Kutch : ભુજની ગરબીમાં IASની સાથે દાંડિયા રમતા સાળા સાથે આયોજકોને થઇ બબાલ અને પોલીસને મધરાતે દોડવું પડ્યું...

નવમા નોરતે 'દોઢ ડાહ્યા' આયોજકે નિયમનો હવાલો આપી દાંડિયા ઝુટવ્યા, દશેરાએ બિહાર કેડરના IASએ નિયમ મુજબ રાત્રે 12 વાગ્યે રમવાનું બંધ કરાવ્યું

Kutch : ભુજની ગરબીમાં IASની સાથે દાંડિયા રમતા સાળા સાથે આયોજકોને થઇ બબાલ અને પોલીસને મધરાતે દોડવું પડ્યું...

WND Network.Bhuj (Kutch) : નવરાત્રીમાં આયોજકો પૈકી કેટલાક એવા દોઢ ડાહ્યા થતા હોય છે જેને પરિણામે ગરબા રમનારાઓને તેમની તુમાખીનો ભોગ બનવું પડતું હોય છે. આવું જ કઈંક ઉદાહરણ ભુજમાં આઇયાનગરની ગરબીમાં નવમા નોરતે જોવા મળ્યું હતું. જેમાં મૂળ કચ્છના પરંતુ બિહાર કેડરમાં ફરજ બજાવતા એક સિનિયર IAS પોતાની સોસાયટીમાં આયોજિત ગરબામાં દાંડિયા રમતા હતા. તેમના ઘરે મહેમાન બનીને આવેલા તેમના સાળા પણ તેમની સાથે રમતા હતા ત્યારે આયોજક પૈકીના એક વ્યક્તિએ  સાળા પાસેથી તે બહારનો હોવાનું કહીને દાંડિયા ઝુટવી લીધા હતા. જેન લીધે માથાકૂટ થઇ હતી. બીજા દિવસે આ સિનિયર IASએ પણ નિયમનો હવાલો આપીને રાત્રે 12 વાગ્યે ગરબી બંધ કરવા પોલીસ બોલાવી લેતા છેલ્લા દિવસે મન મુકીને રમી લેવા માંગતા લોકોને બેસી રહેવાનો વારો આવ્યો હતો.

આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, ભુજના આઈયા નગરમાં દર વર્ષની જેમ આ વખતે પણ ગરબા મહોત્સવનું આયોજન થયું હતું. સોસાયટીના નિયમ મુજબ બહારના ને ગરબા ન રમવા દેવા નિયમ બનાવેલો છે. પણ રહેવાસીઓના ઘરે આવેલા મહેમાનોને રમવાની છૂટ હતી. આ દરમિયાન નવમા નોરતે આઈયા નગરમાં મકાન ધરાવતા બિહાર સરકારમાં એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલમાં ડિરેક્ટર તરીકે (Director, Bihar Education Project Council) ફરજ બનાવી રહેલા સચિવ કક્ષાના સિનિયર IAS અધિકારી કાર્તિકેય બુધ્ધભટ્ટી પણ રમતા હતા. તેમના ઘરે મહેમાન બનીને આવેલા તેમના સાળા પણ તેમની સાથે રમવા જોડાયા હતા. IAS અધિકારી કાર્તિકેય ધનજી બુધ્ધભટ્ટી (Bihar Cadre IAS B Kartikeya Dhanji) મૂળ કચ્છના અને વર્ષ 2008ની બેચના બિહાર કેડરના સનદી અધિકારી છે.  

પોલીસ સુત્રોના કહેવા મુજબ આ દરમિયાન આયોજક પૈકી એક બહેનના પતિએ વચ્ચે કુદીને કાર્તિકેય બુધ્ધભટ્ટી પાસે તેમના સોસાયટીના રહેવાસી હોવા અંગે પૂછપરછ કરતા આ સિનીયર IAS અધિકારીએ નમ્રતાથી પોતે સોસાયટીમાં રહેતા ધનજીભાઈ બુધ્ધભટ્ટીના પુત્ર હોવાનું કહ્યું હતું. વળી, આ દોઢ ડાહ્યા ભાઈએ IASના સાળાને પુછ્યું હતું કે તમે ક્યાં રહો છો. એટલે તેમણે પોતે જ્યાં રહે છે તે જગ્યાનું નામ આપ્યું હતું. એટલે તેમના હાથમાં રહેલા દાંડિયા ખૂંચવી લેવામાં આવ્યા.

સુત્રો વધુમાં કહે છે કે, આ સમયે બુધ્ધભટ્ટી પરિવાર ગમ ખાઈને બેસી ગયો. દશેરાના ગરબાનો અંતિમ દિવસ હતો ત્યારે રાત્રે 12 વાગ્યે નિયમ મુજબ ગરબા બંધ કરવાનું કહીને પોલીસ બોલાવી લેવામાં આવતા ફરજીયાત ગરબા બંધ કરવા પડ્યા હતા. છેલ્લે દિવસે રમી લેવા માંગતા અનેકને નિરાશ થવું પડ્યું હતું. ત્યારબાદ બંને પક્ષે લગભગ 2-3 કલાક સુધી માથાકૂટ ચાલી હતી. અને તે દરમિયાન હાથ ઉપાડવાનો બનાવ બન્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.  

એક સિનિયર આઈએએસ અધિકારીના પરિવાર સાથે બનેલી આ ઘટના 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા  IAS અધિકારી કાર્તિકેય બુધ્ધભટ્ટીનો મોબાઈલ ફોન થકી સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા. આઇયાનગરની ગરબીનું જેમના નેજા હેઠળ આયોજન કરવામાં આવે છે તેવા આઈયા નગર મહિલા મંડળના પ્રમુખ કમલબેન તુલસીદાસ જોશીનો પણ સંપર્ક કરીને હકીકત જાણવાનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો ફોન બપોરથી સ્વીચ ઓફ આવતો હતો. પશ્ચિમ કચ્છ ભુજના એસપી મહેન્દ્ર બગડીયા પણ સતત નો રીપ્લાય રહયા હતા. જયારે આ વિસ્તાર જેમની તાબા હેઠળ આવે છે તે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જે.ઠુમ્મરે ઘટના અંગે ચેક કરીને જણાવવાનું કહ્યું હતું. ગરબા દરમિયાન બોલાચાલીની ઘટનાને પગલે દશેરાની રાતે આઇયાનગરની ગરબીમાં દોડી ગયેલા બી ડિવિઝનનાં પોલીસના હેડ કોન્સ્ટેબલ મેઘરાજ ગઢવીએ પોલીસ ઉપર ફોન કોલ આવ્યો હોવાનું જણાવ્યું હતું. બહારથી આવેલા મહેમાનને ગરબે ઘુમવા બાબતે માથાકૂટ થઇ હતી પરંતુ ત્યારબાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું હેડ કોન્સ્ટેબલ મેઘરાજ ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું.