UPSC Lateral Entry Cancel : લેટરલ 'NO' એન્ટ્રી, મોદી સરકારની UPSCને વિનંતી - 45 IAS સમકક્ષની જગ્યાઓ માટેની ભરતી રદ્દ કરો, વિપક્ષ અને સાથી પક્ષોની નારાજગી રંગ લાવી
મોદી 3.0ના કાર્યકાળમાં હવે સ્પષ્ટ દેખાય રહ્યો છે પૂર્ણ બહુમતિવાળી મોદી સરકાર અને ટેકાવાળી NDA સરકાર વચ્ચેનો તફાવત, વકફ ઉપર JPC બાદ ફરી એક વખત દિલ્હીમાં મોદીભાઈ ઢીલા પડ્યા
WND Network.New Delhi : સંઘ લોક સેવા આયોગ (UPSC)ની સિવિલ સર્વિસીસની પરીક્ષા આપ્યા વિના જ IASની સમકક્ષની સંયુક્ત સચિવ સચિવ સહિતની વિવિધ 45 જગ્યાઓ ઉપર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવાની સ્કીમ ઉપર રોક લગાવી દેવામાં આવી છે. વિપક્ષ સહીત ખુદ પોતાના જ NDAમાંથી ઉઠેલા વિરોધના પગલે કેન્દ્રની મોદીભાઈની સરકારને વકફ બિલ માટે JPC રચવાની ઘટના બાદનું બીજું બેકફૂટ માનવામાં આવી રહ્યું છે. વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે UPSC અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટેનો વિનંતી પત્ર લખ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC અધ્યક્ષને પત્ર લખીને વિનંતી કરી છે કે , 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવે', એટલે કે હવે સીધી ભરતી નહીં થાય. UPSC ચૂંટણી પંચ જેવી જ સંવૈધાનિક સંસ્થા છે એટલે સરકારે વિનંતી કરવી પડી છે. અલબત્ત તેમાં પણ સરકારની ઈચ્છાવાળા ગમતા લોકો હોવાથી મોદી સરકારની વિનંતી સ્વીકારી જ લેવામાં આવશે તેમાં કોઈ બેમત નથી.
કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયો અને વિભાગોમાં લેટરલ એન્ટ્રી એટલે IASની પરીક્ષાએ બાયપાસ કરીને 45 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત બાદ સમગ્ર મામલે વિવાદ જાગ્યો હતો. જેમાં કેન્દ્રમાં વિપક્ષી દળના નેતા LoP રાહુલે કહ્યું હતું કે , મોદી UPSCના સ્થાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવામાં આવી રહી છે. UPSCએ 17મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના 45 પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં 10 પદ જોઇન્ટ સેક્રેટરી જ્યારે 25 પદ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટરના છે, આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી દ્વારા પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે વિપક્ષ આરોપ લગાવી રહ્યો હતો કે સરકાર હવે અનામત વગર જ સીધી સરકારી ભરતી કરી રહી છે.
કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવવા લાગ્યા હતા. કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી. જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ જદ(યુ)એ પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરીશું તેમ જણાવ્યું હતું.
રિઝર્વેશનની સિસ્ટમ ઉપર ઘા તરીકે જોવામાં આવ્યું અને મોદીને નમવું પડ્યું : સંયુક્ત સચિવ અને ડિરેક્ટર જેવી સિનિયર પોસ્ટ, જેમાં IAS ઓફિસરની નિયુક્તિ થતી હોય છે તેમાં સિવિલ સર્વિસીસ એક્ઝામની બાયપાસ કરીને સરકાર તેના માનીતાઓને સિસ્ટમમાં ગોઠવવા માંગે છે તેવી છાપ ઉભી થઇ હતી. જેને લઈને સોશિયલ મીડિયા સહીત રાજકીય પક્ષમાં પણ તેના ઘેરા પ્રત્યઘાત પડ્યા હતા. વિપક્ષની સાથે સાથે પોતાના NDA ઘટકના લોકોએ જ મોદી સરકારની ટાંગ ખેંચવાનું શરુ કરી દીધું હતું. અને એટલે જે મોદી સરકાર કોઈની પણ દરકાર કર્યા વિના તેના અગાઉના દસ વર્ષમાં બિલ પસાર કરી દેતી હતી તેના રૂખમાં હવે ટેકાની મજબૂરી જોવા મળી રહી છે.