Kutch : કચ્છ રાજવી પરિવારના પ્રીતિ દેવીની પતરી વિધિ અંગેની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી, ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કચ્છના રાજવી પરિવારના મોભી મહારાજકુમાર હનુવંતસિંહજી જાડેજા દ્વારા વિધિ કરવામાં આવે તેવો ચુકાદો આપ્યો હતો, જેની વિરુદ્ધ પ્રીતિ દેવીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ અપીલ કરી હતી

WND Network.Bhuj (Kutch) : માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી ચામર-પતરી વિધિ અંગે ભુજ કોર્ટે વર્ષ 2021માં આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દબાતલના હુકમને કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવી દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટેમાં પડકારવામાં આવ્યો હતો. જેને જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન મશીની બેન્ચ દ્વારા આજે શુક્રવારે માત્ર પાંચ જ મિનિટની સુનાવણી બાદ પ્રીતિદેવીની સ્પેશિયલ લીવ અપીલને ડિસમિસ કરવામાં આવી છે.
કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીએ મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દ્વારા પતરી વિધિ કરવા અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની આજે શુક્રવારે દિલ્હીમાં અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભુજથી એડવોકેટ ભરત ધોળકિયા સહીત સાત વકીલ દ્વારા પ્રીતિદેવી વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે બીજી અપીલ ચાલી રહી છે તેવામાં સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ દખલ કરવા માંગતી નથી એવું જણાવીને દેશની સર્વોચ્ચ અદાલતે કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીની સ્પેશ્યલ લીવ અપીલને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી ચામર-પતરી વિધિ અંગે ભુજ કોર્ટે વર્ષ 2021માં આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દબાતલ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં ભુજ કોર્ટ દ્વારા આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો. જેમાં તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે પરંતુ તેઓ કોઈને અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો હુકમ પણ ભુજ કોર્ટે કર્યો હતો. ભુજ કોર્ટના આ ચુકાદામાં માત્ર ને માત્ર પ્રીતિદેવી ને જ આ અધિકાર આપવાની વાતને પગલે જે તે સમયે તેમના પછી કચ્છમાં પત્રી વિધિની પરંપરા જ સમાપ્ત થઈ જશે તેવું લાગતું હતું. પરંતુ ભુજ કોર્ટના આ હુકમને મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ભુજ કોર્ટનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા હવે દયાપર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પતરી વિધિ વંશાનુક્રમે આવતા વ્યક્તિએ કરવાની રહેશે તેવા ચુકાદાને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
સમગ્ર વિવાદ દરમિયાન કચ્છના રાજવી પરિવારને લઈને જે તે સમયગાળા દરમિયાન માધ્યમોમાં રાજવી કુટુંબના બે પક્ષ દ્વારા સામ-સામે નોટિસ આપવામાં આવી હતી. તે દરમિયાન સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ નલિયાનાં ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાને કુંવર તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાતો પણ મીડિયામાં ચમકી હતી. અને તેઓ પ્રાગમલજી સાથે અવારનવાર જાહેર પ્રસંગો દરમિયાન જોવા પણ મળતા હતા. જેને પગલે કચ્છના લોકોમાં એવી છાપ પડી હતી કે તેઓ પ્રાગમલજી ત્રીજાના તમામ પ્રકારના વારસદાર છે. અને પછી કુવર બનેલા ઇન્દ્રજીતસિંહ અને અન્ય બે દ્વારા પક્ષકાર તરીકે સામેલ થયા હતા. જેને કોર્ટ દ્વારા તેમની અરજીને રિજેક્ટ કરવામાં આવી હતી. જો કે ભુજ કોર્ટમાં આ કેસ દરમિયાન જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ મહારાણી પ્રીતિદેવીએ જે તે સમયે એકલાએ ચામર-પત્રી વિધિ અંગે અપીલ કરતા રાજવી પરિવાર ઉપરાંત કચ્છમાં આ વાત ચર્ચાનો વિષય બની હતી.