કચ્છની સમસ્યા પાટણના ધારાસભ્યને દેખાઈ, કચ્છના તમામ છ MLA સાવ અજાણ, વિશ્વ વિરાસત ધોળાવીરાના મ્યુઝિયમની લાઈટ કાપી નાખતા ડૉ.કિરીટ પટેલે CM ને પત્ર લખ્યો
G-20નાં ગણતરીના લોકો માટે કરોડો રૂપિયા ખર્ચતી ગુજરાત સરકાર પાસે લાઈટ બિલ ભરવાના રૂપિયા પણ નથી ?
WND Network.Bhuj (Kutch) : તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન કચ્છના તમામ છ ધારાસભ્યએ કચ્છની સમસ્યા કે પ્રાણ પ્રશ્નને બદલે સાવ સામાન્ય કહી શકાય અને જિલ્લા લેવલે સંકલન સમિતિમાં મળી જાય તેવા પ્રશ્નો પૂછ્યા હોવાને કારણે તેવો ચર્ચામાં રહ્યા હતા. ખરેખર તેઓએ કચ્છને સ્પર્શતા પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવવા જોઈએ. આવી ચર્ચા માંડ શાંત પડી હતી ત્યાં પાટણના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને ધોળાવીરાના મ્યુઝીયમમાં વીજળીનું કનેક્શન કાપી નાખવાને મામલે પત્ર લખ્યો છે. જેને કારણે હવે એ પ્રશ્ન થાય છે કે, શું કચ્છના કોઈ પ્રશ્ન કે સમસ્યા માટે લોકોએ ચૂંટીને ગાંધીનગર મોકલેલા કચ્છના ધારાસભ્ય આ સમસ્યાથી અજાણ છે કે જાણી જોઈને કચ્છની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. અથવા પાર્ટી લઈને કારણે નથી બોલી રહ્યા. માત્ર એટલું જ નહીં પરંતુ, G-20 દેશના ગણ્યા ગાંઠયા પ્રતિનિધિઓને દેખાડો કરનારી ગુજરાત સરકાર પાસે ધોળાવીરાના મ્યુઝિયમ માટે લાઈટ બિલ ભરવાના રૂપિયા પણ નથી મળતા તેવો સૂર આવતા લોકલ પ્રવાસીઓ કરી રહ્યા છે.
યુનેસ્કો દ્વારા જેને વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવા કચ્છમાં આવેલા ધોળાવીરા ખાતે આવેલા મ્યુઝિયમની લાઈટ કાપી નાખવામાં આવી છે. વીજળી બિલ ન ભરવાને કારણે આમ થયું છે. સરકારી સિસ્ટમમાં આવું થવું કોઈ નવી વાત નથી. પરંતુ નવી અને આંચકો લાગે તેવી વાત એ છે કે, આ અંગે કચ્છના એકપણ ધારાસભ્ય સહીત કચ્છના હામી હોવાના ખોખલા દાવા કરતા એકપણ વ્યક્તિએ આ અંગે સરકારનું ધ્યાન દોર્યું નથી. છેક પાટણના ધારાસભ્યને આ અંગે સરકારનું ધ્યાન દોરવું પડ્યું છે.
કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા પાટણના MLA ડૉ.કિરીટ પટેલે વર્લ્ડ હેરિટેઝ ધોળાવીરાના મ્યુઝિયમનું વીજ કનેક્શન કાપી નાખવાને મામલે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે - ખુબ જ દુઃખ અને વેદના સાથે આપશ્રીને જણાવી રહ્યો છું કે, છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં આવેલા ધોળાવીરાના મ્યુઝિયમ ખાતે સમયસર વીજળી બિલ ન ભરતા વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવેલું છે. જેને કારણે પ્રવાસીઓને પ્રદર્શીની જોવામાં, સાઈટ માટે બનાવેલી ડોક્યુમેન્ટરી જોઈ નથી શકતા. પીવાના પાણીને લઈને પણ અહીં મુશ્કેલીઓ પડી રહી છે. G-20 માટે લાખો રૂપિયા ખર્ચીને અહીં રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સારી બાબત છે. પરનું વીજળીના બિલની મામૂલી કહી શકાય તેવી રકમ સરકારશ્રી દ્વારા ભરવામાં આવી નથી. અને જેને કારણે આજની દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ ધોળાવીરા ખાતે થયું છે. આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને પુનઃ આવું ન બને તેની તકેદારી રાખવા વિનંતી છે...
કચ્છ કોંગ્રેસના પ્રમુખ યુજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ મ્યુઝિયમનું લાઈટ કનેક્શન કાપી નાખવા બાબતે જણાવ્યું હતું કે, વિદેશથી આવતા પાંચ-પચીસ લોકો માટે સરકાર પાસે લાખો કરોડો રૂપિયા ખર્ચી શકતી હોય તો દેશના લોકો જેને જોવા માટે દૂર દૂરથી છેક કચ્છમાં આવે છે તેમના માટે લાઈટ બિલ જેવી મામૂલી રકમ નથી ખર્ચી શકાતી ?
Web News Duniya