President Murmu in Kutch : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભુજની મુલાકાત ટાણે ગુજરાતના 'વિકાસને ઢાંકી દેવાયો', PM-CMની વિઝીટ વખતે થાય છે તેમ રોડ ઉપર પડદા પાડી દેવાયા
ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવતા ભુજના મુખ્ય માર્ગ ઉપર વાહનો અથડાયા, બે દિવસ માટે ધોળાવીરા સહીત ભુજમાં સ્મૃતિવન સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું, VIP ક્લચરના દર્શન થયા

WND Network.Bhuj (Kutch) : ગુજરાત અને કેન્દ્રમાંથી VIP ક્લચર દૂર કરવાની શેખી મારતી રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારને હજુ પણ VIP ક્લચરનું વળગણ યથાવત છે. આવા અનેક ઉદાહરણ વચ્ચે વધુ એક વખત ભારતના રાષ્ટ્રપતિની ગુજરાત-કચ્છની મુલાકાત (President Droupadi Murmu in Gujarat) ટાણે VIP ક્લચર જોવા મળ્યું હતું. ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં ભાજપની સરકારે બે દિવસ માટે ધોળાવીરાની સાઈટ સામાન્ય લોકો માટે બંધ કરી દીધી છે. કચ્છના પાટનગર ભુજમાં આવેલા ભુજીયા ડુંગરના સ્મૃતિવનમા પણ લોકો શુક્રવાર માટે પ્રતિબંધ નાખી દેવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ PM નરેન્દ્ર મોદી અને CM ભુપેન્દ્ર પટેલની ભુજની વિઝીટ વખતે જેમ રોડ ઉપર પડદા પાડી દેવામાં આવે છે તેમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છ-ભુજની મુલાકાત ટાણે પડદા પાડી દેતા જાણે કે ગુજરાતના 'વિકાસને ઢાંકી દેવાયો' હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.
ભુજના મુખ્ય માર્ગો ઉપર આવેલા લારી-ગલ્લાવાળાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની નજરે ન પડે તે માટે તેમની ઉપર પડદા પાડી દેવામાં આવ્યા છે. જેને લઈને ભુજમાં લોકો એમ ચર્ચા છે કે, રોડ ઉપરના લારી-ગલ્લાં ને તો પડદા પાડીને છુપાવી દીધા પરંતુ તૂટી ગયેલા અને પાણી ભરાઈ ગયેલા રોડને કેમ છુપાવશો ? અગાઉ વડાપ્રધાન મોદીની તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત ટાણે પણ ભુજમાં સરકારી મશીનરી દ્વારા આવી જ હરકત કરવામાં આવી હતી. ભુજમાં આ રીતે પડદા પાડવાની સૂચના મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી નહીં જ મળી હોય છતાં લોકોને તો એવું જ લાગવાનું કે, તંત્ર દ્વારા સીએમ પટેલ અને પીએમ મોદીની નકલ કરવામાં આવી છે.
વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય અને આપણા લોકોને ઢાંકવા પડે એ સમજાય તેવું છે. પરંતુ આપણાં પોતાના જ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે મુખ્ય પ્રધાનથી હકીકત કેમ છુપાવવામાં આવતી હશે તે સમજી શકાય તેમ નથી.
રાષ્ટ્રપતિ મુર્મુની કચ્છ-ભુજની મુલાકાત પહેલા જાહેર મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરને પણ ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં હટાવી દેવામાં છે. જેને લીધે બે દિવસમાં આ માર્ગ ઉપર વાહનો અથડાવાના બનાવો પણ બન્યા છે.
જે લોકોએ અગાઉથી ધોળાવીરાનું બુકીંગ કરાવ્યું તેમનો શું વાંક ? : ધોળાવીરા અને ભુજના સ્મૃતિવનમાં ગણતરીના કલાકો માટે પધારી રહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લીધે સરકાર દ્વારા અહીં ત્રણથી એક દિવસ માટે સામાન્ય લોકો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કચ્છમાં સફેદ રણની સાથે સાથે ધોળાવીરાની પુરાતન સાઈટને જોવા અનેક લોકોએ મહિનાઓ અગાઉ બુકીંગ કરાવી દીધું હતું. આ લોકોને તે વેળાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છ મુલાકાતની ખબર ન હતી. હવે આ લોકોને તેમનો ટુર પ્રોગ્રામ કાં રદ્દ કરવો પડ્યો છે અથવા તો ફેરફાર કરવો પડી રહ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશથી આવતા ટુરિસ્ટ દ્વારા તો મહિનાઓ અગાઉ આ પ્રકારનું બુકીંગ કરાવતા હોય છે. વિદેશી સહેલાણીઓ આવા કડવા અનુભવ પછી ભારતની કેવી છાપ લઈને તેમના દેશમાં જશે તે અંગે કોઈ દિવસ વિચારવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.