Kutch : ગુજરાત સરકારને કોંગ્રેસના ધારાસભ્યના લેટરથી 'કરંટ' આવ્યો , ધોળાવીરાના મ્યુઝિયમમાં વીજળીનો પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો...
વીજળી વિભાગના અધિકારીનો દાવો, વીજ બિલના 46 હજાર ભર્યા એટલે વીજળીનો પુરવઠો ચાલુ કર્યો છે
WND Network.bhuj (Kutch) : યુનેસ્કો દ્વારા જેને વિશ્વ વિરાસત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે કચ્છના ધોળાવીરા ખાતે આવેલા વર્લ્ડ કલાસ મ્યુઝીયમનો વીજળી પુરવઠો કાપી નાખવાના મામલે કચ્છના તંત્ર સહીત સમગ્ર ગુજરાત સરકાર ઉપર પસ્તાળ પડી છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્યે સમગ્ર મામલે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે અવગત કરાવ્યા હતા. શરમજનક પરિસ્થિતિમાં આવી ગયેલી રાજ્ય સરકારે ધોળાવીરાના મ્યુઝીયમની લાઈટ શરુ કરી દીધી છે. અલબત્ત વીજળી વિભાગના અધિકારી એવો દાવો કરી રહ્યા છે કે, 46 હજારનું બિલ બાકી હતું એટલે લાઈટનું કનેક્શન કાપી નાખ્યું હતું. જે હોય તે, પરંતુ કચ્છ બહારના અને એ પણ કોંગ્રેસના ધારાસભ્યની સક્રિયતાને પગલે કામ થયું એ અગત્યની વાત છે.
કચ્છમાં બે વખત આવી ચૂકેલા G-20ના પ્રતિનિધિ મંડળના પાંચ-પચીસ લોકોને ધોળાવીરા સહિતની કચ્છની ઐતિહાસિક અને પ્રવાસનને લગતી વિરાસત દેખાડવા માટે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરનારી ગુજરાત સરકારે ધોળાવીરામાં મામૂલી રકમ માટે વીજળીનો પુરવઠો કાપી નાખ્યો હતો. આ અંગેની વાત સોસીયલ મીડિયા તથા માધ્યમોમાં આવતા કચ્છ સહિતના લોકોએ ગુજરાત સરકાર ઉપર ફિટકાર વરસાવી હતી. અને તે અંગેનો પડઘો છેક ગાંધીનગર સુધી પડ્યો હતો. એટલે તાત્કાલિક રાજ્ય સરકારનું પ્રવાસન વિભાગ અને કેન્દ્રનું પુરાતત્વ ખાતું હરકતમાં આવ્યું હતું. અને બાકી રકમ ભરાય તે પહેલા વીજળીનો પુરવઠો યથાવત કરી દેવામાં આવ્યો હતો.
PGVCLના બાલાસર યુનિટના જુનિયર ઈજનેર એ.ડી.ગામેતીએ આ અંગે કહ્યું કે, મ્યુઝીયમનું બિલ બાકી હતું. અમે નોટિસ પણ આપી હતી. છતાં વીજ બિલના નાણાં ભરવામાં આવ્યા ન હતા. એટલા અમે કાપી નાખ્યું ! હવે બિલની રકમ ભરાઈ ગઈ છે એટલે મ્યુઝિયમની લાઈટ ચાલુ કરી દીધી છે.
કચ્છના છ ધારાસભ્ય ન કરી શક્ય તે પાટણના એક MLA એ કરી બતાવ્યું :- જે વિગતો અને માહિતી કચ્છમાં ઘરે બેઠા બેઠા મળી જાય તેવા પ્રશ્નો ગાંધીનગરમાં વિધાનસભામાં પૂછનારા કચ્છના તમામ ભાજપી ધારાસભ્ય ધોળાવીરાના વર્લ્ડ કલાસ મ્યુઝિયમમાં લાઈટ નથી તેનાથી બેખર હતા કે તેમની સરકારનું ખરાબ ન લાગે એટલા માટે ચૂપ રહ્યા તે ભગવાન જાણે. પણ હકીકત એ છે કે, કચ્છ બહારના અને તે પણ કોંગ્રેસના એક MLA મ્યુઝિયમમાં લાઈટ લઇ આવ્યા હતા. આશા રાખીએ કે ભવિષ્યમાં કચ્છના MLA પ્રશ્નો પૂછે કે ક્રિકેટ રામે અથવા હોળી રમે, પરંતુ સાથે સાથે કચ્છના પ્રશ્નો અંગે પણ અવાજ ઉઠાવે .