Kutch HoneyTrap Case : હનીટ્રેપમાં પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવકને ઉઠાવ્યો, ભુજના યુવક પાસેથી માંડવીની યુવતી થકી 22 લાખ પડાવ્યા

ત્રણ મહિના પહેલા બનેલી ઘટનામાં ભુજના કાલિકા રીંગરોડ નજીક રહેતા યુવકને ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ બનેલી યુવતીએ હિલ ગાર્ડનમાં બોલાવીને ફસાવ્યો હતો

Kutch HoneyTrap Case : હનીટ્રેપમાં પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવકને ઉઠાવ્યો, ભુજના યુવક પાસેથી માંડવીની યુવતી થકી 22 લાખ પડાવ્યા

( હનીટ્રેપમાં પકડાયેલો ભુજ નગર પાલિકાનો કોંગ્રેસી નગર સેવક ભુજ 'એ' ડિવિઝનના નવનિયુક્ત પોલીસ ઈન્સ્પેક્ટરને સત્કારવા કરવા ગયો હતો ત્યારની જૂની તસ્વીર )

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં નલિયા સામુહિક દુષ્કર્મ અને હનીટ્રેપનો મામલો માંડ લોકોના માનસપટલ ઉપરથી દૂર થયો હતો ત્યાં વધુ એક આવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને 22 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની પોલીસમાં ફરિયાદ બાદ હનીટ્રેપમાં ભુજ એ ડિવિઝન પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવકને ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેક મહિના પહેલા બનેલી ઘટનામાં ભુજના કાલિકા રીંગરોડ નજીક રહેતા યુવકને ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ બનેલી યુવતીએ હિલ ગાર્ડનમાં બોલાવીને ફસાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણેક માસ પહેલા ભુજ શહેરના કાલિકા રીંગરોડ નજીક રહેતા મહેબૂબ નામના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર યુવતીની રિક્વેસ્ટ અને મેસેજ આવે છે. જે મેસેજમાં યુવક વાતચીત શરૂ કરે છે, ત્યારબાદમાં યુવતી આ યુવકને ફોન - વિડીયો કોલ કરીને વાતચીત કરે છે. થોડા દિવસ બાદ મિત્રતા કેળવીને તેને મળવાનું કહે છે. મિત્રતા કેળવીને બંને સૌથી પહેલા માધાપર ખાતે મળે છે. ત્યારબાદ  નાસ્તો કરીને તેઓ ભુજના હિલ ગાર્ડનમાં ફરવા જાય છે. 

સાંજના સમયે હિલ ગાર્ડનમાંથી નીકળતી વેળાએ અચાનક એક પુરુષ આ બંનેને પકડી લે છે. ત્યારે યુવતી કહે છે કે , આ મારા કાકા સસરા છે, અહીંયાથી એટલે આપણે ભાગી જઈએ'. એટલે ગભરાયેલો યુવક યુવતીને લઈને પરત માધાપર મુકવા માટે જાય છે. માધાપર મૂકી તે ઘર તરફ રવાનો થઈ ગયો હતો. દરમિયાન તેના એક કૌટુંબીક ભાઈ સરફરાઝનો ફોન આવે છે અને કહે છે કે, 'તું હિલ ગાર્ડનમાં કોઈ યુવતી સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હોવાનું મને જાણવા મળ્યું છે અને તારા ફોટા પણ મારી પાસે આવ્યા છે'.  જેને પગલે ગભરાયેલો યુવક મહેબૂબ પૂછે છે કે. 'તને મારા ફોટા કોણે મોકલ્યા અને કોણે કહ્યું'.  એટલે તે કહે છે કે મને ભુજના આપણા ઓળખીતા નગરસેવક હમીદે ફોટા મોકલ્યા છે. તે યુવકને  એમ કહીને ડરાવે છે કે, યુવતીના ઘરવાળા બહુ ખરાબ છે અને તને શોધી રહ્યા છે. જો તારી મેટર પતાવી હોય તો આપણે બંને હમીદ સમા સાથે મળી લઈએ, જેથી મામલો પતી જાય. હકીકતમાં આવું કહીને યુવકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. 

 ત્યાર પછી ભોગ બનનાર યુવક અને આરોપી તેમજ તેના મિત્રો હમીદ સમા  પાસે જાય છે.  નગરસેવક હમીદ તેમને મળવા બોલાવે છે અને મેટર પતાવી દેવાની હૈયાધારણા આપે છે. આ યુવક પોતાના મિત્રો સાથે આદિપુર જાય છે ત્યાં યુવતી આવે છે અને અચાનકમાં તેનો ઉભો કરેલો પતિ આવી જાય છે અને મામદ નામનો પતિ મહેબૂબને ધાક ધમકી કરી અને માર મારે છે. બાદમાં તે કહે છે કે મારી પત્ની મને નથી જોઈતી તમે તમારી સાથે લઈ જાવ. 

યુવતીને લઈ આરોપી નગર સેવક હમીદ સમા, સરફરાઝ અને તેના મિત્રો પરત ભુજ આવવા માટે નીકળે છે અને ત્યાં રસ્તામાં યુવતી કહે છે કે, તું મને તારા ઘરે લઈ જા. જેથી યુવક કહે છે, કે મારા ઘરે લઈ જવામાં તકલીફ ઉભી થઇ જશે. યુવકને ફસાયેલો અને ગભરાયેલો જોઈને યુવતી અને હમીદ તેને મકાન લઈ આપવાની વાત કરે છે. જેના માટે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. છેવટે ભુજમાં પહોંચીને મામલો 19 લાખ રૂપિયામાં સેટલ કરવાનું નક્કી થાય છે. 

હનીટ્રેપમાં ફસાયેલો યુવક એ જ દિવસે રાતે પોતાના ઘરેથી ત્રણ લાખ રૂપિયા લઈ આ યુવતી અને આ લોકોને આપે છે. ત્યારબાદ યુવતીને જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરે છે અને મહેબૂબને વધુ દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે યુવક બીજા પૈસા બીજા દિવસે પોતાની બુલેટ અને પ્લોટ વેચીને તેમજ ઘરેણા ફાઈનાન્સમાં ગીરવે મૂકી પાંચ દિવસમા 19 લાખ રૂપિયા ચૂકતે કરી આપે છે જેનું આ લોકો સમાધાન પત્ર પણ ઉભું કરી અને સહી કરીને તરકટ રચે છે. 

વાત આટલેથી અટકતી નથી, થોડા દિવસ બાદ ફરીથી મામદે અરજી કરી હોવાનું કહીને યુવક પાસેથી દાગીના માટે ચાર લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે. આમ કુલ ૨૨ લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે. સમગ્ર મામલો પતિ ગયા પછી થોડા દિવસ પહેલા યુવકને તેના મિત્રએ કહ્યું કે, તારા સાથે હનીટ્રેપ થઈ ગઈ છે અને તને ફસાવવામાં આવ્યો છે. એટલે મહેબૂબ તેના મિત્રને લઈને ભુજ 'એ' ડિવિઝન પોલીસમાંસ્ટેશન જાય છે. જ્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો, ભુજ પોલીસે નગરસેવક અબ્દુલ હમીદ સમા અને મહેબૂબના કૌટુંબિક ભાઈ સરફરાજની અટકાયત કરી લીધી છે.