'ગેટ વે ઓફ ડ્રગ્સ' - મુન્દ્રાના અદાણી પોર્ટથી આવેલા હજારો કરોડના ડ્રગ્સ મામલે કોંગ્રેસે મોદી-શાહને ટાર્ગેટ કર્યા

રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર ચલાવ્યો આક્ષેપનો મારો...

'ગેટ વે ઓફ ડ્રગ્સ' - મુન્દ્રાના અદાણી પોર્ટથી આવેલા હજારો કરોડના ડ્રગ્સ મામલે કોંગ્રેસે મોદી-શાહને ટાર્ગેટ કર્યા

WND Network.Bhuj (Kutch) : અદાણી મુન્દ્રા પોર્ટ બન્યું  'ગેટ વે ઓફ ડ્રગ્સ', કરોડો રૂપિયાના ડ્રગ્સને મામલે મોદી-શાહ ચુપ્પી તોડે...વગેરે જેવા સ્લોગન સાથે કોંગ્રેસ દ્વારા કેન્દ્રની મોદી સરકાર ઉપર સોશિયલ મીડિયામાં આક્ષેપોની વણઝાર કરવામાં આવી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીથી માંડીને ગુજરાત કોંગ્રેસ તેમજ સિનિયર કોંગ્રેસી નેતાઓ દ્વારા ગુજરાત કચ્છમાં આવેલા મુન્દ્રાના અદાણી પોર્ટથી ભારતમાં ઘુસાડવામાં આવેલા ડ્રગ્સ અંગે વ્યાપક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં નાના-મોટા 42 પોર્ટ આવેલા છે ત્યારે માત્ર મુન્દ્રા અદાણી પોર્ટથી જ ડ્રગ્સ કેવી રીતે ઘુસાડવામાં આવી રહ્યું છે તેવા વેધક સવાલો સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યા છે. જેને પગલે આગામી સમયમાં આ મુદ્દે સંસદમાં પણ વિપક્ષ દ્વારા ધમાલ કરવામાં આવે તેવા એંધાણ છે. 

નાર્કો ટેરરિઝમથી લઈને ડબલ એન્જીનવાળા સરકારમાં બેઠેલા લોકો ગુજરાતના યુવા ધનને નશામાં ધકેલી રહ્યા છે અને ડ્રગ્સ-શરાબ માફીયાને પનાહ આપી રહ્યા છે તેવો આક્ષેપ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે તો વર્ષ 2021માં સપ્ટેબર મહિનામાં મુન્દ્રાના અદાણી પોર્ટથી ઝડપાયેલા 21 હજાર કરોડના ત્રણ હજાર કિલો ડ્રગ્સથી માંડીને મે-2022માં પકડાયેલા 500 કરોડના ડ્રગ્સ ઉપરાંત જુલાઈમાં ઝડપાયેલા 375 કરોડના માદક પદાર્થનો હવાલો આપીને એવો કટાક્ષ પણ કર્યો છે કે, જેમ મુંબઈ ગેટ વે ઓફ ઇન્ડિયા છે તેમ ગુજરાત હવે 'ગેટ વે ઓફ ડ્રગ્સ' બન્યું છે. 

પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, ગુજરાતના એક જ પોર્ટથી ત્રણ વખત 22 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે સરકાર અને મીડિયામાં આ મુદ્દે સન્નાટો કેમ છે ? ભાજપ સરકારના નાક નીચે ડ્રગ્સ માફિયાઓ દેશમાં માદક પદાર્થનું વ્યાપક નેટવર્ક ઉભું કરી દીધું છે ત્યારે, શું કાનૂન વ્યવસ્થા નિષ્ફળ છે કે પછી તેમની મીલીભગત છે ? 

અદાણી પોર્ટથી ડ્રગ્સ આવે તો જવાબદોરી કોની ? : મુન્દ્રાના અદાણી પોર્ટ ઉપરથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના મામલે અદાણી સમૂહ દ્વારા અગાઉ ખુલાસો કરવામાં આવેલો છે કે, તેઓ માત્ર કાર્ગો હેન્ડલ કરે છે. જહાજમાં આવતા માલ સામાન ચેક કરવાની જવાબદારી પોર્ટની નથી. જે ડ્રગ્સ પકડાય છે તે પોર્ટની બહાર CFSમાં મળે છે, પોર્ટની પ્રિમાઇસિસમાં નહીં. મુન્દ્રા કસ્ટમ દ્વારા પણ આ મામલે સ્પષ્ટ કરવામાં આવેલું છે કે, તેઓ બધા કન્ટેનરની તપાસ કરતા નથી. તેમને બાતમી મળે તે અથવા તો સ્કૅનરમાં શન્કા લાગે તેવા તેવા જ કન્ટેનર ખોલીને ચેક કરવામાં આવે છે. સેલ્ફ ડિકલેર કરેલા કન્ટેનરમાંથી જો ડ્રગ્સ મળે તો તે મોકલનાર અને મેળવનાર પાર્ટીની જવાબદારી બને છે, કસ્ટમની નહીં. પોલીસ સહીત અન્ય એજન્સીઓ પણ આ મામલે એમ કહીને હાથ ઊંચા કરી દેતી હોય છે મામલો પોર્ટ અને કસ્ટમનો છે. તેવામાં પ્રશ્ન એ થાય કે ,આખરે આ ચૂકની જવાબદારી કોની ? અને એટલે જ કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહને ખોટી રીતે ટાર્ગેટ કરવા માટે આ પ્રકારના પેંતરા કરવામાં આવી રહ્યા હોવાનું રાજકીય જાણકારોનું માનવું છે.