શું ગુજરાતના 13 IAS ઓફિસર ચૂંટણીલક્ષી બદલીમાંથી રહી ગયા કે..? જાણો શું કહે છે મુખ્ય ચૂંટણી અધિકારી

ચૂંટણીમાં જોડાયેલા શિક્ષણ વિભાગના હજારો કર્મચારીના બોસ ન બદલાય તો અસર ન થાય ?

શું ગુજરાતના 13 IAS ઓફિસર ચૂંટણીલક્ષી બદલીમાંથી રહી ગયા કે..? જાણો શું કહે છે મુખ્ય ચૂંટણી અધિકારી

WND Network.Gandhinagar :- ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં અધિકારીઓની બદલીને મુદ્દે ગુજરાત સરકાર અને ભારતીય ચૂંટણી પંચ વિવાદમાં સપડાઈ ચૂક્યું છે ત્યારે એક વિગત એવી પણ સામે આવી છે કે, સચિવાયલમાં કામ કરતા 13 IAS ઓફિસર એવા છે જેમને એક જ જગ્યાએ ત્રણ કે તેથી વર્ષ થઈ ચુક્યા છે. અને તેમ છતાં તેમને બદલવામાં આવ્યા નથી. જેમાં કેટલાક તો એવા છે જેમને એક જગ્યાએ પાંચ વર્ષ થયા છે.  

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ટ્રાન્સફરને મામલે મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા, DGPને આ અંગે નોટિસ આપવામાં આવી ચુકી છે. અને એટલે જ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થાય તેના એક દિવસ પહેલા પણ કેટલીક બદલીઓ કરવામાં આવી હતી. 

ત્રણ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ હોય તેવા 13 IAS અધિકારી છે. જેમાં ગુજરાત વેર હાઉસ કોર્પોરેશનના એમડી સંજય નંદન ફેબ્રુઆરી-2018થી, વત્સલા વાસુદેવ GIPCLના એમડી તરીકે ઓગસ્ટ-2018થી, નર્મદા વોટર સપ્લાયના ધનંજય દ્વિવેદી ઓગસ્ટ-2019થી, ફૂડ ડિપાર્ટમેન્ટના સચિવ એમ.શાહિદ,GSPCના એમડી સંજીવ કુમાર સપ્ટેમ્બર-2019થી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વિનોદ રાવ જુલાઈ-2018થી, ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના મિલિન્દ તોરવણે સપ્ટેમ્બર-2019થી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ સપ્ટેમ્બર-2019થી, એનર્જી ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી એમ.આઈ.પટેલ તો છેક મેં-2017થી, આર.એસ.નિનામા સપ્ટેમ્બર-2019થી, શિક્ષણ વિભાગના ડિરેક્ટર એમ.નાગરાજન ડિસેમ્બર-2019થી, સિવિલ સપ્લાયના તુષાર ધોળકીયા  સપ્ટેમ્બર-2019થી અને ટી.વાય.ભટ્ટ MGVCLના એમડી તરીકે નવેમ્બર 2019થી કાર્યરત છે. 

એક તબક્કે એમ માની પણ લઈએ કે આ અધિકારીઓ ભલે સીધી કે આડકતરી રીતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા નથી. એટલે તેમને ન બદલવા જોઈએ. તેમ છતાં રાજ્ય સરકારના બદલીના નિયમ પ્રમાણે જેઓ ત્રણ વર્ષથી એક જગ્યાએ હોય તેમને બદલવાના હોય છે. જો કે ભાજપની સરકારમાં આવા નિયમોનો ચુસ્ત રીતે અમલ નથી થતો એ અલગ બાબત છે. 

શિક્ષણ વિભાગના હજારો કર્મચારીઓના બોસ ન બદલાય તો અસર ન થાય ? : ચૂંટણી પંચની ગાઈડ લાઈન પ્રમાણે જોવા જઈએ તો અધિકારીઓ સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય તેમને બદલવાના છે. સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી વધુ કર્મચારીઓ શિક્ષણ વિભાગના હોય છે. જેમના બોસ તરીકે આ 13 ઓફિસરમાંથી બે અધિકારી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વિનોદ રાવ જુલાઈ-2018થી અને શિક્ષણ વિભાગના ડિરેક્ટર એમ.નાગરાજન ડિસેમ્બર-2019થી એક જ જગ્યાએ પોસ્ટેડ છે. 

'તેઓ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા નથી એટલે નથી બદલ્યા' : આ અંગે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું ગુજરાત રાજ્યમાં પ્રતિનિધિત્વ કરતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથિનો સંપર્ક કરતા તેમણે  જણાવ્યું હતું કે, આ 13 IAS ઓફિસર ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા નથી. એટલે ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ તેમને ખસેડવામાં આવ્યા નથી.