શું ડિજિટલ મીડિયા ઉપર નિયંત્રણ લાવવા કેન્દ્રની મોદી સરકાર કાયદો લાવી રહી છે ? જાણો કેવી છે સરકારની તૈયારી...

'પ્રેસ એન્ડ મેગેઝિન બિલની નોંધણી-2019' હેઠળ ચોમાસુ સત્રમાં કાયદો આવી શકે છે

શું ડિજિટલ મીડિયા ઉપર નિયંત્રણ લાવવા કેન્દ્રની મોદી સરકાર કાયદો લાવી રહી છે ? જાણો કેવી છે સરકારની તૈયારી...

WND Network.New Delhi : ભારતમાં ડિજિટલ એટલે કે ઓનલાઈન ન્યૂઝ મીડિયા માટે હજુ સુધી કોઈ નિયમ કે કાનૂન અસ્તિત્વમાં નથી. પરંતુ એવા અહેવાલો છે કે કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવા જઈ રહી છે. અને સંભવ છે કે, હાલ ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા અંગે કાયદો લાવવામાં આવે. 

વર્ષ 2019માં જ કેન્દ્ર સરકારે 'રજીસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ મેગેઝિન બિલ-2019'ને નવું સ્વરૂપ આપ્યું હતું. હવે પહેલીવાર ડિજિટલ ન્યૂઝ મીડિયા ઈન્ડસ્ટ્રીને બિલના દાયરામાં સામેલ કરવાની તૈયારી થઈ રહી છે. કારણ કે, ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાને તો સરકાર નિયંત્રણ કરી શકે છે પરંતુ ઓનલાઇન ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર નિયમનના અભાવમાં સરકારની કોઈ પકડ નથી. સરકાર દ્વારા જે બિલ લાવવા અંગેની વાતો બહાર આવી રહી છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ એટલું જરૂર છે કે, ડિજિટલ મીડિયા પોર્ટલ અને વેબસાઇટનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને ત્યાર પછી સરકાર ડિજિટલ મીડિયા ઉપર કંટ્રોલ કરી શકશે તેવું માનવામાં આવી રહ્યું છે.