ખબરની અસર : IASને તાલીમ આપતી મસૂરીની એકેડેમીએ કચ્છના પૂર્વ સરપંચનું લેક્ચર કેન્સલ કર્યું..!

'વેબ ન્યૂઝ દુનિયા'ના અહેવાલ ને પગલે LBSNAA દ્વારા લેવાયેલો નિર્ણય

ખબરની અસર : IASને તાલીમ આપતી મસૂરીની એકેડેમીએ કચ્છના પૂર્વ સરપંચનું લેક્ચર કેન્સલ કર્યું..!

WND Network.Bhuj (Kutch) : મસૂરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભુજ તાલુકાના કુનરીયા ગામનાં ઉપસરપંચ સુરેશભાઈ છાંગાનું લેક્ચર તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યું છે. તેમને પંચાયતી રાજ સહીત ગ્રામિણ વિકાસના ઉપરના તેમના વિશિષ્ઠ જ્ઞાનથી તાલીમી IAS અધિકારીઓને વાકેફ થાય તે માટે  બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા આ અંગેના ન્યૂઝ પ્રકાશિત થવાને પગલે મસૂરી એકેડેમી દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને તપાસ બાદ કુનરીયા ગામનાં ઉપસરપંચ સુરેશભાઈ છાંગાનું તાલીમ અંગેનું લેક્ચર રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,  સમગ્ર કચ્છમાંથી એકમાત્ર સુરેશભાઈને ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ વિષય ઉપર લેક્ચર આપવા માટે મસૂરી બોલાવવામાં આવ્યા હતા. 

'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા 'IPS એ જેમની કાર દારૂની રેડમાં પકડેલી તેઓ મસૂરીમાં પ્રોબેશનરી IAS અધિકારીઓને ગ્રામિણ વિકાસ ઉપર લેક્ચર આપશે' અહેવાલની વાત મસૂરીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન સુધી પહોંચી હતી. હાલ આ એકેડેમીના ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરનાં આઈએએસ કે.શ્રીનિવાસન છે. સૂત્રોનું માનીએ તો, તેમણે આ અંગે તરત જ તપાસ કરાવી હતી. એકેડેમીમાં કાર્યરત 'ગેસ' કેડરના અધિક કલેક્ટર કક્ષાનાં અધિકારી સંજય જોશીએ આ અંગેની વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ આપ્યો હતો. જેને ધ્યાનમાં લઈને તાબડતોડ સુરેશભાઈ છાંગાના લેક્ચર અંગેનો કાર્યક્રમ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી એક માત્ર કચ્છના સુરેશભાઈની પસંદગી કરવામાં આવી હતી. અને તેઓ 500થી વધુ સનદી અધિકારીઓને ગ્રામ પંચાયતના વહીવટ અને ગ્રામિણ વિકાસને લગતી તાલીમ આપવાના હતા. સુરેશભાઈએ તો આ અંગે 29 મુદ્દાનું પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન પણ તૈયાર કરી દીધું હોવાનો દાવો એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. UPSCની સિવિલ સર્વિસની પરીક્ષામાં સફળ થયા પછી મસૂરીમાં આવેલી એકેડેમીમાં નવનિયુક્ત IAS અધિકારીઓને ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત તાલીમ આપવામાં આવતી હોય છે. સુરેશભાઈ આ ફાઉન્ડેશન કોર્સમાં તાલીમી સનદી અધિકારીઓને ગ્રામિણ વિકાસનો પાઠ ભણાવવાના હતા. સુરેશભાઈની આ સિદ્ધિને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા બિરદાવવામાં પણ આવી હતી.