LICને મહિના પહેલા જયાં અદાણી ગ્રુપમાં કરોડોનો નફો મળતો હતો ત્યાં હવે ચાર હજાર કરોડનું નુકશાન
હિંડનબર્ગના રિપોર્ટ પછી નુકશાનની થયેલી સંભાવના સાચી પડી, સરકાર મૌન
WND Network.Bhuj (Kutch) : અદાણી ગ્રુપની કહેવાતી શેલ કંપનીઓ તેમજ આર્થિક ગોટાળાઓનો પર્દાફાશ કરતા હિંડનબર્ગના અહેવાલને એક મહિનો થઈ ગયો છે. આ એક મહિના દરમિયાન સરકાર દ્વારા વિપક્ષના હોબાળા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ માર્કેટ જે રીતે રિએક્ટ કરી રહ્યું છે તેને પગલે અદાણી ગ્રુપ અને ભાજપની કેન્દ્ર સરકારને કોઈ અસર થઈ કે નહીં તેની તો ખબર નથી. પરંતુ દેશના કરોડો લોકો જેમાં વિશ્વાસ મૂકીને તેમની માયાની મૂડીનું રોકાણ કરે છે તેવી સરકારી સંસ્થા લાઈફ ઈંશ્યોરેંસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ને ચાર હજાર કરોડ રૂપિયાનું નુકશાન ચોક્કસ થયું છે.
એક મહિના પહેલા જયારે હિંડનબર્ગનો અહેવાલ આવ્યો ત્યારે એવો દાવો થઈ રહ્યો હતો કે, દેશના સામાન્ય લોકો જેમાં રોકાણ કરે છે તેવા LICને અદાણી ગ્રુપના શેર્સમાં રોકાણ કરવાથી નુકશાન નથી. એટલે લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ માત્ર એક મહિનામાં જયાં એલઆઇસીને 42 હજાર કરોડનો ફાયદો થતો હતો તેમાં હવે ચાર હજાર કરોડનું નુકશાન થઈ રહ્યું છે. મતલબ કે, જે ભાવે LIC દવારા અદાણી ગ્રુપના શેર્સ ખરીદવામાં આવ્યા હતા તે ભાવથી નીચે શેર્સના ભાવ આવી ગયા છે. 'ગુજરાત સમાચાર'માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે એલએસી દ્વારા કરવામાં આવેલા 30,172 કરોડના રોકાણનું મૂલ્ય 24મી જાન્યુઆરીએ 72,194 કરોડ હતું તે ગબડીને હવે 26,200 કરોડ ઉપર આવી ગયું છે. એટલે કે ખરીદ કિંમત કરતા પણ નીચે આવી ગયું છે. એલઆઇસી દ્વારા અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ સેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ કંપનીમાં જે રોકાણ કરવામાં આવ્યું હતું તેમાં 26,201.88 કરોડનું નુકશાન હાલ થયું છે. જો માર્કેટ હજુ પણ નીચે જાય તો આ આંકડો વધી શકે છે.
જેને પગલે દેશના કરોડો લોકોને અબજો રૂપિયાની જીવન વીમા પોલિસીઓ લેવા આકર્ષતી ભારતની સૌથી વીમા કંપની એલઆઇસી ખુદ પોતાના રોકાણ કરવાના નિર્ણયમાં થાપ ખાઈ જતા ખોટના ખાડામાં ખાબકવા લાગી છે. અને હજુ કેટલું નુકશાન થશે એ સોમવારે બજાર ખુલશે ત્યારે ખબર પડશે. એક અંદાજ મુજબ અદાણી ગ્રુપના કહેવાતા આર્થિક ગોટાળા અંગેના હિંડનબર્ગના રિપોર્ટ પછી ભારતના લોકોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે.
મીડિયાને અદાણીનું રિપોર્ટિંગ કરતા રોકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી :- હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી સમૂહની આર્થિક સ્થિતિ ઉપર પ્રશ્નો થવા લાગ્યા ત્યારે મીડિયા આ અંગેનું રિપોર્ટિંગ ન કરે તેવી માંગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે, અમે (કોર્ટ) મીડિયા ઉપર આવી કોઈ પાબંદી ન લગાવી શકીએ. મીડિયા સનસનાટી મચાવે તેવા દાવાને પણ કોર્ટે ફગાવીને વાજબી તર્ક રજુ કરવાની તાકીદ કરી હતી. અગાઉ જયારે ફોર્બ્સ દ્વારા અદાણી ગ્રુપનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી. અને કોર્ટે તેને પણ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, મીડિયા ક્ષેત્રે અદાણી ગ્રુપ દ્વારા રોકાણ કરવા ઉપરાંત કોર્પોરેટ લેવલે સારા સંબંધ છે. માત્ર એટલું જ નહીં પરંતુ કચ્છના જિલ્લા કક્ષાનું અખબાર 'કચ્છમિત્ર' જે ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી છે તેમાં તો ગૌતમભાઈ અદાણીના ભાઈ પ્રણવભાઈ અદાણી થોડા સમય પહેલા ટ્રસ્ટી તરીકે નિયુકત કરવામાં આવેલા છે.