RSS Chief Bhagwat in Kutch : ભુજ રેલવે સ્ટેશને જોવા મળ્યું RSSનું VIP ક્લચર, સામાન્ય લોકો માટેનો ગેટ સંઘના કાર્યકરો ટ્રેનમાં આવતા હોવાથી બંધ કરી દેતા યાત્રી હેરાન થયા
ગુરુવારે ભુજના રિલાયન્સ સર્કલે પણ સંઘની રેલી ટાણે સુરક્ષા દળના વાહનો ફસાયેલા, જવાનોએ રેલી અટકાવી કાફલો કાઢવો પડ્યો
WND Network.Bhuj (Kutch) : સાદગી અને શિસ્ત માટે જાણીતા રાષ્ટ્રીય સ્વયં સંઘ (RSS)માં કચ્છમાં ચાલી રહેલી બેઠક વખતે લોકોને VIP ક્લચર જોવા મળી રહ્યું છે. જે લોકો ટ્રેનમાં કચ્છ-ભુજ આવી રહ્યા છે તે સૌને સંઘના કાર્યકરોના આ VIP ક્લચરના 'વૈભવ'ની અનુભૂતિ ભુજ રેલવે સ્ટેશને થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં સંઘના મોટા નેતાઓથી માંડીને દેશભરમાં પથરાયેલા કાર્યકરો કચ્છમાં આયોજિત બેઠકમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. જેને પગલે રેલવે સ્ટેશને જે બે ગેટથી લોકો અવાર-જવર કરતા હોય છે. તેમાંથી રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસેનો ગેટ 'સંઘના VIP કાર્યકરો માટે જ છે' તેમ કહીને મુસાફરોને અટકાવીને એકાદ કિલોમીટર દૂર આવેલા ગેટથી ધકેલવામાં આવી રહ્યા છે. જેને લીધે વયોવૃદ્ધ અને બીમાર યાત્રીઓને મુશ્કેલી પડી રહી છે. રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસે સંઘના કાર્યકરોને આવકારવા માટે એક મંડપ બાંધવામાં આવ્યો છે. અને અહીં મોટી સંખ્યામાં કારનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભારતમાંથી આવી રહેલા સંઘના કાર્યકરોને ખાસ તૈયાર કરવામાં આવેલા VIP ગેટથી બહાર નીકળીને કારમાં બેસાડીને ઉતારાના સ્થાને મોકલવામાં આવે છે. આમાં મજાની વાત એ છે આ બંદોબસ્ત રેલવે કે પોલીસ દ્વારા નહીં પરંતુ સંઘના શિસ્તબદ્ધ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ભુજમાં માત્ર રેલવે સ્ટેશને જ નહીં પરંતુ ગુરુવારે સવારે રિલાયન્સ સર્કલ પાસે પણ સંઘની રેલીને લીધે પીક અવર્સમાં અહીંથી પસાર થઇ રહેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સામાન્ય લોકોની સાથે સાથે અહીંથી પસાર થતા સુરક્ષા દળના વાહનોને પણ એક તબક્કે અટકાવી દેવામાં આવતા જવાનો ગુસ્સે ભરાયા હતા. અને સંઘની રેલીને વચ્ચેથી અટકાવીને તેમના વાહનોને પસાર કરવાની ચીમકી આપતા માંડ તેમને રસ્તો મળ્યો હતો.
કચ્છમાં ભુજ ખાતે લગભગ વીસેક હજાર જેટલા (RSS) સંઘના કાર્યકરો તેમના મોટા નેતાઓ સાથે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંઘના સર સંઘચાલાક મોહન ભાગવત (Mohan Bhagwat) સહીતના તેમના કાર્યકરની સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભુજ આવી રહ્યા છે. સંઘની સાદગીનો દેખાડો કરવા માટે આ તમામ લોકો હવાઈ કે મોટર માર્ગે કચ્છમાં આવવાને બદલે ટ્રેનમાં ભુજ આવી રહ્યા છે. જેને પગલે દિવાળી ટાણે સામાન્ય લોકોને ટિકિટ પણ નથી મળી રહી. અને જો ટિકિટ મળી જાય તો ભુજ સ્ટેશને ઉતારતા જ વહેલી સવારે VIP ગેટને પગલે લાંબી મોર્નિંગ વોક કરવી પડી રહી છે.
સંઘના હોસબોલેની સાદગીને કાળી ટીલી લાગી : એવું નથી કે સંઘના તમામ લોકોને VIP ક્લચરનો એરૂ આભડી ગયો છે. અમુક એવા પણ છે જેઓ હજુ પણ સાદગી અને શિસ્તને વરેલા છે. એક તરફ જયાં સામાન્ય લોકોને સંઘના કાર્યકરોના VIP ક્લચરનો 'વૈભવ' નડી રહ્યો છે ત્યાં ગુરુવારે સવારે ટ્રેનમાં ભુજ રેલવે સટેશને પધારેલા નેતા દત્તાત્રેય હોસબોલેની સાદગીનો પણ પરિચય થયો હતો. રેલવે સ્ટેશને વૃદ્ધ દંપત્તિને જોઈને તેમણે તેમનાં કાર્યકરોને આ દંપત્તીનો સામાન ઉઠાવીને બહાર સુધી પહોંચાડવાની સૂચના આપી હતી. જો આ વખતે મીડિયાના લોકો ઉપસ્થિત હતા એટલે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે, આ તેમની આ દિલેરી ફક્ત તે વૃદ્ધ દંપત્તિ માટે જ હતી કે સૌ સામાન્ય લોકો માટે. જે હોય તે પરંતુ સંઘનો કચ્છ ખાતેનો આ મેળાવડો લોકોને વિચારતા કરી દે તેવો છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ સંઘની બેઠકમાં 'હાજરી' લગાવી : નેશનલ લેવલે યોજાઈ રહેલા સંઘના આ કાર્યક્રમમાં RSSના મુખિયા મોહન ભાગવત સહિતના લોકો ત્રણેક દીવસથી કચ્છમાં આવી ચુક્યા છે. આજે શુક્રવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ ખાસ, સંઘના આ કાર્યક્રમમાં હાજરી લગાવી હતી. તેઓ મોહન ભાગવતને પણ મળ્યા હતા. સૌને જાણે છે કે, RSS ભાજપની થિન્ક ટેન્ક સમાન છે. એટલે જ સીએમ ભુપેન્દ્ર પટેલને છેક ગાંધીનગરથી મોહન ભાગવતને મળવા માટે ખાસ ભુજ આવવું પડ્યું હતું.