ડબલ એન્જીન સરકાર : કચ્છના મુન્દ્રાની આંગણવાડીમાં કીડા-કાંકરાવાળો ખોરાક, નલિયામાં ખોરાકી અસરથી 5 છાત્રની તબિયત લથડી...
ખોરાકમાં ઈયળો નીકળતા વાલીઓ તાબડતોડ તેમના બાળકોને લઇ ગયા
WND Network.Bhuj (Kutch) :- ગુજરાતમાં એક તરફ જયાં ડબલ એન્જીન સરકારના ફાયદા દેખાડવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ પાયાની સેવા-જરૂરિયાતમાં ગરબડ હોવાનું અવારનવાર બહાર આવી રહ્યું છે. આવી જ બે ઘટના રાજ્યના સૌથી મોટા અને સરહદી જિલ્લા કચ્છમાં બની છે. જયાં બાળકોના આરોગ્ય સાથે ચેંડા થતા હોવાના સમાચાર બહાર આવ્યા છે. કચ્છના મુન્દ્રામાં તાલુકામાં આવેલી આંગણવાડીમાં પોષણક્ષમ આહાર આપવાની પબ્લિસિટી વચ્ચે બાળકોના નાસ્તામાંથી ઈયળો અને કાંકરા નીકળયા છે. જયારે બીજી એક ઘટનામાં નલિયાના એક છાત્રાલયમાં ખરાબ ખોરાકને કારણે પાંચ છાત્રોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બંને ઘટના રાજ્ય સરકારના કથિત ડબલ એન્જીન સરકારના દાવાની પોલ ખોલી રહી છે.
લાંબા સમયથી ગુજરાતની આંગણવાડીઓમાં પોષણક્ષમ આહારના દાવા વચ્ચે નબળા-નિમ્ન કક્ષાના આહારની બૂમો પડી રહી છે. તેવામાં કચ્છ જિલ્લાના મુન્દ્રામાં આવેલી આંગણવાડીમાં કાંકરા-કીડાવાળો નાસ્તો આપ્યાની વાતે તંત્ર સહીત વાલીઓને દોડતા કરી નાખ્યા છે. મુન્દ્રાની ભીડભંજન મહાદેવ રોડ ઉપર આવેલી આંગણવાડીમાં આપવામાં આવેલા નાસ્તામાં કીડા નીકળવાની વાત ફેલાતા જ આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓ તેમના વહાલસોયાઓને તેડવા દોડી આવ્યા હતા. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ આંગણવાડીમાં 178 બાળકો આવે છે. આંગણવાડીના આચાર્ય ચંદ્રિકાબેન પટેલે પણ કબુલ્યું કે, છેલ્લા બે દિવસથી ઈયળવાળા અનાજની ફરિયાદ આવી રહી છે. કીડાની સાથે સાથે હવે કાંકરા પણ આવવાની વાતે વાલીઓ ભડકી ગયા હતા. અને તેમના બાળકોને આંગણવાડીમાંથી લઇ ગયા હતા. નાનામાં નાની સિદ્ધિની પ્રેસનોટ આપતું કચ્છનું વહીવટી તંત્ર મુન્દ્રાની આંગવાડીમાં કીડા નીકળ્યાની વાતે ચૂપ છે. અધિકારીઓ પણ આ મામલે મૌન થઈ ગયા છે.
બાળકોના આરોગ્ય સાથે ચેંડા કરવામાં આવતી હોય તેવી બીજી ઘટના કચ્છના જ નલિયામાં બની હતી. અબડાસાના મુખ્ય મથક નલિયામાં આવેલી કસ્તુરબા ગાંધી છાત્રાલયમાં ખરાબ ખોરાકની અસરને પગલે પાંચ છાત્રને હોસ્પિટલ ખસેડવા પડયા હતા. છાત્રાલયમાં સવારે આપવામાં આવેલા નાસ્તા પછી વિદ્યાર્થીઓની તબિયલ લથડી હતી. આથી તેમને તરત 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દુરેલાએ આ અંગે જણાવ્યું હતું કે, દુષિત ખોરાક, પાણી કે દૂધ પીવાને પગલે છાત્રોની તબિયત ખરાબ થવાની સંભાવના છે. જો કે, જવાબદારો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ગરમીને કારણે છાત્રોની તબિયત લથડી હતી.
ગુજરાતના આરોગ્ય અને શિક્ષણ વિભાગની પોલ ખોલતી આ બંને ઘટના અંગે ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરની 'કચ્છ એડિશન' દ્વારા શનિવારે 'બાળકોના આરોગ્ય સાથે ચેંડા' એવા ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવતા ડબલ એન્જીન સરકારની આ 'સિદ્ધિ' બહાર આવી હતી.