ડ્રગ ટેસ્ટ નિષ્ફળ રહેલી દવા બનાવતી ટોરેન્ટ અને ઇન્ટાસ જેવી કંપનીઓએ સત્તા પક્ષ ભાજપને કરોડો રૂપિયાનું ચૂંટણી ભંડોળ કેમ આપ્યું હશે ? જાણો હેલ્થ સેક્ટરની ઇનસાઇડ સ્ટોરી

વર્ષ 2018 - 23' વચ્ચે ટોરેન્ટ ફાર્માએ બનાવેલી હાર્ટ એટેક અને હૃદય રોગને લગતી દવાના ટેસ્ટ ફેલ થયેલા, અને કંપનીએ મે 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે સત્તા પક્ષ ભાજપને 61 કરોડના ચૂંટણી બોન્ડ આપ્યા

ડ્રગ ટેસ્ટ નિષ્ફળ રહેલી દવા બનાવતી ટોરેન્ટ અને ઇન્ટાસ જેવી કંપનીઓએ સત્તા પક્ષ ભાજપને કરોડો રૂપિયાનું ચૂંટણી ભંડોળ કેમ આપ્યું હશે ? જાણો હેલ્થ સેક્ટરની ઇનસાઇડ સ્ટોરી

(Photo Credit : Business Today)

WND Network . New Delhi : સુપ્રિમ કોર્ટની ફટકારને પગલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)દ્વારા ઇલેકટોરલ બોન્ડ્ઝ અંગેની માહિતી જાહેર કર્યા બાદ એક પછી એક સ્ફોટક અને સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. જેમાં સૌથી વઘુ ગંભીર અને દેશના તમામ લોકોને સ્પર્શતા એવા હેલ્થ સેક્ટરને લઈને બહાર આવેલી વિગતો ખુબજ ચિંતાજનક છે. એક અભ્યાસ મુજબ, દેશની મોટી કહી શકાય તેવી ટોરેન્ટ અને ઇન્ટાસ ફાર્મા કંપનીઓએ તેમની દવાનો ટેસ્ટ નિષ્ફળ ગયા પછી સત્તા પક્ષ ભાજપને કરોડો રૂપિયાનું ચૂંટણી ભંડોળ આપ્યું છે. વર્ષ 2018થી 2023 વચ્ચે ગુજરાતની અમદાવાદમાં આવેલી ટોરેન્ટ ફાર્મા કંપનીએ બનાવેલી હાર્ટ એટેક અને હૃદય રોગ સહિતના રોગને લગતી ત્રણ દવાના ટેસ્ટ ફેલ થયા હતા. અને કંપનીએ મે મહિના, 2019થી જાન્યુઆરી 24 વચ્ચે સત્તા પક્ષ ભાજપને 61 કરોડના ચૂંટણી બોન્ડ આપ્યા હતા. તેવી જ રીતે અમદાવાદની જ એક અન્ય ફાર્મા કંપની ઇન્ટાસનો એનાપ્રિલ નામની દવાનો ટેસ્ટ જુલાઈ 2020માં નિષ્ફળ ગયો હતો. આ દવા હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગમાં સારવાર માટે વપરાય છે. ઇન્ટાસ ફાર્મા 10મી ઓક્ટોબર,2022ના રોજ 20 કરોડના ઇલેકટોરલ બોન્ડ ખરીદે છે અને તે તમામ ભાજપને મળે છે. આ ઉપરાંત 23 એવી ફાર્મા કંપનીઓ અને એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમણે ચૂંટણી બોન્ડ થકી  રાજકીય પક્ષોનેઆશરે 762 કરોડનું માતબર કહી શકાય તેવું દાન આપ્યું હતું. 

ભારતમાં દવાઓ, બીમારીઓની સારવાર અને તબીબી સુવિધાઓની વધતી જતી કિંમતો દેશના હિન્દૂ મુસ્લિમ સહિતના તમામ લોકોને સ્પર્શતી વાત છે. આવી પરીસ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેલેરિયા, કોવિડ કે હૃદય રોગની સારવાર કરતી જાણીતી કંપનીઓની દવાઓના ડ્રગ ટેસ્ટ ફેલ થઈ રહ્યા છે તે દેશના તમામ લોકો માટે ચિંતાનો વિષય છે. અને એમાં પણ જો એવી ખબર પડે કે, જે કંપનીઓની દવાઓ દવાના ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી, તેમણે કરોડો રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા અને રાજકીય પક્ષોને દાનમાં આપ્યા તો મામલો વધુ ગંભીર બની જાય છે.

વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઇલેકટોરલ બોન્ડ્ઝને સૌથી મોટું ખંડણી જેવું રેકેટ ગણાવીને 'ચંદા દો, ધંધા લો' જેવા નારા સાથે સત્તા પક્ષ ભાજપ અને દેશના મોટા ઉદ્યોગ સમૂહ વચ્ચેની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેવામાં દેશના હેલ્થ સેક્ટરની મોટી કહી શકાય તેવી ફાર્મા કંપનીઓ દ્વારા ડ્રગ ટેસ્ટ ફેલ થયા બાદ સત્તા પક્ષ ભાજપને આપવામાં આવેલું કરોડો રૂપિયાનું ફંડ ચિંતાનો વિષય છે. દવાના નિષ્ફળ પરીક્ષણ અને ભાજપને ફંડ આપવા વચ્ચે ભલે કોઈ સીધો સંબંધ નથી પરંતુ  લાભની કોઈપણ આશા વિના કંપની સરકારમાં હોય તેવી પોલિટિકલ પાર્ટીને શા માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપે તે પ્રશ્ન મહત્વનો છે. 

આરોગ્ય સચિવની પોસ્ટ ઉપરાંત હેલ્થ સેક્ટરને સ્પર્શતી સરકારની વિવિધ મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂકેલા સનદી અધિકારી કે.સુજાતા રાવે BBC હિન્દી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, 'ફાર્મા કંપનીઓ પર કોણ નિયંત્રણ કરે છે ? આવી કંપનીઓ ઉપર નિયંત્રણ સરકારનું હોય છે. જો કોઈ કંપનીએ સત્તામાં રહેલા કોઈપણ પક્ષને કરોડો રૂપિયા આપ્યા છે, તો તેનો સ્પષ્ટપણે અર્થ એ છે કે, તે તેમની પાસેથી લાભ લેવા માટે આવું કરવામાં આવ્યું છે. અલબત્ત એ અલગ મુદ્દો છે કે, દાન આપનાર કંપનીને સરકારે કોઈ લાભ આપ્યો કે નહીં.'

કઈ ફાર્મા કંપનીની કઈ દવાનો ટેસ્ટ ફેલ થયો અને પછી ભાજપને કેટલું દાન આપ્યું ? : ઇલેકટોરલ બોન્ડ્ઝ અંગે SBI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, દેશની 23 એવી ફાર્મા કંપનીઓ અને એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમણે ચૂંટણી બોન્ડ થકી  રાજકીય પક્ષોનેઆશરે 762 કરોડનું માતબર કહી શકાય તેવું દાન આપ્યું હતું. જેમાં ગુજરાતની ટોરેન્ટ ફાર્મા ઉપરાંત ઇન્ટાસ ફાર્મ કંપની સહીત અન્ય જાણીતી દવાની કંપનીમાં મુંબઈની સીપલા લિમિટેડ, સન ફાર્મા લેબોરેટરીઝ, ઝાયડ્સ હેલ્થ કેર, હેટરો ડ્રગ્સ એન્ડ લેબ્સ, ગ્લેનમાર્ક, IPCA ફાર્મા વગેરે દવા બનવાતી અને રિસર્ચ કંપનીઓનો સમાવેશ થાય છે. 

આ બધામાં ટોરેન્ટ ગ્રુપનું નામ તો ટોપ ટેન એવી કંપનીઓમાં આવે છે જેમણે સૌથી વધુ કિંમતના ચૂંટણી બોન્ડ્ઝ પરચેઝ કર્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટમાં જોવા મળતી વિગતો મુજબ, સત્તા પક્ષ ભાજપને ફાર્મા કંપનીઓ તરફથી આશરે 345 કરોડનું જે ભંડોળ મળ્યું છે તેમાં ટોરેન્ટ ફાર્મા સૌથી મોખરે છે. ટોરેન્ટ પછી સીપલા, અરવિંદ ફાર્મા, સન લેબોટરીઝ અને ડૉ. રેડ્ડી લેબ્સનો સમાવેશ થાય છે. 

(ઉપરોક્ત ન્યૂઝ રિપોર્ટ BBC હિન્દીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ ઉપર આધારિત છે, આ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો, https://www.bbc.com/hindi/articles/ce9rgxxw29po )