Off The Record : જે કામ મોદી પણ ન કરી શકે તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું, અદાણી ગ્રુપની ફાઈલો ક્લિયર કરવાના અભૂતભુર્વ દબાણથી સિનિયર IAS પણ ચોંક્યાં, ચિંતન શિબિરમાં મંત્રી અર્જુન મોઢવાડીયા આ શું બોલી ગયા ?
CMO કામ કરેલું હોય તો એવોર્ડ તો મળે જ, પ્રમોટી IAS એન.એન.દવેને ચિંતન શિબિરમાં એવોર્ડ મળતા સૌ કોઈ ચોંક્યા, ચાર્જ અને નિવૃત્ત-ઘરડાઓને સહારે ચાલતી ગુજરાતની ભાજપ સરકાર, રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record ચર્ચાઓ
જે કામ નરેન્દ્ર મોદી પણ ન કરી શકે તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું : સરળ અને મૃદુ ભાષી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં કચ્છ આવ્યા હતા. આમ તો તેમની આ સરકારી મુલાકાત અને કામ માટે આવ્યા હતા. પરંતુ સરળ અને સહજ CM પટેલ ઘરે જઈને લોકોને મળ્યા હતા. છાપાવાળાઓનાં ઘરે જાય તો સમજી શકાય એવું હતું પણ દાદાના હુલામણાં નામથી જાણીતા CM એક એવા પરિવારને મળવા તેમના ઘરે ગયા જેને જોઈને સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા. નરેન્દ્ર મોદી પણ જે કરતા પહેલા દસ વખત વિચાર કરે તેવું કામ દાદાએ કર્યું હતું. તેઓ કોંગ્રેસ મૂળના કચ્છ અબડાસા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ભૂતપૂર્વ MLA ખરાશંકર જોશીના ભાઈ લક્ષ્મીશંકર જોશીના ઘરે ગયા. લક્ષ્મીશંકર જોશી કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. માત્ર એટલું નહીં પરંતુ લક્ષ્મીશંકર જોશીના નાના દીકરા ચેતન જોશી ગાંધીધામ કોંગ્રેસના નેતા પણ છે. માત્ર દાદા જ નહીં ભૂતકાળમાં પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ પણ તેમની મહેમાનગતી માણી ચુક્યા છે. ટૂંકમાં આખું કુટુંબ કોંગ્રસ સાથે જોડાયેલું હોવા છતાં CM મોટું મન રાખીને તેમના ઘરે ગયા હતા. હવે તમે જ કહો નરેન્દ્ર મોદી આવું કરી શકે ?
અદાણી ગ્રુપની ફાઈલો ક્લિયર કરવાના અભૂતભુર્વ દબાણથી સિનિયર IAS પણ ચોંક્યાં : રાજ્યના મુખ્ય સચિવ તરીકે મનોજ કુમાર દાસની નિયુક્તિ પછી ગાંધીનગર સચિવાલયમાં અદાણી સમૂહની જુદા જુદા વિભાગમાં ચાલતી ફાઈલોને ક્લિયર કરવા માટે ઉપરથી દબાણ આવી રહ્યું છે. જેન લઈને અધિક મુખ્ય સચિવ અને અગ્ર સચિવ સહિતના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં છે. અત્યાર સુધી આવી રીતે સતત દબાણ કરીને ફાઈલ ક્લિયર કરવાનું કહેવામાં આવ્યું હોય તેવું બન્યું નથી. બંદરો, ઉર્જા, વગેરે વિભાગમાં અદાણી સમૂહની ફાઈલો ચાલતી હોય છે. સામાન્ય રીતે જે તે વિભાગના સેક્રેટરીની નીચેના સ્ટાફને ફાઇલની પૂર્તતા કરવા માટે સૂચનાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ એમ.કે.દાસે જયારથી ચીફ સેક્રેટરીનો ચાર્જ લીધો છે ત્યારથી ACS અને PS રેન્કના IAS ઓફિસર્સને અદાણીની ફાઈલ ક્લિયર કરવા માટે દબાણપૂર્વક સતત કહેવામાં આવી રહ્યું છે.
CMO કામ કરેલું હોય તો એવોર્ડ તો મળે જ, પ્રમોટી IAS એન.એન.દવેને ચિંતન શિબિરમાં એવોર્ડ મળતા સૌ કોઈ ચોંક્યા : ચિંતન શિબિરમાં જેટલી ચર્ચા કામની નથી થઇ એટલી વાતો 'કર્મયોગી પુરસ્કાર'ને લઈને થઈ રહી છે. આ વખતે યોજાયેલી ચિંતન શિબિરમાં ચાર IAS જેઓ કલેક્ટર કે DDO તરીકે વર્ષ 2024-25માં ફરજ બજાવી ચુક્યા છે તેમનામાંથી શ્રેષ્ઠને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ આંચકો વલસાડના પૂર્વ કલેક્ટર અને પ્રમોટી નિવૃત્ત IAS નૈમેષ દવે એટલે કે એન.એન.દવેના નામને લઈને આવ્યો છે. દવે ભૂતકાળમાં CMOમાં ફરજ બજાવી ચુક્યા છે. ત્યારબાદ તેમને હિંમતનગર કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા. દવે વિરુદ્ધ હિંમતનગર કલેક્ટર તરીકે જમીનના કૌભાંડમાં નામ આવ્યું હતું. છતાં તેમને વલસાડ કલેક્ટર જેવું ક્રીમ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. અહીં તેમણે એક વર્ષથી પણ ઓછું કામ કર્યું છે છતાં તેમને 'કર્મયોગી પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા છે. ટૂંકમાં જો તમે CMOમાં ફરજ બજાવી ચુક્યા હોવ તો તમારું ભવિષ્ય ઉજળું છે.
RIC, રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરની ઓફિસમાં કોઈ કામ કરવા કેમ તૈયાર નથી ? : છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી રાજ્યની RIC એટલે કે, રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરની ઓફિસમાં મહેસુલ વિભાગનો કોઈ કર્મચારી રાજીખુશીથી કામ કરવા માટે તૈયાર નથી. જેના માટે એક વર્ષમાં આપવામાં આવેલી પાંચસોથી પણ વધુ નોટિસ જવાબદાર છે. સાવ નાની અમથી વાતમાં મામલતદારથી લઈને કારકુનને નોટિસ ફટકારવામાં આવી છે. જયારથી રાજેશ માંજું નામના IAS ઓફિસર RIC તરીકે આવ્યા ત્યારથી આ સ્થિતિ છે. માંજું જયારે વાહન વ્યવહાર કમિશનર હતા ત્યારે ગુજરાતની RTO ઓફિસમાં પણ વિવાદ થતો હતો.
ચાર્જ અને નિવૃત્ત-ઘરડાઓને સહારે ચાલતી ગુજરાતની ભાજપ સરકાર : મહત્વના વિભાગ લાંબા સમયથી ચાર્જમાં ચાલી રહ્યા છે તેમાં આજે વધુ બે વિભાગનો ઉમેરો થયો છે. ત્રીસમી નવેમ્બરના રોજ રિટાયર્ડ થઈ રહેલા મહિલા IAS સુનયના તોમરનો હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશનનો ચાર્જ અગ્ર સચિવ IAS મુકેશ કુમારને આપવામાં આવ્યો છે. તેમની પાસે ઓલરેડી પ્રાયમરી અને સેકન્ડરી શિક્ષણનો ભાર છે. IAS સુનયના તોમર પાસે આ સિવાય GADનો વધારાનો કાર્યભાર હતો તે હવે હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના પ્રિન્સિપાલ સેક્રેટરી IAS ધનંજય દ્વિવેદીને આપવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં 19 સિવિલ સેવાના ઓફિસર નિવૃત્ત થઇ રહ્ય્યા છે. ત્યારે શું થશે તેની કલ્પના કરવી રહી.
સલાહકાર પત્રકારોને લીધે નેતા - અધિકારીઓ મુસીબતમાં મુકાયા : સોશિયલ મીડિયાના યુગમાં રીલ બનાવવી કે કોઈ સળગતા મુદ્દા ઉપર પોસ્ટ - કોમેન્ટ કરવી એ હવે મંત્રીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓમાં સહજ થઈ ગયું છે. જેમાં પબ્લિસિટીમાં માઈલેજ જરૂર મળે છે પરંતુ કોક વખત ભરાઈ પણ જવાય છે. એવું કહેવાય છે કે, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના જીગ્નેશ મેવાણીના સાથેના વિવાદમાં પણ સલાહકાર પત્રકારને લીધે સંઘવીને ભરાવી દીધા છે. મૂળ ગુજરાતના ન હોવાને લીધે ગુજરાતી ભાષામાં કયા શબ્દનું કેવું મહત્વ હોય છે તે જાણ્યા વિના આ સલાહકાર પત્રકારો જેમને એડવાઇઝ આપે છે તેમાં મોટો વિવાદ થઈ જાય છે. થોડા સમય પહેલા કચ્છના ગાંધીધામમાં નકલી EDની રેડની ઘટનામાં પણ આવું થયું હતું. જેમાં SPનાં એક વિડીયો ઇન્ટરવ્યૂમાં મની ટ્રેલની સ્ટોરીમાં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ આવે છે. તે પછી આજ દિવસ સુધી ગોપાલ ઇટાલિયાનું નામ કે તેમના નામે કોઈ તપાસની વાત બહાર આવી નથી. આવું જ કઈંક હર્ષ સંઘવીમાં પણ થઈ રહ્યું છે. 'સંસ્કાર' શબ્દ એવો પકડાવી દીધો છે કે, હજુ તેની કળ વળી નથી.
મહિના ઉપર થયો છતાં મંત્રીઓને ડેલિગેશન ઓફ પાવર કેમ આપવામાં આવ્યા નથી ? : ગુજરાતના મંત્રી મંડળનું કેટલાય દિવસોથી વિસ્તરણ કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી તેમને કઈ બાબતો જોવાની કે કયો નિર્ણય કરવો તે અંગેની કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલાના મંત્રી મંડળમાં માત્ર નવ મિનિસ્ટર હતા એટલે ખબર નહોતી પડી કે વાત બહાર નહોતી આવતી. પરંતુ નવા મંત્રીમંડળમાં 26 મંત્રી છે. મોટાભાગના વિભાગમાં કેબિનેટ સ્તરના મિનિસ્ટરની નીચે રાજ્યકક્ષાના મંત્રીને મુકવામાં આવ્યા છે. વહીવટી દષ્ટિએ જોઈએ તો એક વિભાગમાં એકથી વધુ મિનિસ્ટર હોય કોણ કયો વિષય જોશે કે નિર્ણય કરશે તેની સ્પષ્ટતા સત્તાવાર ફાઈલ ઉપર કરવાની હોય છે. જેને પાવર ઓફ ડેલિગેશન પણ કહે છે. પરંતુ હજુ સુધી આવી કોઈ ફાઈલ ચાલી નથી.
ચિંતન શિબિરમાં મંત્રી અર્જુન મોઢવાડીયા આ શું બોલી ગયા ? : રાજ્યના લગભગ તમામ IAS અધિકારીઓ અને મંત્રી સાથેની ચિંતન શિબિરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મંત્રી અર્જુન મોઢવાડીયાની એક ટિપ્પણીથી સૌ કોઈને નવાઈ લાગી હતી. બન્યું એવું કે, ચિંતન શિબિરના પાંચ મુદ્દાઓ પુરા થયા પછી સૌએ તેની ઉપર કોમેન્ટ કરવાની હતી. જેમાં સૌથી છેલ્લો વિષય સેવાક્ષેત્રની વૃદ્ધિ એટલે કે, સર્વિસ સેક્ટરની વાત હતી. જેમાં રોજગારી, ટુરિઝમ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT), ફાયનાન્સ અને ઇન્સ્યોરન્સનો મુદ્દો હતો. મંત્રી મોઢવાડીયા પાસે વન અને પર્યાવરણ, કલાઈટમેટ ચેન્જ ઉપરાંત સાયન્સ એન્ડ ટેક્નોલોજીનો કેબેનિટે કક્ષાનો હવાલો છે. મોઢવાડિયાએ તેમની સ્પીચમાં બોલ્યા કે, IT તો ચુકી ગયા છીએ પણ હવે AIમાં રહી ન જઈએ તેનું ધ્યાન રાખવું પડશે. ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ સત્તામાં છે ત્યારે ITમાં રહી ગયા કે ચુકી ગયા એમ કહીને તેઓ કોની તરફ ઈશારો કરી રહ્યાં હતા તે વાત ચિંતન શિબિરના અંતિમ દિવસે ચર્ચાનો વિષય બની હતી.
હૈદ્રાબાદની પોલીસ એકેડેમીમાં મહિલા IPSની છેડતી કરનારા ગુજરાતના પ્રમોટી IPS ફરી ચર્ચામાં આવ્યા : પોતાની નોકરી દરમિયાન હૈદ્રાબાદની નેશનલ પોલીસ એકેડેમીમાં મહિલા IPSની છેડતીને મામલે જે તે વખતે ચર્ચામાં આવેલા ગુજરાત કેડરના પ્રમોટી IPS વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ રાજકીય ડખામાં તેમની કૉમેન્ટને લઈને ચર્ચામાં છે. બે રાજકારણીઓના વિવાદમાં તેમણે ઝંપલાવ્યા બાદ તેમને ઘણું સાંભળવું પડ્યું છે. ચબરાક નેતાની નજરમાં આ પ્રમોટી IPS આવી ગયા છે. એટલે આગામી દિવસોમાં તેમના રંગીન મિજાજને લઈને વધુ સહન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
કચ્છમાંથી કરોડોનો દારૂ પકડાયો છતાં કોઈ જવાબદાર નહીં ! : છેલ્લા કેટલાય સમયથી કચ્છનો પોલીસ બેડો ખાસ્સો એવો ચર્ચામાં રહ્યો છે. લેટેસ્ટમાં જયારે મુન્દ્રા બંદરેથી ટ્રેનમાં કન્ટેનરમાં આવેલો ત્રણેક કરોડનો માતબર દારૂનો જથ્થો પકડાયો ત્યારે એમ લાગતું હતું કે, કચ્છના પોલીસ બેડામાં સાફસૂફી થશે. અથવા તો જેમના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ થઇ છે તેમને સજા આપવામાં આવશે. પરંતુ એવું કઈંજ હજુ સુધી થયું નથી. જેને લીધે સૌની નજર આશંકા સાથે પોલીસ ભવનમાં ગઈ છે. સામાન્ય રીતે પ્રથા એવી છે કે, જે પોલીસ મથકમાંથીના વિસ્તારમાં આવી કોઈ રેડ કે કાર્યવાહી થાય ત્યારે શરૂઆત અને અંત પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી નીચે રેન્કનાના કર્મચારીને લીવ રિઝર્વમાં મુકવાથી લઈને સસ્પેન્ડ કરવા સુધી થતી હોય છે. આઠ દિવસ થયા છતાં ત્રણ કરોડના દારૂ પ્રકરણમાં કોઈનો વાળ પણ વાંકો થયો નથી.
પોલીસ ભવનમાંથી 'દેખ લેના' એવું કહેવાય ત્યારે શું સમજવાનું ? : ગુજરાત સરકારમાં અત્યારે સૌથી વધુ ખરાબ હાલત અને દબાણ હોય તે તે ગૃહ વિભાગ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કાઉન્ટર કરવા માટે રાજકીય લેવલે પ્રયાસ કરવાને બદલે અધિકારીઓ અને કર્મચારીઓને આગળ કરવામાં આવી રહ્યા છે. માત્ર આ એક ઘટના નહીં પરંતુ, જયારે પણ કોઈ મોટો વિવાદ થાય ત્યારે IPS લેવલથી નીચેના અધિકારીઓને - કર્મચારીઓને ગાંધીનગરથી જવાબ આપવા માટે કહેવામાં આવે છે. જેમાં અમુક સરકારની ગુડ બુકમાં રહેવા તો કોઈક નોકરીની મજબૂરીમાં 'હા માં હા' મિલાવે છે. પછી પણ કોઈ લોચો થાય તો ગાંધીનગર પોલીસ ભવનમાંથી એક વાક્ય કહેવામાં આવે છે ' દેખ લેના' .
Web News Duniya