કચ્છ RTO કચેરીના કહેવાતા ભ્રષ્ટ આચરણને મુદ્દે વોટ્સએપ ગ્રુપમાં બબાલ, કલેક્ટરે વચ્ચે પડી મામલો શાંત કર્યો, જાણો શું હતું સોસીયલ મીડિયા ગ્રુપમાં...
ઓવરલોડને મુદ્દે પૂર્વમંત્રી વાસણ આહીરના પુત્ર-ટ્રાન્સપોર્ટ અગ્રણીએ ઓવરલોડનો વિડિઓ પોસ્ટ કરતા મામલો બિચકેલો
WND Network.Bhuj (Kutch) : કચ્છની ભુજમાં આવેલી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ- RTO) છેલ્લા કેટલાય સમયથી તેની કામગીરી અને તેના કહેવાતા પ્રામાણિક અધિકારીઓની વિવાદાસ્પદ હરકતોને કારણે સતત ચર્ચામાં રહી છે. તેવામાં રવિવારે એક ન્યૂઝ ગ્રુપમાં બે અખબારના ન્યૂઝ કટિંગને પગલે RTOના એક ઇન્સ્પેક્ટર અને કેટલાક પત્રકારો ઉપરાંત કચ્છના પૂર્વ મંત્રીના દીકરા એવા ટ્રાન્સપોર્ટ અગ્રણી આમને-સામને આવી ગયા હતા. વોટ્સએપ ગ્રુપમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. જેમાં છેવટે તો સરકાર અને કચ્છના તંત્રની બદનામી થતી હોવાને પગલે વોટ્સએપ ગ્રુપમાં ચેટિંગ જોઈ રહેલા કલેક્ટરે તપાસની ખાતરી આપવામાં આવતા મામલો માંડ શાંત થયો હતો.
સમગ્ર મામલાની શરૂઆત વોટ્સએપના એક ન્યૂઝ ગ્રુપમાં 'દિવ્ય ભાસ્કર'ની કચ્છ એડિશનમાં આવેલા એક ન્યૂઝ કટિંગને પગલે થઈ હતી. જેમાં ભુજની RTO કચેરીમાં આવેલી એક સ્કૂલ બસનો કેમેરો બંધ હોવા છતાં કેવી રીતે તેને પાસ કરવામાં આવી તેની વિગતો પ્રસિદ્ધ થઈ હતી. પોતાની કચેરીની ખામી દર્શાવતો અખબારી રિપોર્ટ જોઈને દેસાઈ નામના RTO ઈન્સ્પેક્ટરે જિલ્લા કક્ષાના અખબાર 'કચ્છમિત્ર'માં આવેલા એક ન્યૂઝની કટિંગ પોસ્ટ કરી દીધી હતી. જેમાં કચ્છમાં ઓવરલોડ સામે RTO કેવી સારી કામગીરી કરી રહ્યું છે તે અંગેનો અહેવાલ પબ્લિશ કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી તો ગ્રુપમાં રહેલા મોટાભાગના પત્રકારોએ RTOની કહેવાતી નબળી અને ભ્રષ્ટ કામગીરી અંગેની પોલ ખોલવાનું શરુ કરી દીધું હતું. સમગ્ર મુદ્દો ત્યારે વધુ ગરમ બન્યો હતો જયારે તેમાં કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના દીકરા એવા ટ્રાન્સપોર્ટ અગ્રણીએ ઓવરલોડનો લાઈવ વિડિઓ પોસ્ટ કરીને કચ્છ RTO કચેરીની પોલ ખોલી દીધી હતી. વોટ્સએપના આ ગ્રુપમાં પત્રકારો, કચ્છના પોલિટિશિયન સહીત કચ્છ કલેક્ટર અને અન્ય અધિકારો પણ મેમ્બર છે. એટલે સ્વાભાવિક છે કે RTO કચેરીનું ભોપાળું બહાર આવતા તેમને નીચા જોવાનો વારો આવ્યો હતો. પરિસ્થિતિ પામી જઈને આખરે જયારે કચ્છના કલેક્ટર દિલીપ રાણાએ સમગ્ર મામલે 'Ok i will c tnx' પોસ્ટ કરી ત્યારે મામલો માંડ શાંત થયો હતો.
જો કે એક વાત તો હવે સાફ થઈ થઇ ગઈ છે કે, કચ્છની RTO કચેરીના કેટલાક અધિકારીઓ અમુક રાજકારણીઓ તેમજ કેટલાક પત્રકારોને ખરીદી લઈને એટલી હદે બેફામ બન્યા છે કે, તેમને ગાંધીનગરથી આવતી તપાસની કે મીડિયામાં આવતા તેમનાં અહેવાલ અંગે બીક પણ લાગતી નથી.
કચ્છ સૌથી મોટો જિલ્લો છે એટલે ઓવરલોડની કામગીરી વધુ જ થાય, એ પ્રામાણિકતાનું માપદંડ નથી :- કોઈપણ સરકારી કચેરી કે અધિકારીની કામગીરીને આધારે નક્કી થતું હોય છે કે તેઓ કેટલા કાર્યક્ષમ અને પ્રામાણિક છે. જેમ પોલીસ ગમે એટલા દારૂ-જુગારના દરોડા કરે તો એનો અર્થ એ નથી થતો કે, આ બદી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે અને તમામ પોલીસ કર્મચારીઓ પ્રામાણિક થઈ ગયા છે. વળી આવા ભ્રષ્ટ આચરણ કે અંડર ટેબલ વ્યવહારોની કોઈ રસીદ પણ આપવામાં આવતી હોતી નથી. આવું જ કઈંક કચ્છની RTO કચેરીના મામલામાં પણ બન્યું છે. કેટલાક અખબાર અને તેના પત્રકારોને રૂપિયા આપી RTO કચેરીના કેટલાક અધિકારો તેમની વાહવાહી થાય તેવા ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ કરાવે છે. અને આવા ન્યૂઝ રિપોર્ટના કટિંગને હાથો બનાવીને સોસીયલ મીડિયા ગ્રુપમાં કૂદાકૂદ કરે છે. હકીકતમાં જોવા જઈએ તો કચ્છ રાજ્યનો સૌથી મોટો જિલ્લો હોવાને કારણે સ્વાભાવિક રીતે અહીં ઓવરલોડની કામગીરી વધુ થાય છે. અને દંડની રકમ પણ અન્ય જિલ્લા તેમજ મહિનાની સરખામણીમાં વધતી જાય છે. જો ખરેખર સરખામણી જ કરવી હોય તો અન્ય જિલ્લાઓ કરતા કચ્છમાં છેલ્લા છ મહિનામાં કેટલી વખત તપાસ આવી અને તેમાં કોની સામે કેવી ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી તે અંગેની માહિતી કચ્છની RTO કચેરી આપવી જોઈએ. અને જો કચેરી દ્વારા આવી માહિતી આપવામાં ન આવે તો ભેખધારી પત્રકારત્વનું રટણ કરનારા સ્માર્ટ પત્રકારોએ તેની ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરવી જોઈએ. પરંતુ એવું થતું નથી.
ટ્રાન્સપોર્ટ અગ્રણીનો વિડિઓ સાથેનો દાવો, કચ્છ RTOમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે :- વોટ્સએપ ગ્રુપમાં આરટીઓ કચેરીના અધિકારીઓ તેમજ પત્રકારો સહીત ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ સામને સામને આવી ગયા ત્યારે એક અગ્રણી ટ્રાન્સપોર્ટરે શેખપીર ચોકડી પાસેથી પસાર થતી ટ્રકનો વિડિઓ પુરાવા સ્વરૂપે પોસ્ટ કર્યો હતો. અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના દીકરા એવા ટ્રાન્સપોર્ટ અગ્રણી નવઘણ આહીરે વિડિઓ પોસ્ટ કરીને આક્ષેપ પણ કર્યો કે, કચ્છ આરટીઓ કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. પછી આહીરે એમ પણ પોસ્ટ કરી કે, ગાડીઓ હાજર ન હોય તો પણ પાસ કરી દેવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ, ભુજ RTO દ્વારા 5525 મોડેલવાળી જે 147 ગાડીઓ રિજેક્ટ કરવામાં આવી હતી તેને અંજારમાં કેવી રીતે પાસ કરી દેવામાં આવી તે અંગેની ગર્ભિત પોસ્ટ કરી હતી. અને પછી કલેક્ટરને જવાબ આપવો પડ્યો હતો કે, તેઓ સમગ્ર મામલે તપાસ કરાવશે.
Web News Duniya