કચ્છ : ધારાસભ્યના ખાસ એવા યુવા ભાજપના હોદ્દેદારોએ નકલી પોલીસ બનીને બેન્ક મેનેજરને ઘરમાં ઘુસી માર્યો...
નખત્રણા ભાજપના પૂર્વ યુવા પ્રમુખની લોનની અરજી રિજેક્ટ કરતા યુવા ભાજપના 3 હોદ્દેદાર અડધી રાતે ત્રાટક્યા હતા
WND Network.Bhuj (Kutch) :- કચ્છના નખત્રણામાં લોન રિજેક્ટ કરવાના એક મામલામાં નકલી પોલીસ બનીને નેશનલ બેન્કના મેનેજરને અડધી રાતે તેના ઘરમાં ઘુસી મારવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી તરીકે બીજા કોઈ નહીં પરંતુ સત્તાપક્ષ ભાજપની યુવા પાંખના હોદ્દેદારો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. કચ્છની અબડાસા બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મળતિયા તરીકે અવારનવાર નખત્રણામાં દાદાગીરી કરતા હતા. દબાણને પગલે પોલીસે પણ ફરિયાદ લેવામાં લાજ કાઢી હતી. પરંતુ સ્ટેટ લેવલના બેન્કના ઉચ્ચ અધિકારીઓના દબાણને પગલે પોલીસે એક દિવસ પછી મોડી ફરિયાદ દાખલ કરી હતી. જો કે સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, જેટલું મોડું ફરિયાદ લેવામાં થયું હતું એટલી જ ઝડપથી આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન ઉપર છુટકારો થઈ ગયો હતો.
નખત્રણા બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર મનીષ યાદવે પોલીસમાં ફરિયાદ કરી હતી કે, 10મી ઓક્ટોબર સોમવારની રાતે તેઓ ઘરમાં હતા ત્યારે કેટલાક લોકોએ તેમના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. અને તેઓ પોલીસ છે એવી ઓળખ આપીને ઘરમાં ઘુસી આવ્યા હતા. ઘરમાં આવીને ત્રણ વ્યક્તિએ તેમને ફટકારીને કહ્યં હતું કે, તેમણે (મેનેજરે) હિરેન ભટ્ટની લોનની અરજી કેમ રિજેક્ટ કરી છે ? અને ગમે તે ભોગે તે રદ્દ થયેલી લોનની અરજી પાસ કરવી પડશે. જે ત્રણ લોકો પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને બેન્ક મેનેજરના ઘરમાં અડધી રાતે ઘુસી ગયા હતા તેમાં નખત્રાણા યુવા ભાજપના પ્રમુખ ધૈર્ય ગીરીશભાઈ નાકર, ઉપ પ્રમુખ વિરલસિંહ જાડેજા અને મંત્રી પાર્થ શૈલેષ ગોરનું નામ પોલીસ ફરિયાદમાં છે. અને જેમની લોનની અરજી રિજેક્ટ થઈ હતી તેવા હિરેન ભટ્ટ યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે. સૂત્રોનું માનીએ તો જેમની સામે ફરિયાદ કરવામાં આવી છે તે ભાજપના હોદ્દેદારો અબડાસાના ધારાસભ્યના પી.એમ.જાડેજાના ખાસ વ્યક્તિઓ છે. અને એટલે જ પોલીસ ફરિયાદમાં પણ વિલંબ થયો હતો. પરંતુ બેન્કના સ્ટેટ લેવલના ઉચ્ચ અધિકારીઓ કચ્છમાં જ હોવાને કારણે તેમને ઉચ્ચ પોલીસ ઓફિસરને આ અંગે રજુઆત કરી હતી. અને એટલે જ પોલીસને પણ એક્શન લેવાની ફરજ પડી હતી.
સમગ્ર મામલામાં હાલ શું સ્ટેટસ છે તે જાણવા માટે નખત્રણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મરનો સંપર્ક કરવામાં આવતા તેમણે ત્રણેય આરોપીને પકડીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મુક્ત કરી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ગુન્હાની કલમમાં સજાની જોગવાઈ સાત વર્ષથી ઓછી હોવાને પગલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યા હતા તેમ પીઆઇ ઠુમ્મરે વધુમાં ઉમેર્યું હતું.
પગલાં લેવાશે ? કચ્છ ભાજપ પ્રમુખને ઘટનાની જાણ જ નથી શિસ્તને વરેલા ભાજપની યુવા પાંખના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ બાદ ભાજપ તરફથી કોઈ એક્શન લેવામાં આવ્યું છે કે નહીં તે માટે કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમને સમગ્ર ઘટના અંગે ન જાણતા હોવાનું કહીને ઉમેર્યું હતું કે, નખત્રણા ભાજપ મંડળ તરફથી તેમને કોઈ જાણ કરવામાં આવી નથી. તમારા થકી જ મને આવી કોઈ ઘટના બની હોવાનું ધ્યાનમાં આવ્યું છે તેમ અંતમાં પટેલે ઉમેર્યું હતું.