અદાણીના મુન્દ્રા સેઝની મોટી જમીનને મામલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના બે મંત્રાલય સામસામે આવી ગયા, જાણો પછી સુપ્રીમ કોર્ટે શું કહ્યું...

ગુજરાત હાઇકોર્ટે સેન્ટ્રલ વેરહાઉસિંગની જમીન મુદ્દે અદાણીની તરફેણમાં હુકમ કરતા મામલો સુપ્રીમમાં ગયેલો

અદાણીના મુન્દ્રા સેઝની મોટી જમીનને મામલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના બે મંત્રાલય સામસામે આવી ગયા, જાણો પછી સુપ્રીમ કોર્ટે શું કહ્યું...

WND Network.Bhuj (Kutch) :- મુન્દ્રામાં અદાણી સેઝ (SEZ)ની એક જમીનના મામલે એક જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના બે મંત્રાલયો, વાણીજ્ય મંત્રાલય અને ફૂડ-જાહેર વિતરણ મિનિસ્ટ્રી  સામસામે આવી ગયા છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે દેશના એટર્ની જનરલને કહ્યું છે કે, જયારે સર્વોચ્ચ અદાલતમાં કેસ ચાલતા હોય ત્યારે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોનો સુર એક સમાન હોવો જોઈએ. અને એ મુજબની સિસ્ટમ પણ ઉભી કરવામાં આવે. મુન્દ્રામાં સરકારી નિગમ - સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) હસ્તકની ૩૪ એકર જમીન ગૌતમ અદાણીની માલિકીના એપીસેઝને હસ્તાંતરિત કરી દેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશને પણ સુપ્રીમે રદ કરી નાખ્યો છે અને નવેસરથી નિર્ણય લેવા માટે પરત મોકલ્યો છે.  

આ કેસની હકીકત કઈંક આવી છે, મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં આવેલા ASEZ (અદાણી પોર્ટ એન્ડ સેઝ) દ્વારા CWCના કબ્જા હેઠળની ૩૪ એકર જમીન પોતાને આપી દેવા માટે ગુજરાત હાઈકોર્ટમાંથી ફેવર મેળવી હતી. જેને પગલે CWCએ આ મામલે સુપ્રીમમાં અપીલ હતી. ASEZ દ્વારા વિકસાવવામાં આવેલા સેઝ વિસ્તારમાં આવેલી ૩૪ એકર જમીન પર સીડબલ્યુસી દ્વારા અગાઉથી જ વેરહાઉસ બનાવવામાં આવેલા છે. હાઈકોર્ટએ એવો હુકમ કર્યો હતો કે, CWC સક્ષમ સતાવાળાઓ પાસેથી સેઝ કમ્પલાયંટ યુનીટ તરીકેની માન્યતા મેળવે અથવા તેમાંથી મુક્તિ મેળવે. અને જેને કારણે સમગ્ર મામલો હાલ સર્વોચ્ચ અદાલતમાં છે. જો આવું કરવામાં સીડબલ્યુસી ત્રણ મહિનામાં નિષ્ફળ જાય તો એપીસેઝ તેમના માટે સેઝની બહારના વિસ્તારમાં એટલી જ જમીન શોધી આપે કે જેથી તેના પર એક વર્ષમાં વેરહાઉસનુ બાંધકામ થઇ શકે.

કેન્દ્ર સરકારના એક જ મંત્રી હેઠળના બે મંત્રાલયોએ અલગ અલગ સુર છેડતા સુપ્રીમ કોર્ટે આર. વેન્કટરામાણીને આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને ભવિષ્યમાં અદાલતોમાં આવા કેસ આવે ત્યારે કેન્દ્ર સરકારનો એક જ સુર હોય એવી વ્યવસ્થા ઉભી કરવાની ટકોર કરી છે. તેમજ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો આદેશ રદ કરીને નવેસરથી નિર્ણય લેવા જણાવ્યું હતું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંત્રીની મિનિસ્ટ્રી જ ટકરાય છે :- આ કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિયુષ ગોયલના જ બે મંત્રાલયો સામસામે આવી ગયા હતાં. વાણીજ્ય મંત્રાલયનું એવું કહેવું હતું કે, SEZ વિસ્તારમાં આવેલ ૩૪ એકર જમીન ને Delineation/Denotification ન કરી શકાય. જયારે કન્ઝયુમર અફેર્સ, ફૂડ અને પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન મંત્રાલયનુ કહેવું એવું હતું કે આવું શક્ય છે.