ગુજરાત પોલીસમાં આવું ચાલે છે ? બે IPSની ટ્રાન્સફર પછી ખબર પડી કે તેમની તો ઓફિસ જ નથી, જાણો પછી શું થયું ?

લઠ્ઠાકાંડમાં બદલાયેલા બે SPને એડિશનલ ડીજીની ચેમ્બરમાં બેસાડવા પડ્યા

ગુજરાત પોલીસમાં આવું ચાલે છે ? બે IPSની ટ્રાન્સફર પછી ખબર પડી કે તેમની તો ઓફિસ જ નથી, જાણો પછી શું થયું ?

WND Network.Ahmedabad :- ગુજરાત સરકારમાં લાંબા સમયથી એવા નિર્ણયો લેવામાં આવે છે જેને જોઈ-જાણીને આપણને એમ થાય કે, સાવ આવું તો ન ચાલે ! કઈંક આવું જ ગુજરાત પોલીસમાં પણ થઈ રહ્યું છે. અને સરકારના આ ધુપ્પલ કહી શકાય તેવા વહીવટની પોલ ખોલવામાં આવી છે 'અમદાવાદ મિરર' નામના અંગ્રેજી અખબારમાં કામ કરતા સિનિયર જર્નાલિસ્ટ સરફરાઝ શેખ દ્વારા. આ વાત છે બે IPS અધિકારીની. જેમની લઠ્ઠાકાન્ડમાં બદલી કરી દેવામાં આવી હતી. બોટાદના SP કરણરાજ વાઘેલાની ટ્રાન્સફર કર્યા પછી ખબર પડી કે, તેમની બદલી જે પ્રોટેક્શન ઓફ ગવર્નમેન્ટ પ્રોપર્ટીઝ નામના ગ્રુપમાં કરવામાં આવી છે તેનું તો અસ્તિત્વ જ નથી. અને જે વિભાગ બન્યો જ ન હોય તેના અધિકારી માટે ઓફિસ પણ ન હોય. જયારે અમદવાદ ગ્રામ્ય વિભાગના SP વીરેન્દ્ર યાદવને અમદાવાદ મેટ્રો રેલના સિક્યોરિટી ફોર્સના સેનાપતિ તરીકે બદલવામાં આવ્યા હતા. યાદવ નસીબદાર હતા કે તેમનો વિભાગ અસ્તિત્વ ધરાવતો હતો. પરંતુ તેમને બેસવાની ઓફિસ જ ન હતી. એક ડેપ્યુટી એસપી અને ત્રણ ઇન્સ્પેક્ટરના મહેકમવાળા આ વિભાગના યાદવ એકમાત્ર કર્મચારી છે. 

ટ્રાન્સફર થયા પછી જયારે આ બંને IPS ઓફિસર તેમની ચેમ્બર ગોતવા ગયા ત્યારે સરકારમાં ચાલતા આ ધુપ્પલ વહીવટની પોલ બહાર આવી હતી. પરંતુ ત્યારે મામલો બહાર ન આવે તેની કાળજી રાખવામાં આવી હતી. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ વહીવટની આ ગરબડ બહાર આવી હતી. અને વરિષ્ઠ પત્રકાર સરફરાઝ શેખ દ્વારા તેને એક્સપોઝ કરવામાં આવી હતી. શેખની ન્યૂઝ સ્ટોરીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વાત તો બંને IPSને સસ્પેન્ડ કરવાની હતી. પરંતુ સરકારના આવા આકરા પગલાંની દુરોગામી અસરને ધ્યાનમાં લઈને તેમને SRPમાં ખસેડવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ઉપરવાળા નારાજ હોવાને કારણે છેવટે IPS વાઘેલાને સરકારી મિલકતોના રક્ષણ માટે કાગળ ઉપર અસ્તિત્વ  ધરાવતા ગ્રુપમાં ખસેડાયા અને IPS યાદવને અમદાવાદની મેટ્રો રેલનું રક્ષણ કરવા માટે. પરંતુ કહેવાય છે ને કે, જયારે આપણે ખોટું કરતા હોય ત્યારે કુદરત પણ સાથ આપતી હોતી નથી. સજામાં બદલાયેલા આ બંને ઓફિસરને જયારે પોતાને બેસવાની ઓફિસ ન મળી ત્યારે આ વાત પોલીસ ભવનમાં એસી ચેમ્બરમાં બેસતા IPS અધિકારીઓ સુધી પહોંચી હતી. અને સચિવાલયના ગૃહ વિભાગ દ્વારા થયેલા ગફલાને દબાવવા માટે છેવટે બંને IPSને બેસવા માટે અલાયદી ચેમ્બરની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

SP લેવલના ઓફિસરને એડિશનલ ડીજીની ચેમ્બરમાં બેસાડ્યા :- ગુજરાત પોલીસમાં હાલમાં સાત એડિશનલ ડીજી ( Addl. DG)ની જગ્યાનું મહેકમ છે. જેમાંથી ત્રણ IPS  અધિક પોલીસ મહાનિર્દેશક ( Addl. DG) તરીકે ફરજ બજાવી રહ્યા છે. એટલે બાકીની ચાર જગ્યા ખાલી છે. આથી SP કક્ષાના બે IPS વીરેન્દ્ર યાદવ અને કરણરાજ વાઘેલા એડિશનલ ડીજી લેવલના ઓફિસરની ચેમ્બરમાંથી નોકરી કરી રહ્યા છે.  

IPS યાદવ અને વાઘેલા જેવા નસીબદાર બહુ ઓછા હોય છે :- જે લઠ્ઠાકાન્ડ 46 લોકોના અવસાન થયા હતા તેવી ઘટનામાં IPS વીરેન્દ્ર યાદવ અને કરણરાજ વાઘેલાને ઉપરથી સસ્પેન્ડ કરવાની સૂચના હતી. પરંતુ બંનેના નસીબ કહો કે ગમે તે, માત્ર બદલી રુપી સજામાં તેઓ છૂટી ગયા. ટ્રાન્સફરની જગ્યામાં પણ બંનેને ઓફિસ ન હોવા છતાં પોલીસ ભવનમાં એડિશનલ ડીજીની ચેમ્બરમાં બેસીને કામ કરવાની તક મળી. IPS વીરેન્દ્ર યાદવ શરૂઆતથી ક્રીમ પોર્સ્ટીંગ માટે જાણીતા છે. કચ્છમાં અંજારના ASPમાંથી પ્રમોશન મળ્યા બાદ અમદાવાદમાં DCP, ગાંધીનગરના SP અને અમદાવાદ ગ્રામ્યમાં SP તરીકે નોકરી કરી છે. તેઓ સરકારની ગુડ બુકમાં આવે છે. IPS કરણરાજ વાઘેલાના કાકા પી.ડી.વાઘેલા ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. અને હાલ તેઓ ટ્રાઈ - ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચેરમેન છે. આમ બંને ઓફિસરને સરકાર સજા કરવા તો માંગતી હતી. પણ કયાંક ને કયાંક કઈંક નડતું હતું.