન ઉડતા જોઈને સામાન્ય લોકો પણ અચરજ પામી ગયા હતા. કારણ કે આ સમગ્ર એરિયાને 'નો ડ્રોન એરિયા' જાહેર કરવામાં આવેલો છે. હકીકતમાં આ ડ્રોન બીજા કોઈના નહીં પરંતુ ભુજમાં આવેલી આર્મીની એર રેજિમેન્ટ દ્વારા ઉડાવવામાં આવ્યા હતા. રાતે મિલિટરી સ્ટેશન ઉપર ડ્રોન ઉડાવીને VVIP વિઝીટ ટાણે સંકટ સમયે કેવી રીતે ઓપરેશન હાથ ધરવું તેનું પરીક્ષણ કરવા માટે આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી હતી.