Kutch BJP : ઓચિંતી બોલાવાયેલી સેન્સ મિટિંગમાં 18 ભાજપીએ ટિકિટ માટે દાવો કર્યો, જાણો ભાજપના કયા નેતા-કાર્યકરને લોકોની સેવા માટે સંસદ સભ્ય બનવું છે
ચાલુ સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત માજી સાંસદ પૂનમબેન જાટ સહીત નગર સેવકો, મોરચાના પ્રમુખો, પૂર્વ પદાધિકારીઓએ ને પણ જોઈએ છે સંસદમાં જવાની ટિકિટ
WND Network.Bhuj (Kutch) : jભારતના ચૂંટણી પંચ કરતા પણ જાણે કે ભાજપને લોકસભા ચૂંટણી કયારે યોજાવાની છે તેની ખબર પડી ગઈ હોય તેમ ગુજરાત સહીત સમગ્ર દેશમાં સત્તા પક્ષ ભાજપ દ્વારા લોકસભા ઈલેક્શન માટેની તાબડતોડ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારે ઓચિંતા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સોમવારે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમથી ગુજરાતના શહેરો અને જિલ્લા પ્રમુખોને સાંજે પાંચ વાગે લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર નક્કી કરવા માટેની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છ માટે પણ ભાજપના નક્કી કરેલા પેનલના નેતા પહોચી ગયા હતા. બે ટર્મથી MP તરીકે ચૂંટાઈ આવતા ચાલુ સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત માજી સાંસદ પૂનમબેન જાટ સહીત નગર સેવકો, મોરચાના પ્રમુખો, પૂર્વ પદાધિકારીઓએ તેમનો દાવો રજુ કર્યો હતો. સોમવાર રાત સુધીમાં વીસેક ભાજપના લોકોએ ટિકિટ માટેનો દાવો કર્યો હતો. જે દિલ્હીની પાર્લિયામેન્ટ બેઠક સુધીમાં પચાસને પાર કરી જાય તેવું માનવામાં આવી રહ્યું છે.
ભુજમાં વીડી સર્કલ પાસે ભાજપના જુના કાર્યાલય ખાતે ઉભા કરવામાં આવેલી લોકસભા ચૂંટણી માટેની ઓફિસમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર ભાજપના 17 મંડળના આગેવાનોને જ બોલાવવામાં આવ્યા હતા. તાબડ્તોડ બોલાવવામાં આવેલી બેઠકમાં પેનલના લોકો સમક્ષ બારથી તેર લોકોએ તેમની દાવેદારી નોંધાવી હતી. અનુસૂચિત જાતિ માટેની અનામત કચ્છની બેઠકમાં મોરબી વિધાનસભા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. એટલે મિટિંગ પુરી થયા પછી પણ મોડે મોડે આવેલા લોકોએ ભુજના સર્કિટમાં પહોંચી ગયેલી સેન્સ કમિટી સમક્ષ તેમનો દાવો નોંધાવ્યો હતો.
ચાલુ સાંસદ, પૂર્વ MP ધારાસભ્ય સહિતનાઓએ કર્યો છે દાવો : સૂત્રોનું માનીએ તો ભાજપના બંધારણ પ્રમાણે સેન્સ લેવાની પ્રક્રિયા કરવી પડે એટલે માત્ર ખાનાપૂર્તિ કરવાના આશયથી આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. સેન્સ કમિટી સમક્ષ હાલના ચાલુ સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત માજી સંસદ સભ્ય પૂનમબેન જાટ, કચ્છ ભાજપ SC મોરચાના ઉપ-પ્રમુખ પચાણ સંજોટ, માંડવીના વર્ષાબેન કન્નર, ગઢસીસાના નરેશ મહેશ્વરી, ગાંધીધામ નગર પાલિકાના કાઉન્સિલર ચંદ્રિકાબેન દાફડા, કે.સી.રોશીયા, રામ માતંગ, ભુજ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અશોક હાથી, ગાંધીધામના જે.પી.મહેશ્વરી વગેરે ભાજપના લોકોએ હંમેશની જેમ તેમની દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત મંગળવારે પણ ગાંધીનગર ભાજપના કાર્યાલય ખાતે પણ GJ -12 નંબરવાળી ગાડીઓનો કાફલો નજરે પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કચ્છની આ અનામત બેઠક માટે પચાસથી પણ વધુ લોકો લોકસભાની ચૂંટણી લડીને જિલ્લાના લોકોની સેવા કરવા માટે થનગની રહ્યા છે.
મહિલાને ટિકિટ આપવાની અટકળ વચ્ચે કોંગ્રેસમાંથી આવેલા નેતા આશ્ચર્ય સર્જી શકે છે : આમ તો ગુજરાતના 26 સાંસદોમાંથી સૌથી યુવાન એવા કચ્છના હાલના ચાલુ સાંસદ વિનોદ ચાવડા હેટ્રિક મારે તેવી સંભાવના છે. છતાં ભાજપના વર્તુળોમાં એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે, કચ્છ માટે કોઈ મહિલાને ટિકિટ આપવામાં આવે. કચ્છની ગાંધીધામ બેઠકના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને રાજકોટ સેન્સ લેવાની કમિટીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમના નામની ભલામણ કરવામાં આવી હોવાનું પણ સૂત્રો દાવો કરી રહ્યા છે. પૂર્વ સંસદ સભ્ય પૂનમબેન જાટે ભલે દાવો કર્યો છે પરંતુ તેમની પહેલી ટર્મ જ તેમને નડે તેમ છે. આ બધા વચ્ચે મુન્દ્રામાં રહેતા અને ગાંધીધામ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂકેલા કિશોર પિંગલનું નામ પણ નવાજુની કરી શકે તેમ છે. તાજેતરમાં જ તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મુન્દ્રામાં કેસરિયા કર્યા હતા.
કોને ટિકિટ મળશે એ ભાજપના માત્ર બે વ્યક્તિ જ જાણે છે : પોલિટિકલ પાર્ટી તરીકે ભાજપની દેખાવ પૂરતી લોકશાહી સિસ્ટમમાં ભલે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય અને લોકોએ દાવો પણ કર્યો હોય છતાં કોઈ છાતી ઠોકીને એમ ન કહી શકે કે, ટિકિટ કોને મળશે ? આ વાત ભાજપમાં માત્ર બે વ્યક્તિને જ ખબર હોય છે અને તેઓ જ બધુ નક્કી કરતા હોય છે. અને તે જે નામ નક્કી કરશે તેની સામે કોઈનું કશું ચાલવાનું પણ નથી. લોકસભાની 2024ની ચૂંટણી માત્ર કમળના નિશાન અને મોદીના ચહેરા ઉપર લડાશે તે નક્કી છે. એટલે ચૂંટણી સુધી કોઈએ ભાજપની આવી બધી પ્રક્રિયાને દિલ ઉપર લેવી નહીં. બની શકે કે કચ્છ બહારથી પણ કોઈને ટિકિટ મળે અને તેને જીતાડવા માટે ભાજપના ખમતીધર નેતાઓને તેમણે કમાવેલા રૂપિયા સહિતની મહેનત કરવી પડે.
ગાંધીધામને બાદ કરતા મોરબી સહિતની કચ્છની તમામ વિધાનસભા બેઠકથી વિનોદ ચાવડાને સમર્થન : ભાજપના સૂત્રોનું માનીએ તો કચ્છમાં આવેલી છ વિધાનસભા બેઠક અને લોકસભાની ચૂંટણીમાં સમાવેશ થયેલી મોરબી બેઠક ક્ષેત્રમાંથી માત્ર ગાંધીધામને બાદ કરતા તમામ વિધાનસભા ક્ષેત્રમાંથી હાલના ચાલુ MP વિનોદ ચાવડાના સમર્થનમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં કચ્છ ભાજપ સંગઠનની રીતે જોવા જઈએ તો 17 મંડળનો સમાવેશ થાય છે. સેન્સની પ્રક્રિયા માટે જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં આ 17 મંડળના 120 લોકોનો સમાવેશ થતો હતો.