મુંબઈના પત્રકારે લખી કચ્છના પત્રકાર પર નવલકથા 'કચ્છ ફાઇલ : રણ, રહસ્ય ને રોમાંચ' કચ્છના પત્રકાર તેમજ કચ્છીયત પર આધારિત નોવેલ

રણ, રહસ્ય, રોમાંચથી પ્રચુર એવી કચ્છની પ્રથમ ડોક્યુ નોવેલમાં તમને જાણવા મળશે સરહદી જિલ્લામાં સર્જાયેલા કારનામા

મુંબઈના પત્રકારે લખી કચ્છના પત્રકાર પર નવલકથા 'કચ્છ ફાઇલ : રણ, રહસ્ય ને રોમાંચ' કચ્છના પત્રકાર તેમજ કચ્છીયત પર આધારિત નોવેલ

WND Network.Bhuj (Kutch) : દેશના વિશિષ્ઠ પ્રદેશ કચ્છ અને તેની કચ્છીયતને રસાળ રીતે ઉજાગર કરતી તથા કચ્છના એક વરિષ્ઠ પત્રકારે ખેડેલા રોમાંચક પત્રકારત્વને સાંકળતી પ્રથમ ડોક્યુ નોવેલ 'કચ્છ ફાઈલ'  ટુંક સમયમાં પ્રકાશિત થઈ રહી છે. પાંચ ભાષામાં ૪૦ થી વધુ પુસ્તકો આપી ચૂકેલા નામાંકિત લેખક અને  પત્રકાર, ફિલ્મ વેબ કન્ટેન્ટ રાઇટર પ્રફુલ શાહે કચ્છના વરિષ્ઠ પત્રકાર વિપુલ વૈદ્યને અને કચ્છને કેન્દ્રમાં રાખીને સર્જેલી 'કચ્છ ફાઈલ' નું પ્રકાશન કર્યું છે અમદાવાદના નવભારત સાહિત્ય મંદિરે. રણ, રહસ્ય અને રોમાંચને સમાવતા 'કચ્છ ફાઈલ' પુસ્તકનું વિમોચન ટુંક સમયમાં અમદાવાદ ખાતે થશે અને પછી તરત ભુજમાં  સત્ય ઘટનાઓ આધારિત આ નવલકથાનો રસાસ્વાદ કરાવવા એક કાર્યક્રમ યોજાશે. નવભારત સાહિત્ય મંદિર - અમદાવાદના આ પ્રકાશનમાં, કચ્છ ખાતે સહયોગી બન્યું છે વી.આર.ટી.આઇ. - વિવેકગ્રામ પ્રકાશન.

મુંબઈ સ્થિત પ્રસિધ્ધ લેખક અને પત્રકાર પ્રફુલ શાહે આ માહિતી આપતાં કહયું કે કરછની પૃષ્ઠભૂમિને ઝળકાવતી  કલ્પનાતીત સત્યઘટનાઓ અને તેની કહાની પાછળની કહાનીઓ રજૂ કરતી આ ડોક્યુ નોવેલમાં નવાં રોમાંચક તથ્યો પણ સામે આવ્યાં છે , એટલે આ નવતર સર્જન ન માત્ર કચ્છના, પણ ગુજરાત અને બૃહદ્ ગુજરાતના વાચકોને પણ અવશ્ય ગમશે. કારણ કે કચ્છ ફાઈલનો કથા નાયક વિપુલ વૈદ્ય કોઈ સુપરહીરો નહિ , મારા - તમારા જેવી સામાન્ય વ્યક્તિ છે પણ કચ્છમાં ચાર દાયકાના તેમના વિશિષ્ટ પત્રકારત્વમાંથી નીપજેલી સ્ટોરીઓ ચોક્કસપણે સુપર છે , એટલે જ સામાન્ય વાંચકને પણ રસ જગાવે અને રહસ્ય,રોમાંચ અને લાગણી જન્માવે એવું અનોખું સર્જન છે 'કચ્છ ફાઈલ'.

રોમાંચ-રહસ્ય અદ્રશ્યમ' ( ગુજરાતી- મરાઠીમાં, અંગ્રેજી- હિન્દીમાં 'ફાધર્સ ડે'), 'અગ્નિજા'( ગુજરાતી-હિન્દી), 'લાઇફ IM પોસિબલ'( ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી) અને 'રૉડ ડૉકટર' જેવી ડૉક્યુ નોવેલના સફળ સર્જક પત્રકાર પ્રફુલ શાહ સાચુકલા પાત્રો અને વાસ્તવિકતા સાથે વધુ એક કૃતિ લાવ્યા છે. એક મહત્વપૂર્ણ જાણકારી એ કે‌ પ્રફુલ શાહના સૈનિકો અને શહિદો પરના પુસ્તક 'યુધ્ધ કેસરી'ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકથી નવાજવામાં આવ્યું હતું. તેમના કોન્સેપ્ટ અને રિસર્ચ ધરાવતી બે વેબ ફિલ્મ 'બારોટ હાઉસ' અને‌ 'પોશમ‌ પા' માત્ર ૧૫ દિવસના અંતરે ઝી ફાઇવ પર રજૂ થઇ એ એક અનોખો વિક્રમ છે. 

'કચ્છ ફાઇલ' વિશે પ્રફુલ શાહ કહે છે કે આ પરંપરાગત માળખું ધરાવતી નવલકથા નથી. એમાં ભારોભાર ઘટના તત્વ, સંવેદનશીલતા, રહસ્ય અને રોમાંચ છે. આપણી આસપાસ બનેલી બધી વાસ્તવિક ઘટનાને એક તાંતણે પરોવવા એક રિયલ કિરદાર છે જે સુપર મેન, સિંઘમ કે જાદુગર નથી. આપણા જેવો કોમન મેન છે. કથા-નાયક પત્રકાર છે. એના થકી સમાચારમાં આવીને હાંફી જતી, ભુલાઈ જતી, ખોવાઈ જતી અને અધૂરી રહી ઘટનાઓના અંત સુધી પહોંચવાનો ઉપક્રમ એટલે આ ડૉક્યુ નોવેલ.‌ કથા-નાયક વિપુલ નલીનકાન્ત વૈદ્ય કચ્છનો પત્રકાર છે. ચાર દાયકાની દીર્ઘ કારકિર્દીમાં કચ્છના સૌથી પ્રતિષ્ઠિત અખબાર 'કચ્છ મિત્ર'ના ચીફ‌ રીપોર્ટરથી લઇને 'દિવ્ય ભાસ્કર', 'ગુજરાત સમાચાર' અને 'કચ્છ ઉદય'ના તંત્રી તરીકે જવાબદારી નિભાવી જ નહિ, શોભાવી જાણી. પણ એટલું કહેવું પડે કે વિપુલનો આત્મા કાયમ એક રીપોર્ટરનો રહ્યો એટલે ભાથામાં સ્ટોરી એકથી એક બહેતર અને ચોંકાવનારી છે". 

કચ્છના પત્રકાર પર જ નવલકથા કેમ ? : એક અને મુખ્ય કારણ એ કે અન્ય પ્રદેશો કરતાં કચ્છનું પત્રકારત્વ સાવ અલગ. દેશના સૌથી મોટો જિલ્લા કચ્છના પત્રકારત્વમાં આતંકવાદ, શસ્ત્રો-ડ્રગ્સની દાણચોરી, ધુસણખોરી, મુખબીરી, ડબલક્રોસ જાસુસી જેવા તત્વો સાથે દુકાળ, ધરતીકંપ, સુનામી અને ક્યારેક પૂર પણ હોય. આની એકએક ઘટનામાં અલગ નવલકથાની સંભાવના છે". 

નવલકથા'કચ્છ ફાઇલ'નો વિચાર કેવી રીતે આવ્યો? : એક અન્ય પ્રોજેક્ટના સંશોધન માટે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં એક અઠવાડિયું કચ્છની મુલાકાતે જવાનું થયું. ભુજ છોડી મુંબઈમાં સ્થાયી થયેલા મિત્ર વિપુલ વૈદ્યને સુગમતા માટે સાથે લીધાં. આમાં રખડપટ્ટી દરમિયાન વિપુલ પાસેથી અત્યંત દિલચસ્પ વાતો સાંભળી. અચાનક વિચાર સ્ફુર્યો કે આમાંથી રસપ્રદ પુસ્તક બની જ શકે. પણ ખૂબ મહેનતનું કામ હતું".  વિપુલભાઇ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મારા પર તે વળી પુસ્તક થાય? પણ પ્રફુલભાઈ એમને ધરાર મનાવીને જ રહ્યા. લાંબુ વિચારીને નક્કી કર્યું કે વિપુલને સમાંતર વધુ નાયકો રહેશે નવલકથામાં: કચ્છ, કચ્છનું પત્રકારત્વ અને કચ્છીયત.  આ પુસ્તક અંગે લેખક કહે છે, " ખૂબ સંશોધન અને રખડપટ્ટી કરી. બેવાર આઠ-દશ દિવસ કચ્છમાં ભટક્યા. અમુક ઘટના સાથે જોડાયેલા વ્યક્તિઓ આને અધિકારીઓને મળ્યા. 'કચ્છ ફાઇલ'માં સમાવિષ્ઠ બધી ઘટનાઓ અને માહિતી વિપુલ વૈદ્યના અનુભવ અને સ્મૃતિનું ફળ છે. મારી કપરી જવાબદારી આ સામગ્રીને વાંચનક્ષમ, રસપ્રદ અને નાટ્યાત્મકતા સાથે રજૂ કરવાની હતી". 

સિનિયર પત્રકાર વિપુલ વૈદ્યની કેફિયત :  છાપાની દુનિયામાં ૩૯ વર્ષ‌ કામ કર્યું પણ આ ‘કચ્છ ફાઈલ’ પુસ્તકરૂપે પ્રફુલભાઈએ  જે ભેટ આપી એની તો મેં કલ્પના પણ નહોતી કરી. એક લાઈનમાં હોવાને કારણે વાત વાતમાંથી વાતો જામી અને  પ્રફુલભાઈના ફળદ્રપ ભેજામાં ‘કચ્છ ફાઈલ’નું  અંકુર ફૂટ્યું.  ન માત્ર મને પણ કચ્છના લોકોને તો ઠીક પત્રકારોને પણ અત્યાર સુધી ખબર નથી એવી ધણી રસપ્રદ, ચોંકાવનારી, થરથરાવનારી, આંખ ભીંજવનારી કે આનંદ સાથે આશ્ચર્ય આપનારી બીનાઓ એમની જહેમતને લીધે સામે આવી. આ પ સ્તક માત્ર ભૂતકાળની સત્યઘટનાઓ વાગોળવાની વાત નથી. અત્યાર સૉધી અપ્રગટ રહેલાું અમુક તથ્યો સામે આવ્યા છે. પ્રફુલ્લભાઈની કસાયેલી- સનવડેલી કલમે લખાયેલી આ કહાનીઓ વાચકને મજા કરાવી દે એવી છે". વિપુલભાઈ માને છે‌, " ગુજરાતી સાહિત્યમાં આ કદાચ પ્રથમ જ પ્રયોગ છે. અહીં ન્યુઝ પાછળની જબ્બરજસ્ત સ્ટોરીઓ છે. પત્રકારના જીવનની ઝલક છે, કચ્છ છે, કચ્છન વિશિષ્ટ પત્રકારત્વ છે.  પ્રફુલ્લ શાહ અવારનવાર કહે કે એમ મુંબઈ, દિલ્હીની જેમ એના પત્રકારત્વ પણ અલગ છે.  દેશના સૌથી મોટા, ત્રણ-ત્રણ સરહદથી જોડાયેલા જિલ્લા કચ્છના પત્રકારત્વની તો વાત જ અલગ છે જે પ્રફુલ શાહે બખૂબી ઉજાગર કર્યું છે". 

કચ્છના સન્માનિય પીઢ પત્રકાર અને માજી તંત્રી કીર્તિ ખત્રીએ 'કચ્છ ફાઈલ' રૂપે કચ્છના પત્રકારત્વમ પર આધારિત ડૉક્યુ નોવેલ મળવાનને હૃદયપૂર્વક આવકારતા કહ્યું, " છેલ્લા ત્રણ-ચાર દાયકા દરસમયાન બનેલી જુદી જુદી સત્ય ઘટનાઓનું શંશોધનાત્મક પૃથ્થકરણ કરીને વિપલ વૈદ્યે પત્રકારની હેસિયતથી જે લખ્યું છે તેને સાંકળીને લેખક પ્રફુલ શાહે સળંગ નવલકથામાં ઢાળીને કમાલ કરી છે.  જે તે સમયનું  કચ્છ, એની સંસ્કૃતિ, સમાજ જીવન, માનવસેવા કે ગુનાખોરી સહિતનાં વિવિધ પાસાં ઉપસી આવે છે.  આ પ્રકારે કચ્છનું દસ્તાવેજીકરણ પ્રથમવાર પ્રગટ થયુઊ છે.  હું જે ન કરી શક્યો તે વિપુલભાઈ સાથે મળીને પ્રફુલ શાહે કર્યું છે તે બદલ અભિનંદન આપવાની સાથે સાથે સૌ વાચકો તેને વધાવી લે એવી શુભેચ્છા". 

અમદાવાદના નવભારત સાહિત્ય મંદિર દ્વારા ટૂંક સમયમાં યોજાનારા વિમોચન સમારંભમાં પ્રગટ થનારી ડૉક્યુ નોવેલ 'કચ્છ ફાઇલ'માં છે શું? 

* કચ્છના પીઢ પત્રકાર-માજી તંત્રી તથા કથા-નાયક વિપુલ વૈદ્યના ચાર દાયકાના પત્રકારત્વના ભાથામાંથી કલ્પનાતીત રોમાંચક ઘટનાઓ

* રણમાં શસ્ત્રો સાથે પકડાયેલા ઊંટને મુશર્રફનું નામ કેમ અપાયું?

* કચ્છના પહેલા પોલીસ એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટે સુધી કેમ ખેંચાયો?

* હાજી પીરમાં પકડાયેલા પાગલે બહુ પજવ્યા પછી કયું સ્ફોટક રહસ્યોદઘાટન કર્યું?

* કચ્છની પ્રથમ રાજકીય હત્યા શા માટે થઇ?

* ભયંકર ભૂકંપ બાદ માનવતાના છપ્પનિયા દુકાળના કલ્પનાતીત આફ્ટરશૉકમાં  શું હતું?

* એક સિક્યોરિટી ઑફિસરે કેવી ગજબનાક રીતે કરી સોનેરી છેતરપિંડી?