Off the Record : ગુજરાત સરકાર હાઈકોર્ટથી પણ ઉપર છે ? સુરતના મ્યુનિ. કમિશનર અને પોલીસના DCP હજુ બદલાયા નથી...
બરતરફ GAS કેડરના કેતકી વ્યાસ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહિલા IAS અવંતિકા સિંહ, પહેલા મોડીયા ગયા, પછી અવંતિકાસિંહ, અતુલ ગોર, મીતા જોશી... હવે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોણ જશે ? રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record વાતો...
ગુજરાત સરકાર હાઈકોર્ટથી પણ ઉપર છે ? સુરતના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસના DCP હજુ બદલાયા નથી : સુરતનું નાસીરાબાદ ડિમોલિશન ગુજરાતની ભાજપ સરકાર માટે કલંક સમાન છે. ગુજરાતની હાઈકોર્ટ દ્વારા સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને સુરત SOGનાં નકુમની ભૂમિકાને લઈને માત્ર આકરી ટીકા જ નહીં પરંતુ હજુ સુધી તેમને કેમ બદલવામાં નથી આવ્યા ત્યાં સુધીની વેધક ટિપ્પણી કરવામાં આવી છે. છતાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. સંભવ છે કે, સરકારે બંધ કવરમાં કોર્ટને તપાસ અંગે જાણકારી પણ આપી હોય. પરંતુ હજુ સુધી તે અંગે પણ વાત બહાર આવી નથી. જેને લીધે હાલબતો સરકાર જાણે કે હાઈકોર્ટથી પણ ઉપર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આખાય કાંડમાં સુરતના ભાજપના બે ગૃપ અને રાજ્ય સરકારના એક મંત્રીની ભૂમિકા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બરતરફ GAS કેડરના કેતકી વ્યાસ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહિલા IAS અવંતિકા સિંહ : લાંબા સમયથી વિવાદમાં રહેલા GAS કેડરના કેતકી વ્યાસને આખરે ગુજરાતની ભાજપ સરકારે બરતરફ કરીને ફાઇનલી ઘરે બેસાડી દીધા છે. આણંદનાં કલેકટર ગઢવીને છુપા કેમેરાથી ફીલમમાં ફસાવ્યા બાદ તેમની સામે તપાસ કરવામાં આવી હતી. કેતકી વ્યાસની કરિયર જોઈએ તો તેમનું મોટા ભાગનું પોસ્ટિગ સારી જગ્યાએ રહ્યું છે. કેતકી વ્યાસની કરિયરની શરૂઆત ચીફ ઓફિસર તરીકે થઇ હતી. પછી તેઓ GAS કેડરમાં આવ્યા. તેમનો સારો અને લાંબો કહી શકાય તેવો નોકરીનો સમયગાળો કડી પ્રાંત અધિકારી તરીકેનો હતો. જે ભાજપના પહેલાના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો ગઢ કહેવાય છે. ત્યારબાદ કેતકીબેનનો નોકરીનો લાંબો સમય અમદાવાદ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર તરીકેનો હતો. તે વખતે અમદાવાદના કલેકટર તરીકે મહિલા IAS અવંતિકા સિંહ હતા. તેમની સાથે કેતકી વ્યાસનું ટ્યુનિંગ ખૂબ સારું હતું. તે પછી કેતકીબેન આણંદ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર (RAC) ગયા હતા. દરમિયાન IAS અવંતિકા સિંહની મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં એન્ટ્રી થાય છે. અને આણંદ જિલ્લામાં પછી કેતકી વ્યાસનું પ્રકરણ બહાર આવે છે. આ બધી વાતમાં સૌથી વધુ ચર્ચા કેતકી વ્યાસનો ડિસમિસનો ઓર્ડર કોઈને ખબર ન પડે તેવી ગોઠવણ કોણે કરી તેની થાય છે.
અમદાવાદ પોલીસ કમિશનર ગેહલોતે કરેલી ટ્રાફિક અંગેની ગોઠવણ-સલાહ કચ્છમાં બોર્ડર રેન્જના IG ચિરાગ કોરડીયા કરી શકે ? : કચ્છના બંને પશ્ચિમ અને પૂર્વ પોલીસ બેડામાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો છે. અમદાવાદમાં વધતી વસ્તી અને વાહનોનું પરિબળ જવાબદાર છે. પરંતુ કચ્છમાં તો લોકો નહીં પરંતુ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવાને બદલે દંડની કામગીરી અને મોબાઈલ ચેટિંગમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારી અને TRBનાં જવાન જવાબદાર છે. અમદાવાદ કમિશનર ગેહલોતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દંડ નહીં પરંતુ પ્રેક્ટિકલી લોકોને સમજવાનું શરૂ કર્યું છે. સિનિયર આઇપીએસ ધારે તો શું કરી શકે તેનું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. શું ભુજમાં બેસતા બોર્ડર રેન્જના IG ચિરાગ કોરડીયા આવો આદેશ ન આપી શકે ?
પહેલા મોડીયા ગયા, પછી અવંતિકાસિંહ, અતુલ ગોર, મીતા જોશી... હવે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોણ જશે ? : સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવા મંત્રી સાથે તેમના કાર્યાલયમાં મુકવામાં આવતા ઓફિસર CM કે મંત્રીના કાર્યકાળ સુધી રહેતા હોય તેવો શિરસ્તો છે. પરંતુ CM ભુપેન્દ્ર પટેલના કાર્યકાળમાં અધિકારીઓની આવન-જાવન થોડી સામાન્ય હોય હોય તેવું લાગે છે. દાદાના કાર્યાલયમાંથી KKની એક્ઝિટ સિવાય મોડિયા નામના અધિકારીથી લઈને અતુલ ગોર, અવંતિકાસિંહ અને છેલ્લે મીતા જોશી નામના GAS કેડરના ઓફિસરનો સમાવેશ થાય છે. મીતા જોશીએ તેમની કરિયરની શરૂઆત બહુ ચર્ચિત કેતકી વ્યાસ સાથે ચીફ ઓફિસર તરીકે કરી હતી. GAS કેડરમાં પણ બંને બૅચમૅટ છે. હવે CMOમાંથી કોણ જઈ શકે તેવા નામમાં અજય ભટ્ટ, રાકેશ વ્યાસ અને યોગેન્દ્ર દેસાઈનું નામ સંભળાઈ રહ્યું છે. અને આ બધા પાછા મહિલા IAS અવંતિકાસિંહના ખાસ માનીતા ઓફિસર્સ હોવાનું પણ ચર્ચાય છે. વ્યાસ અને દેસાઈ બંને મીડિયા ફ્રેન્ડલી છે.
Web News Duniya