ભારતના ઘઉંને લઈને UAEનો મહત્વનો નિર્ણય, જાણો કેમ થઈ રહી છે આટલી ચર્ચા...
આગામી ચાર મહિના સુધી ભારતમાંથી ખરીદાયેલ ઘઉં કે તેને સંબધિત અન્ય ચીજ વસ્તુ કોઈને વેચશે નહીં..
વેબ ન્યૂઝ દુનિયા.દિલ્હી : સંયુક્ત આરબ અમીરાત (UAE)એ બુધવારે એવો નિર્ણય લીધો છે કે, તેમનો દેશ આગામી ચાર મહિના સુધી ભારતમાંથી ખરીદાયેલ ઘઉં કે તેને સંબધિત અન્ય ચીજ વસ્તુ કોઈને વેચશે નહીં. UAE ના આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પ્રતિબંધ 13 મે 2022 થી અમલમાં આવશે અને ઘઉં, ભારતીય ઘઉંમાંથી બનેલા લોટ અને તેની તમામ જાતો પર લાગુ થશે.
UAEએ તેના નિર્ણય પાછળ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણભૂત ગણાવી છે. જો કે, અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારત નથી ઈચ્છતું કે દુબઈ કે અબુ ધાબી તેના મોકલેલા ઘઉંને અન્ય દેશોમાં લઈ જવાય. આ અહેવાલમાં એક મહત્વપૂર્ણ સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'ભારત નથી ઈચ્છતું કે તેણે દુબઈ અથવા અબુધાબીમાં જે અનાજ કે ઘઉંની નિકાસ કરી છે તે અન્ય કોઈ દેશને આપવામાં આવે. ભારત ઈચ્છે છે કે તેનો સ્થાનિક રીતે વપરાશ થાય." ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ભારત આ દેશોને તેના બદલામાં ઘઉંની નિકાસ પરના નિયંત્રણોની યાદીમાંથી બહાર રાખવા માટે તૈયાર છે.