મોદી સાહેબ, આપણે બનાવેલા ગુજરાતમાં 27 વર્ષમાં વિકાસ થયો છે તો પછી ચૂંટણી ટાણે લતીફને કેમ યાદ કરવો પડે છે..?
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સમગ્ર ભાર આપના તથા અમિતભાઈના માથે છે અને આપ જયારે આજે કચ્છની ધીંગી ધરા ઉપર પાવન પગલાં માંડી રહ્યા છો ત્યારે આપની કુશળતાની મંગલ કામના સાથે આપણે બનાવેલા ગુજરાતના એક સામાન્ય વ્યક્તિ તરીકે હું તમને આ પત્ર લખી રહ્યો છું.
એક ગુજરાતી તરીકે દિલ્હીની ગાદીએ તમને જયારે વડાપ્રધાન તરીકે જોવ છું ત્યારે મારા સહિતના છ કરોડ ગુજરાતીઓની છાતી ગજ ગજ ફુલાતી હોય છે. આપ જયારે વિદેશમાં પ્રવાસે જાવ છો ત્યારે એક સિંહ જેવી ચાલ સાથે વિશ્વ અન્ય નેતાઓને મળતા હોવ છો ત્યારે તમારામાં વિશ્વગુરુની છાપના દર્શન થાય છે. ગુજરાતમાં 27 વર્ષથી અને દિલ્હીની કેન્દ્ર સરકારમાં આઠ વર્ષથી આપે જયારથી સત્તાની બાગડોર સાંભળી છે ત્યારથી ચોમેર માત્રને માત્ર વિકાસ દેખાઈ રહ્યો છે. પરંતુ જયારે ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં ચૂંટણી આવે ત્યારે છે તમારે સ્વયં એક વડાપધાન હોવા છતાં જે દોડાદોડ કરવી પડે છે તેનાથી મન કચવાય છે. અને એટલે આ વેદના સાથે હું ગુજરાતનો એક સામાન્ય નાગરિક અહીં મારી વાત રજુ કરી રહ્યો છું.
કચ્છના વિનાશક ભૂકંપ બાદ કેશુભાઈ પટેલની સરકાર પછી આપે જયારથી સત્તાની બાગડોર સાંભળી છે ત્યારથી કચ્છને તમે કરેલો પ્રેમ જગજાહેર છે. આપ દુનિયાના કોઈપણ ખૂણે જાવ છો ત્યારે કચ્છ અને અહીંના લોકોને યાદ કર્યા વિના રહેતા નથી. સરકારી વહીવટમાં ચોકસાઈ સાથે તમારી ડબલ એન્જીન સરકારમાં જે વિકાસ થયો છે તે આખી દુનિયાએ જોયો છે. પરંતુ જયારે ચૂંટણી આવે ત્યારે એ વિકાસના કામોને બદલે જે નામને લઈને કોંગ્રેસ લઘુમતી તૃષ્ટિકરણની રાજનીતિ કરતી હતી તેવા લતીફનું નામ આવે છે ત્યારે ગમતું નથી. હકીકતમાં તો આપણે બનાવેલા ગુજરાતમાં વિકાસ અને લોકોનું જીવન ધોરણ ઉપર લઇ જવા માટે આપે જે પ્રયાસો કર્યા છે તેની વાતો કરવી જોઈએ. નહિ કે સલીમ,રફીક કે લતીફની. હમણાં એક ચૂંટણી સભામાં જયારે આપણા સૌના આદરણીય એવા અમિતભાઇ શાહે લતીફની સાથે સાથે દાદાઓની ચર્ચા કરતા ભગવાન હનુમાનજી દાદાની વાત કરી ત્યારે પણ ગમ્યું ન હતું. ગોધરા કાંડ અને તે પછીના રમખાણોની કડવી વાતો અને યાદો અમે માંડ ભૂલવાનો પ્રયત્ન કરીએ છે ત્યાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ દરમિયાન એ જ વાતો થવા લાગે છે.
સાહેબ, તમે જે રીતે આતંકવાદ દબાવી દીધો તે કાબિલેદાદ છે. પણ દર વખતે ચૂંટણી ટાણે કોમી રમખાણો, લતીફ, આતંકવાદ વગેરે જેવી વાતોનો ઉલ્લેખ કરવાનું તમને યોગ્ય લાગે છે ? મને તો નથી લાગતું. કારણ કે સાહેબ આપણે તો આટ આટલા વર્ષોથી ગુજરાત મોડેલ થકી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુશાસનનો સંદેશો આપ્યો છે. ઘર હોય તો મતભેદ થાય. અને તમે તો આખો દેશ સાંભળી રહ્યા છો. એટલે કયાંક નારાજગી પણ હોય. તેમ છતાં તમારી આગવી કુનેહને પગલે તમે ગુજરાત અને દેશને સતત આગળ વધારી રહ્યા છો. જેનું તાજું ઉદાહરણ ગાંધીનગરમાં થયેલા આંદોલનો છે. કિસાનોથી માંડીને સરકારી કર્મચારીઓના વીસથી પણ વધારે સંગઠનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગરને બાનમાં લેવામાં આવ્યું હતું અને પછી જે રીતે બધાને રાજી કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા એ તમારી સરકારની સિદ્ધિ હતી. કોરોના કાળ અને નોટબંધી દરમિયાન અમને તકલીફ પડી પણ તમે જે રીતે રાત-દિવસ દેશ માટે મહેનત કરો તેની આગળ એ કશું નથી.
મોરબીનો પુલ તૂટી ગયો અને તેમાં 130 જેટલા લોકોએ જિંદગી ગુમાવી ત્યારે તમે જે રીતે કેવડિયામાં સભા ટાણે ગમગીન થઈ ગયા હતા અને આપના ગળે ડૂમો બાજી ગયો હતો. એ જ દર્શાવે છે કે તમે કેટલા સંવેદનશીલ વ્યક્તિ છો. અને હા, દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને અંજલિ આપવાનું ભૂલી ન જતા. નહીંતર કોંગ્રેસને વળી એક મોકો મળી જશે.
વાતો તો ઘણી છે પણ ચૂંટણીનો સમય છે અને બધો ભાર તમારા ઉપર છે ત્યારે છેલ્લે ફરી વખત એક વાત આગ્રહ કરું છું કે આપ પ્રવચનમાં આપણે બનાવેલા ગુજરાતના વિકાસની જ વાતો કરજો.
બસ એજ આપનો,
આપણે બનાવેલા ગુજરાતનો સામાન્ય વ્યક્તિ