Off The Record : કેન્દ્રની મોદી સરકાર જાય છે ? દિલ્હીથી શરુ થયેલી ચર્ચા હવે ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી, પહેલા તો એમ લાગ્યું કે CM દાદા બહુ કડક છે, હવે ખબર પડી કે...
ચર્ચાસ્પદ મંત્રી બચુભાઈ ખાબડથી ભાજપની રાજ્ય સરકાર ડરે છે ?, ચાર્જ ઉપર ચાલતો રાજ્યનો વહીવટ, રિસ્ક લેવાનું તો ઠીક રૂટિન કામ પણ નથી કરતા IAS અધિકારીઓ, રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record ચર્ચાઓ

કેન્દ્રની મોદી સરકાર જાય છે ? દિલ્હીથી શરુ થયેલી ચર્ચા હવે ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી :
પહેલા તો એમ લાગ્યું કે CM દાદા બહુ કડક છે, હવે ખબર પડી કે કોઈ ગાંઠતું જ નથી : લોકોની સમસ્યાઓને લઈને દર મહિને ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવતા રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા અવાર નવાર કલેક્ટર કક્ષાના અથવા તો સચિવ લેવલે IAS અધિકારીઓને ખખડાવવામાં આવે છે. લોકોને ફરિયાદ લઈને છેક ગાંધીનગર લાંબા થવું પડે છે તેને જોઈ મૃદુ પણ મક્કમ માનવામાં આવતા CM દાદા નારાજ રહે છે. છેલ્લા કેટલાય સમયથી દાદા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર - કમિશનર કે સચિવને રીતસરના ધમકાવે છે. પહેલા તો દાદાનો ગુસ્સો જોઈને એમ લાગ્યું કે, વર્ષો પછી ગુજરાતને એવા CM મળ્યા છે જે લોકોની સમસ્યા પ્રત્યે ખુબ જ સભાન અને સંવેદનશીલ છે. પરંતુ બીજી બાજુ CMનો ગુસ્સો કે નારાજગી ને જોવા છતાં દર વખતે સ્વાગત કાર્યક્રમમાં કોઈક ને કોઈ IAS ગંભીર ભૂલ કે બેદરકારી બદલ અચૂક ઝડપાઇ જાય છે. જેનો અર્થ એમ પણ કરી શકાય કે, દાદા ભલે ગુસ્સે થાય પણ તેનાથી IAS અધિકારીઓને કોઈ ફરક પડતો નથી, અને આ બાબત અતિ ગંભીર કહી શકાય. સ્વાગત કાર્યક્રમને આખા રાજ્યમાં ઓનલાઇન જોવામાં આવે છે છતાં જો અધિકારીઓને કોઈ ફરક ન પડતો નથી.
ચર્ચાસ્પદ મંત્રી બચુભાઈ ખાબડથી ભાજપની રાજ્ય સરકાર ડરે છે ? : લાંબા સમયથી ભ્રષ્ટાચારને મુદ્દે ચર્ચામાં રહેનારા ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રાજ્ય કક્ષાના મિનિસ્ટર બચુભાઈ ખાબડ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે વિધાનસભાના સત્ર દરમિયાન તેમને જવાબદેહીમાંથી બાકાત કરવાની ભાજપ સરકારની જાહેરાતને લીધે ચર્ચામાં રહ્યા છે. સમયાંતરે ભાજપ ટેસ્ટિંગ કરે છે કે, લોકો અને ગુજરાતનું મીડિયા બચુ ખાબડની વાત ભૂલી ગયા છે કે કેમ. એટલે અમુક વખત તેમને જાહેરમાં આવવાનો 'ચાન્સ' આપે છે તો કોક વખત બાકાત કરી નાખે છે. આટલું બધુ કરે છે પણ ખાબડને રાજ્યના મંત્રી મંડળમાંથી દૂર કરવાની હિંમત નથી. થોડા સમય પહેલા દાહોદ ખાતે યોજાયેલા સંપૂણતા અભિયાન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતા વાળા કાર્યક્રમમાં મંત્રી ખાબડને જોઈને એમ લાગ્યું કે, હવે તેમનો સરકારી વનવાસ પૂરો થયો છે. ત્યારબાદ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ તેમની 'ઘેર હાજરી' ઊંડી આંખે વળગી હતી. ધીમે ધીમે મંત્રી તરીકેનો બચુ ખાબડનો રોલ કાપવામાં આવી રહ્યો છે. પણ તેમને મંત્રી તરીકેના હોદ્દા ઉપરથી દૂર નથી કરવામાં આવતા. મતલબ કે, મિનિસ્ટર તરીકેના તમામ સુખ-સુવિધા અને લાભ મેળવે છે. મંત્રી ખાબડ અને ભાજપમા સરકારની આ સંતાકુકડી જોઈએં હાલ તો એમ નથી લાગતું કે, ભાજપ તેમને મંત્રી પદેથી દૂર કરતા ડરે છે ?
ચાર્જ ઉપર ચાલતો રાજ્યનો વહીવટ, રિસ્ક લેવાનું તો ઠીક રૂટિન કામ પણ નથી કરતા IAS અધિકારીઓ : ગુજરાત રાજ્યનો વહીવટ ચાર્જ ઉપર ચાલી રહ્યો છે. જેને લીધે વહીવટની ભાષામાં જેને બોલ્ડ થઈને કામ કરવાનું કે રિસ્ક લઈને કામ કરવાની વાત કહેવાય છે એ તો દૂર રહ્યું પણ રૂટિન કામમાં પણ અધિકારીઓ રસ નથી લઇ રહ્યા. બધાને એમ કે, બદલીઓ આવી રહી છે તો કોઈકનું કામ આપણે શું કામ કરવું, શા માટે રિસ્ક લેવું. પરિણામે IAS ઓફિસર હોય કે તેમના તાબા હેઠળના કર્મચારીઓ રોજબરોજના કામો પણ ટાળી રહ્યા છે. રાજ્યના જિલ્લાઓમાંથી ફાઈલ લઈને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ આવતા જિલ્લા લેવલના ઓફિસર્સને પણ ધક્કા પડી રહ્યા છે. રાજ્યના વહીવટમાં જેનું નામ અને કામ મહત્વનું છે તેવો સામાન્ય વહીવટ વિભાગ (GAD) ચાર્જ ઉપર છે. IAS કમલ દયાનીની નિવૃત્તિ બાદ તેમનો ચાર્જ મહિલા IAS સુનયના તોમરને સોંપવામાં આવ્યો છે. ગૃહ વિભાગનો હવાલો CMOમાં રહેલા IAS મનોજ કુમાર દાસ સંભાળી રહયા છે. IAS જે.પી.ગુપ્તાની નિવૃત્તિ બાદ તેમનો આદિવાસી વિકાસ વિભાગ પણ મહિલા IAS શાહમીના હુસેન પાસે ચાર્જમાં છે. રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એટલે કે ડિઝાસ્ટરનો હવાલો IAS આલોક પાંડેને આપવામાં આવ્યો છે. ગૃહ વિભાગનો હવાલો CMOમાં રહેલા IAS મનોજ કુમાર દાસ સંભાળી રહયા છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ IAS જેનુ દેવન ને દોઢસો કિલોમીટર દૂર વડોદરાથી ગાંધીનગર MGVCLનાં MDનો ચાર્જ સોંપવામાં આવેલો છે. નાણાં વિભાગમાં સચિવ ખર્ચનો હવાલો આરતી કંવર પાસે છે. ગ્રામ વિકાસનો ચાર્જ સંભાળી રહેલા મિલિન્દ તોરવણે નામના IAS અધિકારી પાસે તો GSPCના MDનો ચાર્જ પણ છે. આ બધા વચ્ચે એક વાત એવી પણ ચર્ચામાં છે કે, જે ઓફિસર ટ્રાન્સફર થઈ ગયા છે અથવા તો જે તે વિભાગમાંથી નિવૃત્ત થઇ ગયા છે તેઓ ઘરે બેઠા બેઠા તેમના જુના વિભાગની ફાઈલો ઉપર સહી કરી રહ્યા છે. અને આ વાતથી ચાર્જ સંભાળી રહેલા IAS ઓફિસર પણ શું બે-ખબર હશે ?
ભાજપના કાર્યકરોને હોમગાર્ડ કમાન્ડન્ટ બનાવવાનું ભારે પડી રહ્યું છે : વફાદાર અને પહોંચવાળા ભાજપના કાર્યકરોને જિલ્લા હોમગાર્ડ તરીકે નિયુક્ત કરવાની સત્તા પક્ષ ભાજપની પ્રવૃત્તિના પરિણામ આવવાનું શરુ થઈ ગયું છે. પોલીસ સાથે મળીને જિલ્લા અને શહેરોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ગૃહ રક્ષક દળ એટલે કે માનદ સેવા આપતા હોમગાર્ડમાં રાજ્યમાં જિલ્લા અને કમિશનોરેટ એરિયામાં કમાન્ડન્ટની નિયુક્તિ કરવામાં આવી હતી. દેખાવ પૂરતી જાહેરાત અને અરજી જરૂર મંગાવવામાં આવી હતી પરંતુ દાયકાઓથી ભાજપની રાજ્ય સરકાર પોલિટિકલી કનેકટેડ લોકોને જ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણુંક કરે છે એ વાત જગજાહેર છે. બોટાદના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને દારૂ ભરેલી સરકારી કાર સાથે પોલીસે ઝડપ્યા બાદ ફરીથી આ ભરતી પ્રકિયા સામે સવાલ થઇ રહ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં રહેતા વ્યક્તિને અન્ય જિલ્લામાં કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરતા રોજ લાલ બત્તીવાળી કાર લઈને અમદવાદમાં સીન સપાટા કરતા ભાજપી કાર્યકારથી લઈએ કચ્છ જેવા બોર્ડર ડિસ્ટ્રિક્ટમાં નિયુક્ત થયેલા કમાન્ડન્ટ સામે સવાલો થઈ રહ્યા છે. કોરોના વખતે જયારે લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા ત્યારે ભુજના હમીરસર તળાવમાં ધુબાકા લગાવતા હોમગાર્ડ કમાન્ડન્ટ સામે તો DGPને ફરિયાદ પણ કરવામાં આવી હતી. ભૂતકાળમાં તો કચ્છમાં હોમગાર્ડ કમાન્ડન્ટને જેલભેગા કર્યા હોય તેવી પણ ઘટના બનેલી છે. રાજકીય વગ ધરાવતા કે નેતાઓના ફોલ્ડરીયાઓને કમાન્ડન્ટ બનાવી દેવાને પગલે ખાખી ઉપર દાગ લાગી રહ્યો છે ત્યારે પોલિટિકલી પ્રોટેક્ટેડ હોમગાર્ડ કમાન્ડન્ટને કોણ કંટ્રોલમાં કરશે તે પ્રશ્ન છે.
નંબર વિનાના અને બ્લેક ફિલ્મવાળા વાહન પકડવાની ઝુંબેશનો ફિયાસ્કો, લોકોએ સોસીયલ મીડિયા ઉપર પોલીસને મ્હેણા માર્યા : ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ આમ તો આખા વર્ષ દરમિયાન કામગીરી કરવાની હોય છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરે છે તેવો દેખાડો કરવા માટે અવાર-નવાર અવનવી ઝુંબેશના નામે તાયફા કરવામાં આવે છે. જો કે અમુક દિવસો માટે ચાલતી આવી ઝુંબેશમાં પણ પોલીસની કારીગરી દેખાય આવે છે. તાજેતરમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના DIG નિનામા દ્વારા સમગ્ર રાજ્યમાં નંબર વિનાના અને બ્લેક ફિલ્મવાળા વાહન પકડવાની ઝુંબેશનો આદેશ કરવામાં આવ્યો હતો. સૌ કોઈ જાણે છે કે, સૌથી વધુ નંબર વિનાના અને બ્લેક ફિલ્મવાળા વાહન પોલીસ અધિકારી - કર્મચારીઓના હોય છે. ગાંધીનગરમાં પોલીસ ભવનથી લઈને કમિશનર ઓફિસ, એસપી ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચ, SOGની કચેરી બહાર આવા વાહનો જોવા મળતા હોય છે. પોલીસે ઝુંબેશની શરૂઆત અહીંથી કરવાને બદલે સામાન્ય લોકોને પકડીને કરે છે. આજના સમયમાં સોસીયલ મીડિયા એટલું એક્ટિવ છે કે, લોકો હવે પોલીસને સવાલ કરતા થઈ ગયા છે, ફોટા પાડીને મૂકે છે. મીડિયામાં પણ આવા વાહનોનાં ફોટા સાથેના ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ થયા છે. એક બે દિવસ પૂરતી કામગીરી કરીને આંકડા તેમજ ફોટા અખબારોની કચેરીને મોકલી સંતોષ માની લેવામાં આવે છે. કાયદો - નિયમ પાળવો એ સૌ કોઈની ફરજ છે પણ બેવડા માપદંડ હોય ત્યારે લોકોનો આક્રોશ જોવા મળે છે. નંબર વિનાના અને બ્લેક ફિલ્મવાળા વાહન પકડવાની ઝુંબેશમાં પણ કઈંક આવું થયું હતું અને લોકોએ પોલીસને મ્હેણા માર્યા હતા.
જર્ક(GERC) માંથી વિદાયના ત્રણ દિવસ પહેલા IAS અનિલ મુકીમ ગ્રીન એનર્જી સેકટરને ફાયદો થાય તેવો મોટો નિર્ણય કરતા ગયા :
હપ્તો લેતા કોન્સ્ટેબલ પાસેથી પણ ભાગ માગી લેતા IPS ઓફિસર : ગુજરાતના એક જિલ્લામાં ફરજ બજાવતા અને તાજેતરમાં થયેલી ટ્રાન્સફરમાં પણ જિલ્લા SP તરીકે પોસ્ટિંગ મેળવનારા એક ગુજરાતી IPSની કામગીરીથી ઓફિસર લેવલે તો ઠીક કોન્સ્ટેબલ કક્ષાએ પણ ગણગણાટ થતો રહે છે. જિલ્લામાં જો કોઈ જગ્યાએથી હપ્તો લેવામાં આવ્યો હોય તો આ ગુજ્જુ IPSને તરત ખબર પડી જાય છે. આવી ટિપ્સ લેવા માટે તેમણે ત્રણેક વ્યક્તિને રાખ્યા છે. જે જિલ્લામાં કોણ, કેવી રીતે હપ્તો મેળવે છે તેની બાતમી SP સુધી પહોંચાડે છે. જેવી વાત આ IPS સુધી જાય કે તરત તે પોલીસ ઓફિસર કે કોન્સ્ટેબલને ચેમ્બરમાં બોલાવી તેની કચ્ચા-ચિઠ્ઠા ખોલી નાખવાની બીક બતાવીને તેમાંથી ભાગ પાડી લેવામાં આવે છે. આ IPS મીડિયાને પણ સારી રીતે હેન્ડલ કરીને પેઈડ ન્યુઝ છપાવી દેવામાં પણ માહેર છે. હવે જોઈએ નવા જિલ્લામાં આ સાહેબ શું ગુલ ખીલાવે છે.
ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવશે તો સ્ટેટ એનિમલ સિંહનું શું કરવાનું ? : થોડા દિવસ પહેલા કચ્છના ભુજ ખાતે ભાજપમાંથી સાઈડ લાઈન થઈ ગયેલા એકલધામના દેવનાથ નામના વ્યકિતએ ગાયને રાજ્યમાતા તરીકેનો દરજ્જો આપવા માટે આમરણાંત ઉપવાસ શરુ કાર્ય હતા. કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદમાંથી કોંગ્રેસમાંથી વટલાઈને આવેલા અબડાસાના MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું સમર્થન મળ્યું હતું. અમુક મીટરના અંતરે આવેલા ભુજના MLA પણ તેમને સધિયારો આપવા ગયા ન હતા. દેવનાથની જેમ ગુજરાતના રાજકારણમાંથી જેમનું મહત્વ ઘટાડી દેવામાં આવ્યું છે તેવા VHPના પ્રવિણભાઈ તોગડીયા મળવા ગયા હતા. થોડા મહિનાઓ અગાઉ લેખિતમાં રજૂઆતો કરવા છતાં ગુજરાતની ભાજપની સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની અરજી અંગે કોઈ નિર્ણય ન કરતા દેવનાથને ઉપવાસ ઉપર બેસવું પડ્યું હતું. અને આ વખતે પણ તેમના કહેવા મુજબ ગુજરાત સરકારે તેમને ખાતરી આપી છે એટલે ઉપવાસ છોડી રહ્યા છે. સમગ્ર વાતમાં અમુક વાતો ટેક્નિકલી ગળે નથી ઉતરી રહી. ગુજરાતના સ્ટેટ એનિમલ તરીકે સરકારે એશિયાટિક લાયન એટલે કે સિંહને દરજ્જો આપેલો છે. આ સિવાયના એનિમલને માતા-પિતા જેવા દરજ્જાની વાત ઓફિશ્યલી ક્યાંય નથી. એટલે સવાલ એ છે કે, શું સરકાર સિંહને હટાવીને ગાયને માતાનો દરજ્જો આપશે ? કે પછી સિંહની સાથે ગાયને પણ દરજ્જો આપશે, બે સ્ટેટ એનિમલ રાખશે ? સરકાર,સિસ્ટમ અને સંવિધાનને સમજવાવાળા ને એકનાથના દેવનાથના ઉપવાસ અને સરકારે આપેલી ખાતરીની વાત ગળે નથી ઉતરી રહી. બાય ધ વે, કચ્છના આ પ્રખર રાષ્ટ્રવાદી દેવનાથનું ટવીટર એકાઉન્ટ ભૂતકાળમાં હેક થઈ ગયું હોવાના વિવાદ ઉપરાંત મિતાલી શાહ નામની મહિલાનું નામ રાખીને ફોલોઅર્સ વધારવાનો વિવાદ થયેલો છે. જેમાં જે તે સમયે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની ટીકા પણ કરવામાં આવી હતી. દેવનાથ હિન્દૂ યુવા વાહિનીના ગુજરાતના નેતા છે. આ ઉપરાંત તેઓ અખિલ ભારત સાધુ સમાજના મેમ્બર તથા કચ્છ સંત સમાજના પૂર્વ અધ્યક્ષ પણ છે. તેઓ RSS તથા ભાજપ સાથે સંકળાયેલા છે. તેમણે જે તે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કચ્છમાંથી રાપર બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી હતી. અને ટિકિટ ન મળવાને કારણે તેઓ નારાજ થયા હતા. તેમની આ નારાજગી જાહેરમાં જોવા મળી હતી. જો કે પાછળથી તેઓ માની ગયા હતા. છેલ્લે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી મળેલી સીટને મામલે દેવનાથે ભાજપ IT સેલના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત માલવિયાને પણ ખરી ખોટી સુણાવી દીધી હતી.
રાજ્યમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટર બદલી ચર્ચામાં કેમ છે ? : દસ દિવસ પહેલા ગુજરાતના 118 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એ સામે ચાલીને પોતાની ઈચ્છાથી ટ્રાન્સફર માંગી હતી. જેને સરકારી ભાષામાં પદર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. 118 PSIમાંથી 21 PSIને જાહેર હિતમાં બદલવામાં આવ્યા છે. આ ઓર્ડરમાં મોટાભાગના એવા PSI છે જેમને ત્રણ-ચાર મહિના પહેલા જ બદલવામાં આવ્યા હતા. તેમને ફરીથી તે જ જિલ્લામાં મુકવામાં આવ્યા છે. પ્રથમ નજરે આ હુકમમાં કાંઈ નવું નથી અને આવું અગાઉ પણ થયેલું છે. સાચું ખોટું ભગવાન જાણે પરંતુ આ વખતના હુકમમાં રાજકીય ભલામણ ઉપરાંત વહીવટની કહેવાતી વાતથી આ બદલીનો હુકમ ચર્ચામાં આવ્યો છે.
જેને જે કહેવું હોય તે, સિંચાઈ વિભાગના સેક્રેટરી પી.સી.વ્યાસને રાજ્યની ભાજપની સરકારે ધરાર ઍક્સટેંશન આપ્યું :