'ગ્રેટ ઇન્ડિયન તમાશા કંપની' એ ગેરન્ટી આપી, 'ગ્રેટ ઇન્ડિયન નૌટંકી' કંપનીએ 150 કરોડની લોન લીધી - અને ફસાઈ ગઈ ત્રણ મોટી બેન્ક, જાણો શું છે સમગ્ર ઘટના...
મામલો ત્યારે સામે આવ્યો જ્યારે IDBI બેંકે ગ્રેટ ઈન્ડિયન તમાશા નામની કંપનીની પ્રોપર્ટીની ઈ-ઓક્શન અંગે જાહેર નોટિસ અખબારમાં પ્રસિદ્ધ કરાવી
WND Network. Delhi :- સામાન્ય રીતે મારા તમારા જેવા કોમન મેન હોમ લોન કે અન્ય કોઈ પ્રકારની લોન લેવા માટે બેંકમાં જઈએ છે ત્યારે બેન્ક એટલા બધા કાગળો અને દસ્તાવેજો માંગે કે પરસેવો છૂટી જાય. અને તેમાંય વળી જો તમારા સિબિલ રિપોર્ટમાં સહેજ પણ વાંધાજનક લાગે તો બેન્ક લોન આપવાનો ધરાર ઇન્કાર કરી દેતી હોય છે. પરંતુ મોટી મોટી કંપનીઓ જયારે બેન્કોમાંથી લોન લેતી હોય છે ત્યારે આવું નહીં થતું હોય. કારણ કે બેન્કોને કરોડો અબજો રૂપિયામાં ડુબાડનારા સામાન્ય લોકો નહીં પરંતુ મોટી કંપનીઓ કે ઉદ્યોગપતિઓની સંખ્યા મોટી છે. આવો જ એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 'ગ્રેટ ઈન્ડિયન નૌટંકી કંપની'એ ત્રણ અલગ-અલગ બેંકમાંથી લોન મેળવીને તેની ભરપાઈ ન કરી. તેની ગેરેન્ટી આપનારી કંપનીનું નામ છે 'ગ્રેટ ઇન્ડિયન તમાશા કંપની. સમગ્ર પ્રક્રિયામાં બેન્કના અધિકારીઓની શું મીલીભગત છે તેની તપાસ ચાલી રહી છે. પરંતુ બંને કંપનીના નામને લઈને હાલ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
છાપામાં નોટીસ આવતા મામલો બહાર આવ્યો :- આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે IDBI બેંકે ગ્રેટ ઈન્ડિયન તમાશા નામની કંપનીની પ્રોપર્ટીની ઈ-ઓક્શન અંગે જાહેર નોટિસ અખબારમાં પ્રસિદ્ધ કરાવી હતી. જ્યારે કોઈ કંપની (ગ્રેટ ઈન્ડિયન નૌટંકી કંપની) ડિફોલ્ટ કરે છે, અથવા લોન ચૂકવતી નથી, ત્યારે બાંયધરી આપનાર કંપનીએ તે લોનની ચુકવણી કરવી પડતી હોય છે. આ કેસમાં બાંયધરી આપનાર કંપનીનું નામ ગ્રેટ ઈન્ડિયન તમાશા કંપની છે. એટલે પ્રશ્ન એ થાય છે કે, શું બેન્કોએ લોન આપતી વખતે નામ ઉપર ધ્યાન નહિ આપ્યું હોય ?
IDBI, HDFC અને બેન્ક ઓફ બરોડાએ આપી છે 150 કરોડની લોન : ગ્રેટ ઇન્ડિયન નૌટંકી કંપનીએ IDBI બેંક પાસેથી 86.48 કરોડ રૂપિયાની લોન લીધી છે. HDFC બેંક પાસેથી 6.26 કરોડ અને બેંક ઓફ બરોડા પાસેથી પણ 49.23 કરોડની લોન લેવામાં આવી છે. જેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ ઉમેરવાની બાકી છે. IDBI બેંકની નોટિસ મુજબ, 1 મેના રોજ IDBI બેંકની બાકી રકમ રૂ. 92.69 કરોડ હતી. લોનના ફોર્મમાં અનુમોદ શર્મા, અનુ અપ્પૈયા, વિરાફ સરકાર અને સંજય ચૌધરી, એસજી ઇન્વેસ્ટમેન્ટ્સ, ગ્રેટ ઇન્ડિયન તમાશા કંપની અને વિઝક્રાફ્ટ ઇન્ટરનેશનલ એન્ટરટેઇનમેન્ટનો ડિરેક્ટર - ગેરેન્ટર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આઈડીબીઆઈ બેંકે 2021માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચમાં ગ્રેટ ઈન્ડિયન નૌટંકી કંપનીની ગેરેન્ટર કંપની વિઝક્રાફ્ટ ઈન્ટરનેશનલ એન્ટરટેઈનમેન્ટ સામે નાદારીની અરજી દાખલ કરી હતી. કારણ કે તે તેની કોર્પોરેટ ગેરંટીનો ઉપયોગ કર્યા પછી લેણાં વસૂલવામાં સક્ષમ ન હતી.
Web News Duniya