Kutch : કચ્છનાં મહારાણી પ્રીતિદેવી અને મયુરઘ્વજસિંહ વિરુદ્ધ કોર્ટની અવગણનાનો કેસ, જાણો શા માટે થઇ છે 'કન્ટેમ્ટ ઓફ કોર્ટ' ની અપીલ
રાજવી પરિવારના મહારાજ કુમાર હનુવંતસિંહ જાડેજાનો દાવો, કચ્છની એડિશનલ ડીસ્ટ્રીકટ કોર્ટના આદેશ છતાં પ્રીતિદેવીએ તેરાના મયુરઘ્વજસિંહ જાડેજા દ્વારા માતાના મઢ ખાતે ચામર-પતરી વિધિ કરાવીને કોર્ટના આદેશને અવગણ્યો
WND Network.Bhuj (kutch) : આસો નવરાત્રીના આઠમે નોરતે કચ્છના રાજવી પરિવાર દ્વારા માતાના મઢે કરવામાં આવતી ચામર-પતરી વિધી નજીક આવી રહી છે ત્યારે કચ્છના રોયલ ફેમિલીનો વધુ એક કાનૂની ટકરાવ બહાર આવ્યો છે. આ વખતે કચ્છના રાજવી પરિવારના મહારાજકુમાર હનુવંતસિંહ જાડેજા દ્વારા તેમના જ કુટુંબના મોભી અને તેમના વિધવા ભાભી પ્રીતિદેવી સામે કોર્ટની અવગણના અંગેનો કેસ કરવામાં આવ્યો છે. ભુજની પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં પ્રિતિદેવીની સાથે મૂળ તેરા ગામના અને હાલમાં ભુજના હોસ્પિટલ રોડ ઉપર અમી ઓપ્ટિક્સ નામની દુકાન ચલાવતા મયુરઘ્વજસિંહ જાડેજા વિરુદ્ધ કન્ટેમ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા અંગેની પિટિશન દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ અપીલનો સ્વીકાર કરીને બંનેને આગામી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજુ કરવાની નોટિસ ફટકારી છે.
કચ્છ રાજવી પરિવારના મહારાજ કુમાર હનુવંતસિંહ જાડેજાએ કરેલી પિટિશન અંગેની વિગતો આપતા સિનિયર એડવોકેટ યોગેશ ભાંડારકરે જણાવ્યું હતું કે, મહારાણી પ્રીતિદેવી અને તેરાના મયુરઘ્વજસિંહ વિરુદ્ધ કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ કન્ટેમ્ટ ઓફ કોર્ટ એક્ટ - 1971ની કલમ-2(B) તેમજ 12 હેઠળ અપીલ કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૦માં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં કરેલી અપીલ અને તેના ચુકાદા ઉપરાંત ભુજની કોર્ટમાં કરવામાં આવેલી અપીલ સહિતની જુદી જુદી કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ છતાં પ્રીતિદેવીએ મયુરઘ્વજસિંહ જાડેજા દ્વારા માતાના મઢ ખાતે ધાર્મિક વિધિ કરાવી હતી. આ તમામ બાબતોને પગલે ભુજની પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં પ્રિતિદેવી અને મયુરઘ્વજસિંહ જાડેજા વિરુદ્ધ 'કન્ટેમ્ટ ઓફ કોર્ટ'ની પિટિશન દાખલ કરવામાં આવી હોવાનું એડવોકેટ ભાંડારકરે ઉમેર્યું હતું. અદાલતના આદેશની અવગણના કરવાના આ કેસમાં પ્રિતિદેવી અને મયુરઘ્વજસિંહને આગામી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજુ કરવાની નોટિસ આપવામાં આવી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.
અગાઉ પણ મયુરધ્વજસિંહે વિધિ કરતા પ્રાગમલજી ત્રીજાને 'કન્ટેમ્ટ ઓફ કોર્ટ' નો સામનો કરવો પડેલો : વર્ષ ૨૦૧૦માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેમણે એવી માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છના દેશદેવી કુળદેવી માં આશાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે. જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જોરાવરસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના કાળ વખતે વર્ષ 2020માં જયારે આખો દેશ બંધ હતો ત્યારે, જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાની સૂચનાથી તેરાના મયુરધ્વજસિંહે પત્રી વિધિ કરી હતી. જેને પગલે તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દયાપર કોર્ટમાં કન્ટેમ્ટ ઓફ કોર્ટની અપીલ કરી હતી. પરંતુ કેસની સુનાવણી દરમિયાન જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાનું નિધન થવાને પગલે આ કેસ સમાપ્ત થઈ ગયો હતો. આમ બીજી વખત એવું બન્યું છે કે, મયુરધ્વજસિંહ દ્વારા માતાના મઢ ખાતે વિધિ કરવાને મામલે 'કન્ટેમ્ટ ઓફ કોર્ટ' નો મામલો ઉભો થયો છે. ફરક માત્ર એટલો છે કે, આ વખતની પિટિશનમાં પ્રાગમલજી ત્રીજાને બદલે પ્રીતિદેવીનું નામ છે.
વંશાનુક્રમ અને વારસાઈનાં મામલે બંને પક્ષ વચ્ચે મતભેદ : કચ્છના રાજવી પરિવારને લઈને લાંબા સમયથી માધ્યમોમાં રોયલ ફેમિલીના બે પક્ષ દ્વારા સામ-સામે મીડિયામાં નોટિસ, નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અગાઉ સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ નલિયાનાં ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાને કુંવર તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાતો મીડિયામાં પ્રસિદ્ધ થઈ હતી. ઇન્દ્રજીત જાડેજા, પ્રાગમલજી સાથે અવાર-નવાર જાહેર પ્રસંગો દરમિયાન જોવા પણ મળતા હતા. જેને પગલે કચ્છના લોકોમાં એવી છાપ પડી હતી કે, ઇન્દ્રજીત પ્રાગમલજી ત્રીજાના તમામ પ્રકારના વારસદાર છે. અને આ વાતનો પ્રીતીદેવી દ્વારા તાજેતરમાં જ આપવામાં આવેલા એક જાહેર નિવેદનમાં સ્વીકાર પણ કરવામાં આવ્યો છે કે, ઇન્દ્રજીત સહીત તેરાના મયુરઘ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજાને તા.31/08/2016ના રોજ પ્રાગમલજી ત્રીજાએ વિલ કરીને પ્રણાલિકાગત ધાર્મિક, સામાજિક વિધિઓ કરવા માટે અધિકૃત કરેલા છે.
બીજી તરફ મહારાજકુમાર હનુવંતસિંહ જાડેજાએ પણ જાહેર સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે, કાયદાની કોઈ પરીભાષામાં ધાર્મિક અને સામાજિક કર્યો માટે વિલ - ડીક્લેરેશન સ્વીકૃત નથી. તેમણે તો એવો પણ દાવો કર્યો છે કે, જો ખરેખર આવું કોઈ વિલ બન્યું હોય તો પ્રાગમલજીનાં અવસાન બાદ આજ દિવસ સુધી કેમ રજુ કરવામાં આવતું નથી ?
હનુવંતસિંહ જાડેજાએ તેમની તાજેતરની જાહેર સ્પષ્ટતામાં પણ જણાવ્યું છે કે, પ્રાગમલજીનાં આ કહેવાતા ત્રણેય વારસદારોની એક અરજીને ભૂતકાળમાં ભુજની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલી છે. ખરેખર જો ત્રણેય પ્રાગમલજીનાં વારસદાર છે તો કોર્ટના તે હુકમ સામે હજુ સુધી તેઓ અપીલ કેમ નથી કરતા ?