સોપારી કાંડના માસ્ટર માઈન્ડ પંકજ ઠક્કરની પેઢીનું કસ્ટમ બ્રોકરનું લાયસન્સ રદ્દ , દુબઈથી કાળા મરી ઈમ્પોર્ટ કરી કરોડોની ડ્યુટી ચોરી કરેલી

લુધિયાણા-ગાંધીધામ DRIની તપાસને આધારે કંડલા કસ્ટમ કમિશનરે 300 કરોડના ડ્યુટી ચોરી મામલે કરેલી કાર્યવાહી, હજુ તોડકાંડ વાળા કેસમાં દોઢસો કરોડની ચોરીનો મામલો તો હજી ઉભો જ છે

સોપારી કાંડના માસ્ટર માઈન્ડ પંકજ ઠક્કરની પેઢીનું કસ્ટમ બ્રોકરનું લાયસન્સ રદ્દ , દુબઈથી કાળા મરી ઈમ્પોર્ટ કરી કરોડોની ડ્યુટી ચોરી કરેલી

WND Network.Gandhidham (Kutch) : કચ્છના બહુ ચર્ચિત અને ગાજેલા સોપારી કાંડમાં બોર્ડર રેન્જ પોલીસ વધુ કાંઈ ખાસ ઉકાળી શકી નથી ત્યારે કંડલા કસ્ટમ (Kandla Custom) દ્વારા સોપારી કાંડના માસ્ટર માઈન્ડ પંકજ ઠક્કરની ક્રિષ્ણા શિપિંગ પેઢીનું સોપારી કાંડ પહેલાના કેસમાં  કસ્ટમ બ્રોકર અંગેનું લાયસન્સ (CHA) રદ્દ કરી નાખવામાં આવ્યું છે. ઓક્ટોબર,2022 થી માર્ચ, 2023ના સમયગાળા દરમિયાન પંકજ ઠક્કરે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને અન્ય શિપિંગ કંપનીઓ, વેર હાઉસ અને તેના મળતિયાઓએ સાથે મળી કરોડો રૂપિયાની કિમંતનો કાળા મરીનો જથ્થો કચ્છના મુન્દ્રા અને કંડલા બંદરેથી ઈમ્પોર્ટ કર્યો હતો. દુબઈથી આયાત કરવામાં આવેલા કાળા મરીના આ પ્રકરણમાં 66 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી તેમજ લુધિયાણા DRIની તપાસ સહીત કુલ 300 કરોડની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કસ્ટમે પંકજ ઠક્કરની પેઢીનું Custom Broker લાયસન્સ જપ્ત કરવાની સાથે સાથે તેની ડિપોઝીટ પણ જપ્ત કરી લીધી છે. તેમજ અન્ય લોકો સામે પણ નજીકના ભવિષ્યમાં કાર્યવાહી થાય તેવું સૂત્રો દાવો કરી રહ્યા છે. 

કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઇન્ટેલિજન્સ યુનિટ લુધિયાણા અને ગાંધીધામ DRI દ્વારા કાળા મરી ઉપરાંત સફેદ - કાળી સોપારી, કપડા સહિતના મોટા કન્સાઇન્મેન્ટ અંગે પંકજ ઠક્કર સામે કાર્યવાહી કરી હતી. પંકજ ઠક્કરે ક્રિષ્ણા શિપિંગ એન્ડ એલાઇડ સર્વિસીસ અને આદિત્ય એક્સપોર્ટ્સના નેજા હેઠળ નકલી દસ્તાવેજ બનાવીને ઓક્ટોબર, 2022 થી માર્ચ, 2023ના સમયગાળા દરમિયાન બંદર અબ્બાસ પોર્ટથી કાળા મરીનો જથ્થો ભારત મંગાવ્યો હતો. હકીકતમાં 100 ટકા ડ્યુટી લાગે તેવા કાળા મરીનો 1792 મેટ્રિક ટન માલમાંથી 1596 ટન માલ તેણે તેના દુબઈના અન્ય એક માસ્ટર માઈન્ડ મનીષ જૈનની દિલ્હી સ્થિત કંપની Cuthbert Winner અને Cuthbert Oceansની સાથે સાંઠગાંઠ કરીને ભારતના ડોમેસ્ટિક બજારમાં વેચી નાંખ્યો હતો. જેમાં તેણે લગભગ 66 કરોડની ડ્યુટી ચોરીનું ગબન કર્યું હોવાનું DRIની તપાસમાં બહાર આવ્યું હતું. જેને પગલે કંડલા કસ્ટમના કમિશનર એમ. રામમોહન રાવે ગાંધીધામ હાઇવે ઉપર આવેલા ટ્રાન્સપોર્ટ નગરની પંકજ ઠક્કરની પેઢી ક્રિષ્ણા શિપિંગ એન્ડ એલાઇડ સર્વિસીસનો કસ્ટમનો બ્રોકર પરવાનો (Custom House Agent - CHA) રદ્દ કરી દીધો છે. 

કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ લોકોની પણ તપાસ કરવામાં આવી : પંકજ ઠક્કરે આ સમગ્ર કૌભાંડ દરમિયાન તેના સગા મેહુલ પુજારા અને નૈમેષ સોઢાની આદિત્ય એક્સપોર્ટ્સ નામની પેઢીનો પણ ઉપયોગ કર્યો હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. કસ્ટમ દ્વારા આદિત્ય એક્સપોર્ટ્સના શિપિંગ એજન્ટ તરીકે કામ કરનારા ઐયર શિપિંગ એજન્સીના કંડલા બ્રાન્ચના મેનેજર સુધાકર ચીકાટી અને વિઝન કન્ટેનર લાઈન પ્રાયવેટ લિમિટેડ તેમજ એવર શાઇન  કન્ટેનર લાઈન પ્રાયવેટ લિમિટેડના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર અંકિત શર્માની એપ્રિલ,2023માં પૂછપરછ કરીને તેમના નિવેદન લીધા હતા. અને આ બંનેએ કસ્ટમના અધિકારીઓને જણાવ્યું હતું કે, બંદર અબ્બાસ પોર્ટના નામે આયાત કરવામાં આવેલો કાળા મરીનો જથ્થો હકીકતમાં દુબઈના જેબલ અલી પોર્ટથી ભારતમાં મોકલવામાં આવ્યો હતો. કસ્ટમ અને રેવન્યુ ઇન્ટેલીજન્સની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, પંકજ ઠક્કરે ચાલાકી પૂર્વક તેના દુબઇ સ્થિત પાર્ટનર મનીષ કુમાર જૈનનું નામ અને સરનામું છુપાવીને UAE - દુબઇ બેઝ M/s Rakayez General Trading, M/s Divine General Trading અને M/s Technozone General Trading થકી કાળા મરીની સ્મગલિંગ કરી હતી. 

પંકજ ઠક્કર આદિત્ય એક્સપોર્ટ્સનું ઈ-મેલ આઈડી વાપરતો હતો : આદિત્ય એક્સપોર્ટ્સના માલિકો ભલે એમ દાવો કરતા હોય કે તેઓ કાળા મરીની સ્મગલિંગમાં સામેલ નથી પરંતુ હકીકત એ પણ છે કે, પંકજ ઠક્કર આદિત્ય એક્સપોર્ટ્સનું ડોંગલ વપરાતો હતો. મતલબ કે, આદિત્ય શિપિંગના મેલ આઇડીથી માંડીને કસ્ટમ ડિપાર્ટમેન્ટથી આવતા મેલ, ઓટીપી વગેરે પંકજ ઠક્કર એક્સસેસ કરી શકતો હતો. કોઈ વ્યક્તિ આપણી પેઢીનું નામ અને ઈમેલ આઈડી વાપરીને કરોડો રૂપિયાનો માલ ઈમ્પોર્ટ કરતો હોય અને તે પેઢીના સંચાલકોને તેની ખબર ન હોય તે મુદ્દો કસ્ટમને ગળે નથી ઉતરી રહ્યો. મેહુલ નવિનચંદ્ર પુજારા અને નૈમિષ હિંમતલાલ સોઢા નામના ગાંધીધામના વ્યક્તિ આદિત્ય એક્સપોર્ટ્સના માલિક છે.

કાળા મરીના પ્રકરણ બાદ મુન્દ્રામાં શરુ કર્યું હતું કામ : પંકજ ઠક્કર સામે કાળા મરીની દાણચોરી અંગે કંડલા કસ્ટમ સહીત DRI દ્વારા તપાસ શરુ કરવામાં આવતા તેણે કંડલાના સ્પેશ્યિલ ઈકોનોમી ઝોન (KASEZ)માં આવેલા આદિત્ય એક્સપોર્ટના વેરહાઉસના બદલે મુન્દ્રામાં આવેલા OWS વેરહાઉસમાંથી સોપારી અને કાળા મરી સહિતનો માલ ડોમેસ્ટિક માર્કેટમાં વેચી દેવાનું શરુ કર્યું હતું. અને તેમાંથી જ સોપારીનો પોલીસનો મસમોટો તોડકાંડ જાહેરમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પણ કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવશે તો લગભગ 150 કરોડનું ડ્યુટી ચોરીનું સ્કેમ બહાર આવશે. આમ આશરે 650 કરોડનું મસમોટું કરચોરીનું કૌભાંડ ઓન પેપર હોવા છતાં ED, CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ કેમ હરકતમાં નથી આવતી તે એક રહસ્ય છે. 

DRI - ગાંધીધામ દ્વારા પોલીસને પણ ટ્રક શોધવાની વિનંતી કરેલી છે : કાળા મરી સહિતની કોમોડિટીનું મિસ ડીક્લેરેશન કરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના પ્રકરણમાં રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમે ગાંધીધામ પોલીસની પણ મદદ માંગેલી છે. દુબઈને બદલે ઈરાન-અફઘાનિસ્તાનથી ઈમ્પોર્ટ કરાયેલો જથ્થો કચ્છમાંથી 300થી પણ વધુ ટ્રકમાં લોડ થઈને બાંગ્લાદેશ ગયો કે ભારતના ડોમેસ્ટિક બજારમાં જ વેચી નાખવામાં આવ્યો તેની તપાસ માટે પૂર્વ કચ્છ એસપીને ચોથી ઓગસ્ટ,2023ના રોજ ગાંધીધામ DRI પત્ર લખેલો છે. જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

અને આ કાંડ પછી અસ્તિત્વમાં આવ્યો હતો કચ્છ પોલીસનો સોપારીનો કરોડો રૂપિયાનો તોડકાંડ : વર્ષોથી નકલી દસ્તાવેજ બનાવીને કરોડો રૂપિયાની ડ્યૂટી ચોરી કરી રહેલા માસ્ટર માઈન્ડ પંકજ ઠક્કર અને તેની ટોળકીએ ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટના નામે કરોડો રૂપિયાની સોપારી મુન્દ્રા પોર્ટ ઉપર ઉતારી હતી. જેમાં તોડ કરવાના પ્રકરણમાં બોર્ડર રેન્જ પોલીસના કર્મચારીઓ સંડોવાયા હતા. બાર ટ્રક ભરેલી સોપારી બહાર નીકળી ગયા પછી બોર્ડર રેન્જના IGના સીધા તાબા હેઠળ આવતા સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓએ પાંચ કરોડનો તોડ કર્યો હતો. એક પછી એક સ્ફોટક ખુલાસા બાદ પંકજ ઠક્કર અને તેની ટોળકીના લોકોને પોલીસને પકડવા પડયા હતા. કસ્ટમ ધીમી ગતિએ પણ મક્કમતાથી પંકજ ઠક્કરના દાણચોરીના પ્રકરણમાં આગળ વધી રહ્યું છે પરંતુ આરંભે શૂરા એવી બોર્ડર રેન્જની કહેવાતી ઝાંબાઝ પોલીસ પાંચ કરોડના તોડકાંડ ઉપરાંત પંકજ દ્વારા નકલી દસ્તાવેજ બનાવીને રેવન્યુ લોસનો જે કેસ કર્યો છે તેમાં ઠંડી પડી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મહિનાઓથી ચાલતી પોલીસ તપાસ છતાં ખુદ પોલીસ તેના બે કર્મચારીને હજુ સુધી પકડી શકી નથી. એક પછી એક આરોપીઓ જામીન ઉપર છૂટી રહ્યા છે. લેટેસ્ટમાં અનિલ તરુણ પંડિતને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. એટલે ટૂંક સમયમાં પંકજ ઠક્કરને પણ જામીન મળી જાય તેવી સંભાવના છે. કડક અને પ્રામાણિક એવા બોર્ડર રેન્જના આઇજી જશવંત મોથાલિયા પાસેથી લોકસભા ચૂંટણી સંદર્ભે ચાર્જ લઇ લેવામાં આવ્યો છે. આઇજી મોથાલિયાએ પ્રકરણની તપાસ માટે બનાવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હજુ અસ્તિત્વમાં છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ સોપારી સ્મગલિંગ અને ત્યારબાદ થયેલા કરોડો રૂપિયાના તોડમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ જેવી કાર્યવાહી કરે છે કેમ.