West Kutch Police LCB Raid : SMCની રેડના કલાકોમાં જ પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને 3.64 લાખના દારૂની ખબર પડી !
SMCએ રવિવારે સવારે જ ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1.28 કરોડનો માતબર જથ્થો પકડીને પશ્ચિમ કચ્છ પોલીસનું નાક કાપી નાખ્યું હતું એટલે LCB દારૂ દેખાયો

WND Network.Bhuj (Kutch) : સામાન્ય માણસને પણ ખબર પડી જાય તેવી કામગીરી પશ્ચિમ કચ્છ પોલીસ (West Kutch Police) દ્વારા કરવામાં આવી રહી છે. રવિવારે વહેલી સવારે DGP IPS Vikas Sahayના તાબા હેઠળ કામ કરતા સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC)ની ટીમ દ્વારા 1.28 કરોડનો માતબર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવાની ઘટના બાદ પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Local Crime Branch - LCB)ને પણ 3.64 લાખનો દારૂ મળી આવ્યો હતો. LCBની સત્તાવાર પ્રેસ નોટ મુજબ તેમના ઝાંબાઝ કર્મચારીઓને ભુજના ક્ષેત્રપાળ નામની બિલ્ડીંગ પાસે એક શંકાસ્પદ કાર હોવાની જાણકારી મળી હતી. તપાસ કરી તો ખબર પડી કે, કારમાં તો વિદેશી દારૂની બોટલ્સ પડી છે. રાજસ્થાનથી આવેલી ત્રણ ટ્રક અને ટેન્કરમાં રહેલો કરોડો રૂપિયાનો દારૂ ની જેમને ખબર ન પડી તે ભુજની LCBને શંકાસ્પદ હાલતમાં પડેલી કાર દેખાઈ ગઈ હતી. LCB હાલ તો કાર, તેના માલિક અને દારૂના જથ્થાને લઈને ભુજના એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રવિવારે સવારે જયારે SMC દ્વારા કેરા પાસેથી લિસ્ટેડ બુટલેગરનો 1.28 કરોડનો ઈંગ્લીશ દારૂ પકડ્યો ત્યારથી પોલીસ બેડામાં ચર્ચા હતી કે, કાં તો માનકુવા પોલીસના ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તેમની બદલી કરવામાં આવશે. છેલ્લે કાંઈ નહીં કરવામાં આવે તો કામગીરી દેખાડવામાં આવશે. ત્રણ સંભાવનામાંથી એક સાચી પડી અને સાંજ સુધીમાં LCBએ દારૂ પકડી બતાવ્યો હતો. LCBના ASI નિલેશ ભટ્ટ, અનિરુદ્ધ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ, નવીનભાઈ જોશી અને રણજિત જાડેજાને ભુજના ક્ષેત્રપાલ બિલ્ડીંગ પાસે પડેલી શંકાસ્પદ કારની ખબર પડી ગઈ પરંતુ છેક રાજસ્થાનથી આવેલો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ભુજ શહેરમાંથી કેરા સુધી પહોંચી ગયો ત્યાં સુધી ખબર પડી ન હતી.
પોલીસની પ્રેસનોટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ માલ એટલા માટે પકડાયો કારણ કે LCBના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર PSI જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાદવને આવી પ્રવૃત્તિ અટકાવવાની ઉપરથી સૂચના હતી.
હવે જોવાનું એ રહ્યું કે, સાડા ત્રણ લાખનો માલ પકડ્યાની આડમાં સવા કરોડનો માલ ઝડપાયાની ઘટના ભૂલવાળી દેવામાં આવે છે કે પછી તેમાં પોલીસ અધિકારી કે કર્મચારીની જવાબદારી ફિક્સ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ભુજના SP તરીકે કડક અને પ્રામાણિક IPS વિકાસ સુંડા (IPS Vikas Sunda) ફરજ બજાવી રહ્યા છે એટલે કોઈને છોડવામાં આવશે તે વાતમાં માલ નથી.
નકલી એન્કાઉન્ટરની જેમ નકલી રેડ ? : SMCની રવિવારની રેડ બાદ પશ્ચિમ કચ્છ પોલીસની શાખ સામે સવાલ થઈ રહ્યા હતા. એટલે કોઈપણ ભોગે કામગીરી કરવી જરૂરી હતી તેવું ખુદ પોલીસ બેડાના સૂત્રો દાવસાવરથી દાવો કરી રહ્યા હતા. LCBની સાડા ત્રણ લાખનો દારૂ પકડવાની કામગીરી સામે શંકા થાય છે. કારણ કે, સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે, જે કારમાંથી LCBએ દારૂ પકડ્યો છે તે અજય દેસાઈ નામના વ્યક્તિની છે. આ અજય દેસાઈ ભુજના કુખ્યાત બુટલેગર નવઘણનો નજીકનો વ્યક્તિ છે.