Indian Coast Guard Day 2024 : શા માટે મનાવવામાં આવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ માહિતી

કોસ્ટગાર્ડે છેલ્લા એક વર્ષમાં 425 કરોડનું નાર્કોટિક્સ, ત્રણ વિદેશી જહાજો અને 22 વિદેશી નાગરિકોને પકડ્યા અને સમુદ્રમાં ફસાયેલા 85 લોકોના જીવ બચાવ્યા છે

Indian Coast Guard Day 2024 : શા માટે મનાવવામાં આવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ માહિતી
Indian Coast Guard Day 2024 : શા માટે મનાવવામાં આવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ માહિતી

WND Network.Porbandar (Gujarat) : 'રક્ષણ ખાતર રક્ષણ કરવું'ના સૂત્ર સાથે અસ્તિત્વમાં આવેલા અને દેશની લગભગ 7500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમાનું રક્ષણ કરી રહેલું ભારતીય તટ રક્ષક દળ (Indian Coast Guard) તેનો આજે 48મો સ્થપાના દિવસ (Indian Coast Guard 48th Raising Day) ઉજવી રહ્યું છે. ભારત, વિવિધતાથી ભરેલો દેશ, કાશ્મીરથી કન્યાકુમારી, જેસલમેરથી ઈન્દિરા પોઈન્ટ સુધી વિસ્તૃત ફેલાયેલો છે. તેની દરિયાઈ બોર્ડર 7500 કિલોમીટર લાંબી છે અને ઘણા ભાગોમાં ફેલાયેલી છે. આવી સ્થિતિમાં, દેશની આઝાદીના લગભગ 30 વર્ષ પછી, આ સરહદોની સુરક્ષાની જવાબદારી ભારતીય કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે ગુરુવારે ગુજરાતના પોરબંદર (Porbandar) ખાતે આવેલા ICG જિલ્લા મુખ્યાલયમાં રાજ્યપાલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ અન્ય સશસ્ત્ર દળોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા. 

કોસ્ટગાર્ડના રાઇઝિંગ ડેના સમારંભ દરમિયાન, રાજ્યપાલે જિલ્લા મુખ્યાલય નંબર 1 ખાતે અદ્યતન આર્ટ ઓડિટોરિયમ 'અરવલી' નું ઉદ્ઘાટન કર્યું હતું.  તેમણે કાર્યક્રમ દરમિયાન તેમના સંબોઘનમાં  દરિયાની સુરક્ષામાં Indian Coast Guard (ICG)ની ભૂમિકાની પ્રશંસા કરી હતી. અને રાષ્ટ્ર વિરોધી તત્વો સામેની તેની કાર્યવાહીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં 425 કરોડની કિંમતના 61 કિલો નાર્કોટિક્સ, ત્રણ વિદેશી જહાજો અને 22 વિદેશી નાગરિકોને પકડ્યા હોવાનો ઉલ્લેખ કરીને કોસ્ટગાર્ડના જવાનોની પીઠ થાબડી હતી.  તેમણે વર્ષ દરમિયાન સમુદ્રમાં 85 લોકોના જીવ બચાવવામાં તેની ભૂમિકાની અને ચક્રવાત બિપરજોય દરમિયાન સક્રિય કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી.

કોસ્ટગાર્ડની રચના શા માટે કરવામાં આવી હતી ? : દેશ આઝાદ થયા પછી દરિયાઈ સુરક્ષાની જવાબદારી ભારતીય નૌકા દળ એટલે કે ઇન્ડિયન નેવી (Indian Navy)ને સોંપવામાં આવી હતી. પરંતુ ભારતના પાડોશી દેશો સાથે બે યુદ્ધ લડ્યા પછી, સુરક્ષાના જાણકારોને લાગ્યુ કે, ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા, દેખરેખ અને અન્ય દરિયાઈ સરહદોની સુરક્ષાની બાબતો એ અલગ અલગ મુદા છે. અને આને લગતી પ્રવૃત્તિઓ માટે એક અલગ ફોર્સ બનાવવી જોઈએ જેથી ભારતીય નૌકાદળ પરનો થોડો બોજ ઓછો થાય.

જેથી અલગ તૈયાર થયેલું આ દળ પોતાની જાતને મોટી વ્યૂહાત્મક દરિયાઈ સુરક્ષાને લગતી તૈયારીઓ કરી શકે. આ જ કારણ હતું કે 1 ફેબ્રુઆરી 1977ના રોજ સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય કોસ્ટ ગાર્ડની અસ્થાયી રૂપે સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે દરિયાઈ માર્ગે ભારતમાં આવતા દાણચોરીએ દેશની અર્થવ્યવસ્થાને જોખમમાં મૂક્યું હતું. તેથી, આ સમસ્યાના ઉકેલ માટે, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના (Indian Air Force)ની જોઈન્ટ એવી એક નાગ ચૌધરી નામની સમિતિની રચના કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ભારતીય તટ રક્ષક દળ અસ્તિત્વમાં આવ્યું હતું. 

માત્ર સાત યુદ્ધ જહાજોથી શરૂઆત કરનારા ભારતીય તટ રક્ષક દળમાં છેલ્લા ચાર દાયકામાં 150 થી વધુ યુદ્ધ જહાજો અને 70 વિમાનો સાથેના કોગ્નેટ ફોર્સનો ખુબ જ ઝડપથી વિકાસ થયો છે. કોસ્ટ ગાર્ડ, ભારત તેમજ ફોરવર્ડ એરિયામાં દરિયાઈ ક્ષેત્રોમાં સુરક્ષા અને સલામતી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 

ગુજરાત રાજ્ય તેમજ દમણ અને દીવની સંવેદનશીલ દરિયાઈ સીમાઓની રક્ષણ તેમજ સર્વેલન્સની કામગીરીને મજબૂત કરવા માટે આશયથી ગાંધીનગર ખાતે  16 ડિસેમ્બર 2009 ના રોજ ICG પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ની સ્થાપના કરવામાં આવી હતી. અહીંથી સુરક્ષા તેમજ સર્વેલન્સ માટે દરરોજ સરેરાશ 20થી 25 જહાજો અને ત્રણેક જેટલા એરક્રાફ્ટ દ્વારા રાઉન્ડ ઘ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી માત્ર દુશ્મન દેશ જ ન નહીં પરંતુ દાણચોરો અને નાર્કો ટેરરિઝમને નાથવામાં પણ કોસ્ટગાર્ડનો રોલ ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો છે.