Vande Metro : મોદી કચ્છીઓને મૂર્ખ સમજે છે ? ચર્ચા હતી વંદે ભારતની અને આપી વંદે મેટ્રો ટ્રેન, સસ્તી ટ્રેન ઝુંટવીને મોંઘી ટ્રેન પધરાવી દેવાઈ ? પંદર દિવસમાં કચ્છની એક ટ્રેન બંધ થઈ જશે
નવા રંગ રોગાન અને સંપૂર્ણ એસી ટ્રેનની સુવિધાની આડમાં ભોળા કચ્છી માડુઓને 35 મિનિટ વહેલા પહોંચાડવાની લાલચ આપીને રેલવે 700 રુપિયાથી વધુ ખંખેરી લેશે
(પ્રસ્તુત તસવીરમાં ઉપરનો ફોટો નવી શરુ થવા જઈ રહેલી વંદે મેટ્રો ટ્રેનના કોચ નો છે જયારે નીચેનો ફોટો હાલમાં ચાલી રહેલી ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેનના CC (ચેર કાર) કોચનો છે, જેમાં પુશ બેક સીટ વ્યવસ્થા જોઈ શકાય છે)
WND Network.Bhuj (Kutch) : લાંબા સમયથી કચ્છને અમદાવાદ સાથે જોડતી એક નવી ઇન્ટરસીટી પ્રકારની ટ્રેનની માગ હતી. જયારે વંદે ભારત જેવી ટ્રેન અમદાવાદમાં જોવા મળી ત્યાં સુધી કચ્છમાં સૌ કોઈને એમ જ હતું કે, ટૂંક સમયમાં કચ્છને વંદે ભારત ટ્રેન મળી શકે છે. પરંતુ ટ્રાયલ દરમિયાન જયારે ટ્રેન ભુજ આવી અને તેનો લૂક જોવા મળ્યો ત્યારે અને રેલવે દ્વારા સત્તાવાર કરવામાં આવી ત્યારે ખબર પડી કે, કચ્છને વંદે ભારત નહીં પરંતુ વંદે મેટ્રો ટ્રેન મળી છે. મીડિયામાં આવી રહેલી વિવિધ માહિતીને પગલે નવી ટ્રેનના લાભાલાભ ચેક કરતા હવે કચ્છના લોકોને ખબર પડી કે, નવા રંગ રોગાન અને સંપૂર્ણ AC ટ્રેનની સુવિધાની આડમાં 'ભોળા' કચ્છી માડુઓને 35 મિનિટ વહેલા પહોંચાડવાની લાલચ આપીને રેલવે 700 રુપિયાથી વધુ ખંખેરી લેવાની તૈયારીઓ થઈ ગઈ છે. માત્ર એટલું જ નહીં પરંતુ હાલમાં ચાલી રહેલી સસ્તી ભુજ-ગાંધીનગર સ્પેશિયલને બંધ ટ્રેન ઝુંટવીને મોંઘી વંદે મેટ્રો ટ્રેન પધરાવી દેવાનું પ્લાનિંગ છે. રેલવેની આ ચાલાકીને જોઈને તો ચિત્ર એવું ઉપસી રહ્યું છે, જાણે કે, મોદી કચ્છીઓને મૂર્ખ સમજે છે ! અહીં મોદી એટલા માટે લખ્યું છે કારણ કે, દેશ આખો જાણે છે કે, જેનું ઉદ્દઘાટન ખુદ PM મોદી કરી રહ્યા હોય અને તેમને સમગ્ર મામલો ખબર ન હોય તે વાતમાં માલ નથી.
રેલવેની સત્તાવાર માહિતી મુજબ, હાલમાં ભુજ-ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેન ચાલુ છે. જે ભુજથી સવારે 6.50 વાગે ઉપડીને અમદાવાદમાં ચાંદલોડિયા સ્ટેશને બપોરે 13.06 એટલે કે એક વાગે પહોંચે છે. નવી વંદે મેટ્રો ટ્રેન સવારે ભુજથી 05.05 વાગે ઉપડશે. મતલબ કે, નવી અને જૂની ટ્રેન વચ્ચે અમદાવાદ પહોંચવામાં માત્ર 35 મિનિટનો ફરક પડી રહ્યો છે (અહીં ટ્રેન લેટ પડે એની ગણતરીને તો ધ્યાનમાં લીધી જ નથી). ખુદ રેલવેના અધિકારીઓ નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે કે, સવારે 6.50 ઉપડતી ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેનમાં ટ્રાફિક નથી મળી રહ્યો ત્યાં તેના કરતા અંદાજે બે કલાક વહેલી ઉપાડતી ટ્રેનમાં લોકો આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હા, થોડા દિવસ માટે નવી અને સંપૂર્ણ એસી ટ્રેનમાં બેસવા માટે અત્યારે જે 'ઘેલા' લોકો વાહવાહી કરી રહયા છે તેઓ બેસીને પ્રવાસ કરે તે અલગ વાત છે. પરંતુ સરવાળે જયારે રેલવે પેસેન્જર ટ્રાફિક જેને રેલવેની ભાષામાં કોમર્શિયલ ડિમાન્ડ કહે છે તેની વાત આવશે ત્યારે બેમાંથી એક ટ્રેન બંધ કરવા સિવાય કોઈ છૂટકો નથી. આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે. વડાપ્રધાને જે ટ્રેનને ઝંડી આપી હોય તેને બંધ કરવાને બદલે જેને 'સ્પેશિયલ સ્ટેટસ' આપી ને દર ત્રણ મહિને ફેરા વિસ્તારવામાં આવી રહ્યાં છે તેવી ભુજ-ગાંધીનગર-ભુજ ટ્રેનને બંધ કરી દેવા સિવાય રેલવે પાસે કોઈ વિકલ્પ નહિ હોય. તમારી જાણ માટે જણાવી દઈએ કે, આ ભુજ-ગાંધીનગર-ભુજ ટ્રેનને ગઈ 22મી જૂન,2024ના રોજ ત્રણ મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવી હતી. મતલબ કે, આ ટ્રેન નવી વંદે મેટ્રો ટ્રેન શરુ થાય તેના માત્ર પંદર દિવસ 30મી સપ્ટેમ્બર સુધી જ ચાલવાની છે. એટલે જે રીતે નવી ટ્રેનની જાહેરાત અને પબ્લિસિટી થઇ રહી છે તેનાથી બિલકુલ વિપરીત ચુપચાપ સ્પેશિયલ ટ્રેન આપોઆપ બંધ થઇ જશે અને કોઈને કાનોકાન તેની ખબર પણ નહીં પડે. કદાચ એટલે જ સ્પેશિયલ ટ્રેનનું 30મી સપ્ટેમ્બર પછીનું બુકીંગ પણ હાલ નથી થઈ શકતું.
વંદે મેટ્રો ટ્રેનથી સામાન્ય લોકો ઉપર મુસાફરી ભાડાનો બોજ પડશે : દેશમાં 80 ટકાથી વધુ વસ્તી મિડલ કે લૉઅર ક્લાસમાં આવે છે. અને આ એવા લોકો છે જેમના માટે દસ રૂપિયા પણ દસ હજાર બરાબર છે. હાલમાં જે સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે તેમાં જનરલ કલાસના દસ ડબ્બા, ત્રણ સ્લીપરના અને એક એસી ચેર કાર છે. સ્લીપરમા રિઝર્વેશન લઈને સામાન્ય વ્યક્તિ માત્ર 325 રૂપિયામાં અને એસીમાં જવાનો શોખ હોય તો ચેર કારમાં 630 રૂપિયા આપીને તમે મુસાફરી કરી શકો છે. એસી ચેર કારમાં આગળ પાછળ કરી શકાય તેવી પુશ-બેક સીટમાં આરામદાયક મુસાફરી કરી શકાય છે, આવી સુવિધાની ગોઠવણ નવી વંદે મેટ્રો ટ્રેનમાં નથી !
વંદે મેટ્રો ટ્રેનમાં કેવા પ્રકારના મતલબ કે, વંદે ભારતમાં જેમ AC ચેર કાર કે AC એક્ઝિક્યુટિવ ચેર કાર કલાસ હોય છે તેમ છે કે નહીં તે અંગેનો કોઈ જ ખુલાસો રેલવે એ હજુ સધી કર્યો નથી. એટલે હાલ એમ માની લઈએ કે, રેલવેની સિસ્ટમ મુજબ અંદાજે 800થી નવસો જેટલું ભાડું થઈ શકે છે. આમ જૂની સ્પેશિયલ ટ્રેન અને નવી મેટ્રોની સરખમણીમાં સૌથી વધુ માર જે લોકો દોઢસો રૂપિયા આપીને જનરલમાં અને સ્લીપરમા 325 રૂપિયા ભાડું આપે છે તેવા લોકોને પડશે. હવે આ લોકોને ફરજીયાત AC ટ્રેનમાં બેસવું પડશે અને તે મુજબનું ભાડું પણ આપવું પડશે. અને આવો વર્ગ બહુ મોટો છે. જે સોસીયલ મીડિયામાં 'ઘેલો' બનીને નવી મેટ્રો ટ્રેનના વખાણ નથી કરી રહ્યો. આમ સરખામણી કરવા જઈએ તો સાફ દેખાય છે કે, નવી મોંઘી ટ્રેન આપીને કચ્છીઓ પાસેથી સસ્તી ટ્રેન ઝુંટવી લેવામાં આવી રહી છે.
સ્પેશિયલ ટ્રેનનો સમય પણ વહેલો લાગતો હતો ત્યાં મેટ્રોનો સમય કેમ અનુકૂળ આવશે ? : ભુજ અને અમદાવાદ વચ્ચે જયારે સ્પેશિયલ ટ્રેન મુકવામાં આવી હતી ત્યારે પણ લોકોમાં ટ્રેનના સમયને લઈને ખાસ્સો એવો કચવાટ હતો. ભુજથી જવા માટે કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા લોકોને વહેલી સવારે ઉઠીને ભુજ આવવું તે વખતે પણ કઠિન લાગતું હતું. તેવામાં બે કલાક વહેલી ઉપાડવા જઈ રહેલી ટ્રેનનો સમય કેમ ફાવશે તે એક મોટો પ્રશ્ન છે. વધુ સ્પીડ અને વહેલા પહોંચાડવાના સપના બતાવીને હકીકતમાં જયારે ટ્રેન દોડશે તેવામાં ટ્રેન લેટ નહીં પડે તેની પણ કોઈ ખાતરી નથી. કારણ કે, આ અનુભવ હાલની સ્પેશિયલ ટ્રેનમાં લોકો રોજ કરી રહ્યાં છે.
વંદે ભારતની ચર્ચા વચ્ચે 'મેટ્રો'નું ગતકડું કયાંથી આવ્યું ? : રેલવે એવો દાવો કરે છે કે, ટૂંકા અંતરવાળા નોન અર્બન શહેરો વચ્ચે ઝડપી ટ્રેનના વિકલ્પ સ્વરૂપે વંદે મેટ્રોનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. પરંતુ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર હકીકતથી વાકેફ છે અને તેઓ દબાયેલા સૂરમાં કહે છે કે, વંદે ભારત ટ્રેન તેના એન્જીનના નાક તૂટવાથી લઈને પાણી ટપકતા કોચ અને ખરાબ જલપાનને લઈને બદનામ થઈ ચુકી છે. વળી જે કોસ્ટમાં તેને ચલાવવામાં આવી રહી છે તે પણ પોષાય તેમ નથી. એટલે નવી બોટલમાં જૂનો દારૂ કહેવતની જેમ જલપાન જેવી સુવિધા હટાવીને ટૂંકા અંતર માટે નવા રંગરોગાન સાથે મેટ્રોનું અવતરણ કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ શરૂઆતમાં વંદે ભારત ટ્રેન આવશે એમ જ લાગતું હતું પરંતુ ટ્રાયલ થયો ત્યારે ખબર પડી કે, ભારતનું મેટ્રો થઈ ગયું છે !
રેલવેમાં નવી ટ્રેનનો રિપોર્ટ પાંચ વર્ષે ખબર પડે : નવું વાહન શરૂઆતમાં તો ટનાટન જ ચાલતું હોય છે. વર્ષે દોઢ વર્ષે ખબર પડે કે ખરેખર તે બરાબર છે કે નહીં. આવી રીતે રેલવેમાં પણ જયારે કોઈ નવી ટ્રેન શરુ કરવામાં આવતી હોય છે ત્યારે તેનો કોમર્શિયલ અને મેન્ટેનસનો સાચો રિપોર્ટ પાંચ વર્ષે ખબર પડે છે. વંદે ભારતને હજુ પાંચ વર્ષ થયા નથી. પરંતુ જે રીતે તેના મીડિયામાં રોજ રિપોર્ટ આવે છે તે ઉપર સુધી પહોંચતા ઉતાવળે કાચું કપાઈ ગયાની ખબર પડી હોવાનું રેલવેના અધિકારી નામ ન આપવાની શરતે દાવો કરી રહયા છે. અને એ ઇનપુટ ઉપરથી જ મેટ્રોનો ખ્યાલ પણ અસ્તિત્વમાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વંદે મેટ્રોના પ્રથમ ફેરા વખતે દસ હજાર લોકોને હાજર રાખવાનું ટાર્ગેટ, મફત મુસાફરીની લાલચ પણ આપવામાં આવી છે : ચૂંટણી ટાણે મફત આપવાની વાતને મફતની રેવડી વહેંચવાની વાતો કરતો ભાજપ તેની સરકારમાં કોઈ પણ કામને સફળ બતાવવા માટે રેવડી ક્લચરને જ પ્રાધ્યાન આપે છે. ભુજથી શરુ થઈ રહેલી વંદે મેટ્રોમાં પહેલા દિવસે મફત લોકોને મુસાફરી કરવા માટેની લાલચ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન મોદી ટ્રેનને અમદાવાદથી વર્ચ્યુઅલી લઈ ઝંડી આપવાના હોવાથી તેમને ખરાબ ન લાગે, તેમનો માન-મરતબો અને મોભો જળવાઈ રહે તે માટે દસ લોકોને ગમે એમ કરીને એકઠા કરવાનું ટાર્ગેટ પણ રેલવેને આપવામાં આવ્યું હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.
નવી ટ્રેન અને દેશપ્રેમને શું લેવા દેવા ? : કોઈપણ વાતને દેશપ્રેમ સાથે જોડવાથી તેની ખામીઓ અંગે કોઈ ચર્ચા કરતા સો વખત વિચાર કરે છે. એટલે હંમેશની જેમ આ વખતે પણ ભાજપના જ કેટલાક મળતીયાઓ દ્વારા કચ્છની નવી વંદે મેટ્રો ટ્રેનને દેશપ્રેમ સાથે જોડીને દેવામાં આવી છે. જન જાગૃતિ અભિયાન જેવા ભળતા સળતા નામે કચ્છ અને મુંબઈના કેટલાક ભાજપી ગ્રુપ દ્વારા ટ્રેનના પ્રચારમાં દેશભક્તિને ઉમેરી દેવામાં આવી છે. રેલવે ટ્રેક કે ટ્રેનમાં સેલ્ફી લેવી જોખમી હોવાથી રેલવે એ નિયમ મુજબ તેની ઉપર પ્રતિબંધ મુકેલો છે છતાં આવા મૂર્ખ લોકો ગ્રુપમાં મેસેજ કરીને ટ્રેનમાં સેલ્ફી કેમ લેવી તેવી સલાહ પણ આપે છે.