Supreme Court on Reservation : રિઝર્વ કેટેગરીના પ્રતિભાશાળી છાત્રો જનરલ સીટ ઉપર એડમિશન માટે હકદાર, ભારત બંધનાં એલાન વચ્ચે સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે,સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવો જોઈએ
WND Network.New Delhi : દેશભરમાં અનામતના મુદ્દે આજે ભારત બંધ જાહેર કરવામાં આવેલું છે તે દરમિયાન સર્વોચ્ચ અદાલત દ્વારા અનામતને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે, રિઝર્વ કેટેગરીમાં આવતા પ્રતિભાશાળી છાત્રો જનરલ કેટેગરીમાં એડમિશન મેળવવવા માટે હકદાર છે. સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે,સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવો જોઈએ. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ કે.વી.વિશ્વનાથન અને બીઆર ગવઈની બેન્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયની સામે રામ નરેશ ઉર્ફે કુશવાહા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારતી વખતે આ ચુકાદો આપ્યો હતો.
સમગ્ર મામલો મધ્યપ્રદેશની એક મેડિકલ કોલેજમાં MBBS એડમિશન સાથે સંબંધિત હતો, જેમાં MP હાઇકોર્ટની બેન્ચે ચુકાદો આપ્યો હતી કે, અનામત કેટેગરીના મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને જનરલ ક્વોટામાં પ્રવેશ ન મળવો જોઈએ. સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો કરતા કહ્યું હતું કે, જો અન્ય પછાત વર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટા(જનરલ) ની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવો જોઇએ.
આજના ભારત બંધમાં શું થઈ રહ્યું છે ? : ક્વોટાની અંદર ક્વોટા એટલે કે ક્રીમીલેયર અંગેના સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે બુધવારે 'ભારત બંધ'નું એલાન આપેલું છે. બહુજન સમાજવાદી પાર્ટી સહિત ઘણી રાજકીય પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે. આ ઉપરાંત વિવિધ દલિત સંગઠનોએ આજે 'ભારત બંધ'ના એલાનને સમર્થન આપેલું છે. આજે સવારથી આ મામલો ગૂગલ પર ટ્રેન્ડમાં છે. બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ભારત ટ્રાઇબલ પાર્ટી મોહન લાટ રોટનું સમર્થન પણ મળી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ સમર્થનમાં છે.
કેન્દ્રની મોદીભાઈની સરકારે તો સુપ્રિમ કોર્ટના ક્વોટાની અંદર ક્વોટાના ચુકાદાનો અમલ નહીં કરવાનું જાહેર કરી દીધું છે તેવામાં ભારત બંધને લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ સહિત દેશભરમાં બહુ ઓછી અસર જોવા મળી રહી છે. ભારત બંધનું એલાન કરી રહેલા દલિત સંગઠનોએ માંગ કરી છે કે, સુપ્રિમ કોર્ટ ક્વોટાના નિર્ણયને પાછો ખેંચે અથવા પુનર્વિચાર કરે.